ભુજ શહેર-તાલુકામાં બે માસમાં 250થી વધુ લગ્નને મંજૂરી અપાઇ

ભુજ, તા. 9 : કોરોના મહામારીના કારણે જારી થયેલા લોકડાઉનના પગલે અખાત્રીજ સહિતના વણજોયા મુહૂર્તમાં લગ્નોત્સવ યોજી શકાયા નહોતા, પણ અનલોકના આરંભ સાથે મળેલી છૂટછાટના પગલે મર્યાદિત સંખ્યામાં લગ્ન સમારોહ યોજવાની પરવાનગી આપી છે ત્યારે વીતેલા બે માસ દરમ્યાન ભુજ શહેર અને તાલુકામાં જ 250થી વધુ લગ્નોને મંજૂરી આપવામાં આવી છે, તો જન્માષ્ટમીના દિવસે ગોકુળિયા લગ્નો મોટા પ્રમાણમાં યોજાવાના હોય તેમ આ એક જ દિવસે અત્યાર સુધી લગભગ 35થી 40 જેટલા લગ્નો યોજવા માટેની મંજૂરી માગવામાં આવી છે.ભુજ શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીમાંથી મળેલી સત્તાવાર વિગત અનુસાર મે માસ સુધી લગ્ન સમારોહ યોજવા પર પાબંદી મૂક્યા બાદ જૂન માસથી મામલતદાર કક્ષાએથી પરવાનગી મેળવી 50 લોકોની મર્યાદામાં લગ્ન સમારોહ યોજવાની છૂટ અપાઇ રહી છે. ભુજ શહેર અને ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો જૂન, જુલાઇ અને ઓગસ્ટના અત્યાર સુધીના સમયગાળામાં 250થી વધુ લગ્નોને મંજૂરી આપવામાં આવી છે. સૌથી વધુ લગ્નોની મંજૂરી જૂન માસમાં આપવામાં આવી છે, પણ આ આંકડો ઓગસ્ટમાં ઘણો જ ઊંચકાય તેવું મનાઇ રહ્યું છે. 12 ઓગસ્ટના જન્માષ્ટમી અને 13 ઓગસ્ટના નોમ છે, તો 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ આસપાસ સળંગ રજાનો સંયોગ હોવાના લીધે આ દિવસોમાં લગ્નત્સવ યોજવા માટેની અત્યાર સુધી 35થી 40 અરજી મળી ચૂકી છે. હજુ આ આંકડો વધે તેવી શક્યતા તંત્રવાહકો દ્વારા વ્યક્ત કરાઇ છે.  ઉલ્લેખનીય છે કે, 50 લોકોની મર્યાદામાં લગ્નોત્સવ યોજવા માટેની મંજૂરી મામલતદાર કક્ષાએ આપવામાં આવી છે. એકલા ભુજમાં 250થી વધુ લોકોને મંજૂરી આપવામાં આવી હોવાના લીધે સમગ્ર જિલ્લાનો આંક લગભગ 1000ની આસપાસ હોવાનું મનાઇ રહ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer