કાયદાની જાળવણી સાથે ગુના નિયંત્રણ અને શોધનને અગ્રતા

કાયદાની જાળવણી સાથે ગુના નિયંત્રણ અને શોધનને અગ્રતા
ભુજ, તા. 7 : રાજ્યના પોલીસદળની અન્ય રેન્જ કરતાં અલગ પ્રકારનો કહી શકાય તેવો કાર્યભાર ધરાવતી અને સરહદી વિસ્તારોને લઇને વ્યૂહાત્મક રીતે અગત્યનું સ્થાન ધરાવતી સરહદ રેન્જના ચાર પોલીસ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી યોગ્ય રીતે થવા સાથે ગુનાખોરી ઉપર નિયંત્રણ અને ગુનાના શોધનની કાર્યવાહીને અગ્રતા આપવા સાથે સામાન્ય લોકોના પ્રશ્નોને પોલીસ મથક સ્તરેથી જ ન્યાય મળે તેવો અભિગમ અખત્યાર કરવાનો નિર્ધાર આજે સરહદ રેન્જના નવનિયુક્ત વડા પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથાલિયાએ વ્યક્ત કર્યો હતો. આ તબક્કે તેમણે ભ્રષ્ટાચારથી મુક્ત વહીવટ અને અસામાજિક પ્રવૃત્તિઓ અને બદીઓને કડક હાથે ડામી દેવાની નેમ પણ વ્યક્ત કરતાં પોલીસ સ્ટાફ નિષ્પક્ષ અને સત્યતા સાથેની કાર્યવાહી શિસ્તના દાયરામાં રહીને કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી. વર્ષ-1996માં પોલીસદળમાં નાયબ પોલીસ અધીક્ષક તરીકે જોડાયેલા અને 2001માં આઇ.પી.એસ. તરીકે નોમિનેટ થયેલા મૂળ સાબરકાંઠા જિલ્લાના વતની જે.આર. મોથાલિયાએ પૂર્વ અને પશ્ચિમ કચ્છ ઉપરાંત પાટણ અને બનાસકાંઠા જિલ્લાને  સાંકળતી સરહદ રેન્જના 21મા વડા તરીકેનો તેમનો નવો કાર્યભાર આજે સંભાળ્યો હતો. અમદાવાદ શહેરના સંયુક્ત કમિશનર પદેથી તેમને સરહદ રેન્જમાં નિયુક્ત કરાયા છે. આજે સવારે તેમણે તેમના પુરોગામી અધિકારી સુભાષ ત્રિવેદી પાસેથી ચાર્જ અખત્યાર કર્યો હતો. સરહદ રેન્જના આઇ.જી. તરીકેની નિમણૂકને પડકારરૂપ ગણાવતાં શ્રી મોથાલિયાએ આ રેન્જને અન્ય રેન્જ કરતાં અલગ અને વ્યૂહાત્મક રીતે મહત્ત્વની ગણાવી હતી. આ રેન્જમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી ઉપરાંત સીમાવર્તી અને કાંઠાળ વિસ્તારની સુરક્ષા સહિતના પાસાં આવરી લેવાતાં હોવાથી તેનું મહત્ત્વ સવિશેષ હોવાનું તેમણે જણાવ્યું હતું. ગુનો બને પછી તુરત ગુનાનું શોધન અવશ્ય થવું જ જોઇએ તેવું કહેતાં આ વરિષ્ઠ પોલીસ અધિકારીએ કામગીરીનો અંદેશો આપતાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે ગુનાખોરી ઉપર નિયંત્રણ અને ગુનાશોધનને અગ્રતાની વાત કરતાં લોકોને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટનો અનુભવ થાય અને તેમની રજૂઆત-ફરિયાદોનું ફ્રી રજિસ્ટ્રેશન થાય તથા અરજદારોને શાંતિથી સાંભળી તેમની સમસ્યાનો પોલીસ મથક સ્તરેથી જ કડક પગલાં સાથે ન્યાયિક ઉકેલ આવે તેવો અભિગમ અપનાવવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી. આ મુલાકાત દરમ્યાન ઔદ્યોગિક અને મજૂરોના વિસ્તારના પ્રશ્નો, મુખ્ય શહેરી વિસ્તારોમાં ટ્રાફિકના નિયમન ઉપર પણ ખાસ ધ્યાન આપી વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાનું કહેતા શ્રી મોથાલિયા દ્વારા સીમાવર્તી વિસ્તારમાં કાર્યરત સુરક્ષાને સંલગ્ન અન્ય એજન્સીઓ અને તંત્રો સાથે સંકલનભરી કાર્યવાહી અવિરત રાખવાનો કોલ આપ્યો હતો તો પગી અને પોલીસમિત્ર અને હેલ્પલાઇન જેવી યોજનાઓને પ્રોત્સાહન આપવા સાથે સરહદી વિસ્તારમાં પોલીસદળને માહિતી આપી શકે તેવા ખાસ સ્ત્રોત ઊભા કરવાની ઇચ્છા દર્શાવી હતી. સાથેસાથે કલેક્ટર અને ખાણખનિજ ખાતાં સાથે સંકલન રાખીને ખનિજ તત્ત્વોની ચોરીની પ્રવૃત્તિ સામેની ઝુંબેશ પણ રેન્જ કક્ષાએથી અવિરત રાખવાની તેમણે ખાતરી ઉચ્ચારી હતી. તો રેન્જના ચારેય જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને બદીઓ કોઇ કાળે ચલાવી લેવાશે નહીં તેવી પણ ધરપત આપતાં સાયબર ક્રાઇમ ક્ષેત્રે કાર્યરત મથકોને પૂર્ણત: કાર્યરત કરવાનું જણાવ્યું હતું. તાબાના પોલીસ સ્ટાફ માટે શીખ આપતાં તેમણે નિષ્પક્ષ અને સત્યતા સાથેની કામગીરી શિસ્તના દાયરામાં રહીને થાય તથા નિયમ વિરુદ્ધની કોઇ કાર્યવાહી ન થાય તેમ જણાવ્યું હતું. દરમ્યાન નાયબ પોલીસ અધીક્ષક તરીકે અમરેલી, ધારી, પાલનપુર, પોરબંદર અને જામનગર તથા એસ.પી. તરીકે નર્મદા, ગોધરા, નવસારી અને મહેસાણા તથા ડી.આઇ.જી. અને આઇ.જી કક્ષાએ રેલવે, જેલ અને સંયુક્ત કમિશનર જેવા પદભાર સંભાળી ચૂકેલા શ્રી મોથાલિયાએ ક્રાઇમ બ્રાન્ચ અને ત્રાસવાદ વિરોધી દળનો હવાલો પણ અગાઉ સંભાળેલો છે. આજે તેઓ ભુજ ખાતે રેન્જ કચેરીએ આવી પહોંચતા તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer