વિદેશમાં પાકિસ્તાનની સતત સાતમી હાર

માંચેસ્ટર તા.9: મેન ઓફ ધ મેચ ઓલરાઉન્ડર ક્રિસ વોકસ (અણનમ 84) અને વિકેટકીપર જોસ બટલર (7પ) વચ્ચેની છઠ્ઠી વિકેટની 139 રનની ભાગીદારીથી પાકિસ્તાન વિરૂધ્ધના પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો 3 વિકેટે રોમાંચક વિજય થયો હતો.આથી 3 મેચની શ્રેણીમાં ઇંગ્લેન્ડ 1-0થી આગળ થયું છે. પાકિસ્તાન 10 વર્ષ બાદ પહેલી ઇનિંગ્સમાં સરસાઇ મેળવ્યા બાદ પરાજીત થયું છે. આ પહેલા 2010માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે 206 રનની મોટી સરસાઇ બાદ પાક.ને હાર મળી હતી. આ ઉપરાંત પાક.ની પોતાના દેશ અને હાલના હોમ ગ્રાઉન્ડ યુએઇ બહાર આ સતત સાતમી ટેસ્ટ હાર છે. તે ઓસ્ટ્રેલિયામાં બે ટેસ્ટ, દ. આફ્રિકામાં ત્રણ ટેસ્ટ અને ઈંગ્લેન્ડમાં લીડસ ટેસ્ટમાં હાર્યું હતું. રન લક્ષ્યાંકનો પીછો કરીને ઇંગ્લેન્ડની પાક. સામે આ બે વર્ષ બાદ જીત નોંધાઇ છે. છેલ્લે 2018માં લોર્ડસમાં 9 વિકેટે વિજય મળ્યો હતો. ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાયેલ પહેલા ટેસ્ટમાં પાકિસ્તાનના પહેલા દાવમાં 326 રન થયા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ 219 રને ઓલઆઉટ થયું હતું. આથી પાક.ને 107 રનની સરસાઇ મળી હતી. બીજા દાવમાં પાક.ના 169 રન થયા હતા. આથી ઇંગ્લેન્ડને જીત માટે 277 રનનું લક્ષ્ય મળ્યું હતું. શ્રેણીનો બીજો મેચ તા. 13 ઓગસ્ટથી સાઉથમ્પટન ખાતે ખાલી સ્ટેડિયમમાં શરૂ થશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer