છાપાની ફેરી માટે નીકળેલા આધેડ પાસે રોકડની લૂંટ

ગાંધીધામ, તા. 9 : આદિપુરના ડી-સી પાંચ નજીક પોલીસવડાની કચેરી પાસે એક્ટિવાચાલક આધેડને ત્રણ શખ્સોએ રોકી તેમની પાસેથી રોકડ રૂા. 17,000ની લૂંટ કરી નાસી ગયા હતા. અંતરજાળના નંદનગર વિસ્તારમાં રહેતા દેવરામ લવજી પ્રજાપતિ નામના આધેડ આ બનાવનો ભોગ બન્યા હતા. છાપા વેચવાનું કામ કરતા આ આધેડ ગઈકાલે સવારે એક્ટિવા નંબર જીજે-12-ડીપી- 0963વાળી લઈને સુંદરપુરી પાણીના ટાંકા પાસે આવવા રવાના થયા હતા. અંતરજાળના નંદનગરમાંથી આદિપુરના ડી-સી પાંચ બાજુ જતા ત્રણ રસ્તેથી આશરે સોએક મીટર દૂર આ આધેડ પહોંચ્યા હતા ત્યારે પાછળથી એક બાઈક આવ્યું હતું. આ બાઈકમાં બુકાનીધારી ત્રણ શખ્સો સવાર હતા. આ શખ્સોએ આધેડની ગાડી ઊભી રખાવી હતી અને ત્રણમાંથી બે શખ્સો ઊતર્યા હતા જેમાંથી એક શખ્સે આધેડને પકડી રાખ્યો હતો. બીજા બે શખ્સોએ એક્ટિવાની ડેકી તથા થેલો તપાસવા લાગ્યા હતા. બાદમાં આધેડના ખિસ્સામાં હાથ નાખી તેમાંથી રોકડ રૂા. 17,000 કાઢી લીધા હતા અને મોબાઈલની પણ લૂંટ કરી હતી, પરંતુ બાદમાં મોબાઈલ પરત આપી દીધો હતો. લૂંટ કર્યા બાદ આ અંગે કોઈને ફરિયાદ કરીશ તો આ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. એક શખ્સે ફરિયાદીને ધક્કો આપતાં તે પડી જતાં તેમને હાથમાં ઈજાઓ થઈ હતી.ગઈકાલે વહેલી પરોઢે બનેલા આ ચકચારી બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસવડાની કચેરી નજીક લૂંટના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. પૂર્વ કચ્છમાં વધી રહેલા ચોરી, લૂંટના બનાવોના કારણે લોકોમાં ભય પ્રસર્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer