ભુજમાં ફાયર સેફ્ટીથી પણ વધુ સલામતી ધરાવતી હોસ્પિટલો છે

ભુજ, તા. 9 : સુરત -અમદાવાદની આગની ઘટના છતાં ફાયર સેફટી મુદ્દે ભુજમાં ગંભીરતા નથી. એ શીર્ષક સાથે પ્રસિદ્ધ થયેલા હેવાલમાં માત્ર છ જ ફાયર સેફટી ધરાવતી હોસ્પિટલ દર્શાવાઇ છે પરંતુ ફાયર સેફટીથી પણ વધુ તકેદારી સાથેના નિયમો પાળતી ચાર હોસ્પિટલ પણ ભુજમાં જ છે તેવી સ્પષ્ટતા કરાઇ છે. ભુજમાં જ સીટી આઇ હોસ્પિટલ ધરાવતા ડો. ફહીમ લાલાના જણાવ્યા મુજબ તેમના ઉપરાંત ડો. સુરભિ વેગડ, ડો. દેવેન જોગલ અને ડો. દીપક સુથારની હોસ્પિટલોએ એન.એ.બી.એચ. અર્થાત નેશનલ એક્રેડિએશન બોર્ડ ફોર હોસ્પિટલના સર્ટિ. મેળવેલા છે. જે સાવચેતીના તમામ નિયમોનું ચુસ્ત પાલન સમાન છે. અલબત્ત, ભુજ સુધરાઇની ફાયર શાખામાંથી પ્રાપ્ત માહિતી મુજબ દર્શાવાયેલાં નામો ઉપરાંત  ડો. દેવેન જોગલની હોસ્પિટલ, ડો. સુરભી વેગડની હોસ્પિટલ, ડો. ફહિમ લાલા, શ્યામ મેડિકેર મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ સહિતની હોસ્પિટલો ફાયર સેફ્ટીનું સર્ટિ. પણ ધરાવતી હોવાની સ્પષ્ટતા કરાઇ હતી. ડો. સુરેશભાઇ રૂડાણીએ પણ તેમના પાસે ફાયર શાખાનું એન.ઓ.સી. હોવાનું જણાવ્યું હતું. વધુ માહિતી અનુસાર આવનારા સમયમાં તબીબોએ એનએબીએચ સર્ટિ. મેળવવું ફરજિયાત થશે. રાષ્ટ્રીય સ્તરનું આ સર્ટિ. 500 જેટલા મુદ્દા ચકાસ્યા બાદ જ મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ સુધી ભુજના માત્ર એક જ ડો. દેવેન જોગલે આ સર્ટિ. મેળવ્યું છે. જ્યારે ડો. ફહિમલાલા, ડો. સુરભિ વેગડ, ડો. દીપક સુથાર ટૂંક સમયમાં સર્ટિ. મેળવી લેશે. તેમની પ્રક્રિયા સંપન્ન થઇ ચૂકી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer