કોઠારાના મહિલાને કોરોના સમજી સિવિલમાં દાખલ કરાવાયા રાત્રે મોત - સવારે તંત્રે અગ્નિદાહ કર્યો : સાંજે રિપોર્ટ નેગેટિવ ?

ભુજ, તા. 9 : શરદી-તાવ કે શ્વાસ ચડે તે બધાને કોરોના નથી હોતો... માનવતા દાખવો... જેવા ઉદ્ગાર સાથે કોઠારાના એક પરિવારે હોસ્પિટલના જડ વલણ અને સરકારી નિયમોના ગૂંચવાડાના કારણે સ્વજન ગુમાવ્યાની ગુહાર લગાવી છે. કોઠારાના રસીલાબેન અમૃતલાલ અબોટી (ઠાકર) ઉ.વ. 67ને અસ્થમાની જૂની બીમારી હતી. 2014થી ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં ડો. માંકડિયાની દવા લેતા હતા. દરમ્યાન છેલ્લા બે દિવસમાં આ બીમારી સબબ ઓક્સિજનનું સ્તર ઘટતાં તેને અહીં લવાયા હતા, જ્યાં કોરોના શંકાસ્પદ લક્ષણ ગણી તેને દાખલ કરાયા ન હતા અને સિવિલમાં જવા કહેવાયું હતું. પરિજનોના કહેવા અનુસાર ત્યાં કોરોના સમજી અસ્થમાની સારવાર કરાઈ ન હતી અને વેન્ટિલેટર પર રખાયા હતા. જ્યાં ગતરાત્રે તેનું મોત થતા અગ્નિદાહ પણ તંત્રે જ કર્યો હતો. દરમ્યાન તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યાની ટેલિફોનિક જાણ તંત્રે કરી હોવાનું મૃતકના દિયર હસમુખ અબોટીએ કચ્છમિત્રને કહ્યું હતું. આ સંદર્ભે લેવા પટેલ હોસ્પિટલના ડો. આશિષ માંકડિયાનો સંપર્ક કરતાં તેમણે કહ્યું કે, હા, આ દર્દીને જૂનો અસ્થમા હતો પણ તાવ સાથે ઓક્સિજનનું સ્તર 60થી 70 વચ્ચે નીચું પહોંચી ગયું હતું. સરકારની ગાઈડલાઈન પ્રમાણે બિનકોવિડ હોસ્પિટલો આવા દર્દીને સારવાર આપી શકે નહીં, તેથી તેને કોવિડ હોસ્પિટલમાં જવા કહેવાયું હતું. અસ્થમાના દર્દીને કોરોના થવાની સંભાવના વધી જાય છે અને બીજાને ચેપ ન ફેલાય તે જોવું પણ જરૂરી હતું. આપ્તજનો કહે છે ?-?દર્દીને તાવ ન હતો. મૃતકના પરિજનો કહે છે - અમારો વાંક શું છે? જો લેવા પટેલ હોસ્પિટલે દાખલ કર્યા હોત તો બચી જાત... દરેક આવા દર્દીને કોરોના નથી હોતો, તે સંવેદના હોસ્પિટલોએ સમજવાની જરૂર છે, તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો. લેવા પટેલનું કેસ પેપર કઢાવ્યું હતું તે પણ ફેઈલ ગયું હતું.  દરમિયાન સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચને આ બાબતે પૂછતાં તેમણે સારવાર આપનારા ડોક્ટરો પાસેથી વિગતો મેળવી જણાવ્યું કે, પરમદિવસે લેવા પટેલમાંથી દર્દી રસીલાબેન અબોટીને લવાયા ત્યારે ઓક્સિજન સાવ જ ઘટી ગયું હતું. જીવનું જોખમ હતું તેથી વેન્ટિલેટર પર રખાતાં 30થી વધી માંડ 75 થયું હતું. તેમને દમ ચડતો હતો. હાલત એટલી ખરાબ હતી કે એનેસ્થેટિક ટયુબ જતી નહોતી. ત્રણવાર નીકળી ગઈ હતી. અસ્થમા એક જાતનો દમ છે. ઓક્સિજન આપ્યું એટલે થોડું વધુ જીવન ખેંચી શક્યા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer