વીવોના હટી જવાથી આર્થિક સંકટ નહીં: ગાંગુલી

નવી દિલ્હી, તા.9: બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યંy છે કે આઇપીએલના ટાઇટલ સ્પોન્સર તરીકે ચીની કંપની વીવોના ખસી જવાથી કોઇ પ્રકારનું નાણાંકીય સંકટ ઉભું થયું નથી. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે આઇપીએલની કમાણીનો મોટો હિસ્સો ટાઇટલ સ્પોન્સરમાંથી આવે છે. જે આઠ ફ્રેંચાઇઝી વચ્ચે વહેંચવામાં આવતો હોય છે. વીવો તરફથી બીસીસીઆઇને દર વર્ષે 440 કરોડ રૂપિયા મળતા હતા. હવે ભારતીય બોર્ડ આઇપીએલના નવા ટાઇટલ સ્પોન્સરની શોધમાં છે. જેમાં જીઓ અને બાયજૂસ રેસમાં હોવાની ખબર છે. ગાંગુલીએ એક વેબીનારમાં જણાવ્યું કે આને હું નાણાકીય સંકટ કહીશ નહીં. એક એક નાની વાત છે, જે અચાનક થઇ છે. અમે તેમનો સામનો કરશું. અમને નવા સ્પોન્સર શોધવામાં સફળતા મળશે. અમારી પાસે બીજા વિકલ્પ ખુલ્લા છે. પ્લાન એ અને પ્લાન બી તૈયાર છે. આઇપીએલ મોટી બ્રાન્ડ છે.આથી યોજનાઓ બનાવી રાખવી પડે છે. બીસીસીઆઇ તમામ સ્થિતિને સંભાળી લેવા સક્ષમ છે. તેવો વિશ્વાસ બોર્ડ અધ્યક્ષ ગાંગુલીએ વ્યકત કર્યો હતો. વીવો ઇન્ડિયાએ 2017માં આઇપીએલના ટાઇટલ સ્પોન્સરનો કરાર 2199 કરોડ રૂપિયામાં હાંસલ કર્યો હતો. આ વખતે દેશભરમાં ચીની કંપની સામે વિરોધ થતાં બીસીસીઆઇએ વીવો સાથેનો આ સિઝનનો કરાર રદ કર્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer