જી.કે.ના કોરોના શંકાસ્પદ દર્દીના વોર્ડમાં આગની ઘટનાનું કરાયેલું નિદર્શન

જી.કે.ના કોરોના શંકાસ્પદ દર્દીના વોર્ડમાં આગની ઘટનાનું કરાયેલું નિદર્શન
ભુજ, તા. 7 : જી.કે. જનરલના કોરોના શંકાસ્પદ દર્દીઓના વોર્ડમાં આગ લાગતાં હોસ્પિટલના અગ્નિશમન સહિતના વિવિધ વિભાગના 20 જેટલા કર્મચારીઓ દોડી ગયા હતા અને પાંચ દર્દીઓને વ્હીલચેર અને સ્ટ્રેચરથી સામેના વોર્ડમાં ખસેડવાની સાથે-સાથે અગ્નિ ઓલવવાના સાધનો સાથે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટના ગુરુવારે બપોર બાદ 3-30 વાગ્યે ઘટી હતી પણ એ હોસ્પિટલની તૈયારીની ચકાસણી હેતુ મોકડ્રીલ હતી. આ મોકડ્રીલની કામગીરીને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડે. કશ્યપ બૂચે સફળ ગણાવી આગની ઘટનાના સમયે વધારાની ધ્યાનમાં લેવા જેવી બાબતો વિશે સમજણ આપી હતી. મોકડ્રીલનું સંચાલન કરનારા જી.કે.ના ફાયરા એન્ડ સેફ્ટી  અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું કે, આગ જેવો ડેમો કર્યો અને ફાયરની હોઝરીલ  લઈ જઈ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. દર્દીઓને શિફટ કરાયા હતા. ફાયર એન્ડ ઈવેકયુશન ડ્રીલમાં ફાયર એન્ડ સેફટી સ્ટાફ સાથે હાઉસ કીપિંગ અને પેશન્ટ કેર આસિસ્ટન્ટ, સલામતી રક્ષકો, વહીવટી વિભાગ, બાયો મેડિકલ સ્ટાફ, મેડિકલ એડમિન સ્ટાફે પણ દોડીને ઝડપભેર પરિસ્થિતિ પર અંકુશ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગે કોરોના પોઝિટિવ આઠ દર્દીઓના ભોગ લીધા તેના પગલે રાજ્યના આરોગ્ય કમિશનરે આપેલા આદેશથી હાથ ધરાયેલી અગ્નિશમન સુવિધાની ચકાસણીના ભાગરૂપે આ મોકડ્રીલનું આયોજન હાથ ધરાયું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer