બીસીસીઆઇના ઘરેલુ ક્રિકેટ સત્રનો પ્રારંભ નવેમ્બરથી

મુંબઈ, તા.9: કોરોના મહામારીને લીધે બીસીસીઆઇ હજુ સુધી ઘરેલુ ક્રિકેટ શરૂ કરી શકયું નથી. બીસીસીઆઇએ હવે ઘરેલુ સત્રની યોજના નવેમ્બરથી પ્રારંભ કરવાની યોજના બનાવી છે. રાહુલ દ્રવિડની આગેવાની હેઠળની કમિટીએ ઘરેલુ ક્રિકેટની યોજના બીસીસીઆઇને સોંપી છે. કોરોનાને લીધે બીસીસીઆઇ આ વખતે રણજી ટ્રોફી અને મુસ્તાક અલી ટ્રોફી ટી-20 ટ્રોફીનું આયોજન કરશે જ્યારે વન ડેની વિજય હઝારે ટ્રોફી, ઉપરાંત દુલિપ અને દેવધર ટ્રોફી પડતી મુકાશે તેવી યોજના છે. જો કે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી. યાત્રાઓથી બચવા માટે દરેક ગ્રુપના મેચ બે શહેરનાં ચાર મેદાન પર રમાશે. ટીમોને પાંચ ગ્રુપમાં વહેંચવામાં આવશે. ગ્રુપ એ, બી અને સીમાં 8-8 ટીમ હશે.ગ્રુપ ડીમાં 6 કે 8 ટીમ હશે. ગ્રુપ ઇમાં પૂર્વોત્તરની તમામ 6 ટીમ હશે. ગ્રુપ ડી અને ગ્રુપ ઇની ટીમ વચ્ચે એક ક્વાર્ટર ફાઇનલ મેચ રમાશે. સિઝનમાં કુલ 136 મેચ રમાશે. જે ગયાં વર્ષથી 33 ઓછા હશે. 13 ડિસેમ્બરથી શરૂઆત અને 10 માર્ચે ફાઇનલ રમાડવાની યોજના છે. ટી-20ની ઘરેલુ સ્પર્ધા મુશ્તાક અલી ટ્રોફી 19 નવેમ્બરથી 7 ડિસેમ્બર દરમિયાન રમાશે. જેમાં 38 ટીમ હશે. જેને 6 ગ્રુપમાં રાખવામાં આવશે. દરેક ગ્રુપની ટીમો એક શહેરના બે મેદાન પર રમશે. આ વખતે તેમાં 40 મેચ ઓછા હશે. એટલે કે 109 મેચ રમાશે જ્યારે જુનિયર ક્રિકેટની શરૂઆત પહેલી નવેમ્બરથી થશે. મહિલા ક્રિકેટના ઘરેલુ સત્રનો પ્રારંભ પણ લગભગ નવેમ્બરથી શરૂ થશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer