સીઆરઝેડ મંજૂરી માટે કચ્છી કંપનીઓનો સંઘર્ષ

ભુજ, તા.9 : એક બાજુ કચ્છની કંપનીઓ સીઆરઝેડ (કોસ્ટલ રેગ્યુલેશન ઝોન-કાંઠાળ નિયંત્રણ ક્ષેત્ર)ના નિયમો હેઠળની મંજૂરીમાં વિલંબનો ભોગ બની રહી છે, તો બીજીબાજુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રક બોર્ડ (જીપીસીબી) જિલ્લાની અનેક કંપનીઓને દર મહિને આ પરવાનગી વિના ચલાવાતી હોવાના મુદ્દે નોટિસો પાઠવી રહ્યું છે. કચ્છના ઔદ્યોગિક સંગઠન ફોકિયા (ધ ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન) એ રજૂઆત કરી છે કે, આ કંપનીઓ કઈ ભૂલ વિના, તારીખ વીતી ગયાનું જણાવીને આ પોસ્ટ ફેક્ટો ક્લીયરન્સ મેળવવાથી વંચિત રાખવામાં આવી છે. કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકર પાસે ફોકિયા દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, કચ્છની કંપનીઓ 2018થી આ સીઆરઝેડ પરવાનગી મેળવવા સંઘર્ષ કરી રહી છે. ફોકિઆએ રજૂઆત કરી છે કે, પાઈપલાઈન પાથરવા માગે છે એવી ખાદ્યતેલ કંપનીઓ સહિત કુલ એક ડઝનથી વધુ કંપનીઓ સીઆરઝેડ મંજૂરી માટે રાહ જુએ છે. કંપનીઓએ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય પાસે મંજૂરી મેળવવાની રહે છે, જે ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (જીસીઝેડએમએ)ની ભલામણને આધારે પ્રમાણપત્ર આપે છે. ફોકિયાના એમડી નિમિષ ફડકેએ કહ્યું હતું કે, અમારી પાસે માહિતી મુજબ જીસીઝેડએમએ દ્વારા કચ્છનો કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન (સીઝેડએમપી)નો નકશો કેન્દ્રીય મંત્રાલયને અપાયો નથી. જીસીઝેડએમએ માટે એ આવશ્યક છે કે દરેક કાંઠાળ જિલ્લાનો આ નકશો મંજૂર કરે. ભલામણ મોકલવા પહેલાં મંત્રાલય સમક્ષ આ મંજૂરી માગવાની હોય છે. જો કે, ગુજરાત ઓથોરિટી હજુ ભલામણો મૂકી શકી નથી.પરવાનગી મેળવવા માટેની તારીખ 30 જૂન, 2018 હતી અને કંપનીઓએ સમય મર્યાદામાં જ અરજી કરી હતી પરંતુ ગુજરાતની આ ઓથોરિટીએ મંત્રાલય સામે નકશાને મંજૂરી ન આપવાના કારણે કચ્છની કંપનીઓ વિના વાંકે ભોગ બની રહી છે. જો કે કેન્દ્રીય મંત્રાલયે નકશો ફેબ્રુઆરી-20માં મંજૂર કરી દીધો હતો અને પ્રક્રિયા શરૂ કરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer