ખાલિસ્તાનના નક્શામાં કચ્છના સમાવેશથી ચકચાર

ખાલિસ્તાનના નક્શામાં કચ્છના સમાવેશથી ચકચાર
નિખિલ પંડયા દ્વારા-  ભુજ, તા. 7 : નેપાળ અને તે પછી પાકિસ્તાન દ્વારા તેમના નવા નક્શાની એકપક્ષીય રીતે જાહેરાત કરાયાને પગલે ભારત નવા સીમાવિવાદનો સામનો કરી રહ્યંy છે તેવા સમયે અલગતાવાદી શીખ સંગઠનોએ ખાલિસ્તાન માટેની તેમની માંગના સંદર્ભમાં એક નકશો બહાર પાડયો હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે.  વધુ ચિંતાની બાબત એ છે કે આ ખાલિસ્તાનના કહેવાતા નકશામાં સરહદી કચ્છ જિલ્લા ઉપરાંત ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠાના અમુક ભાગોનો સમાવેશ કરાયો છે.આમ તો સાવ સુષુપ્ત બની ગયેલી આ અલગતાવાદી ચળવળને સંલગ્ન સંગઠનો દ્વારા જાણે તેમની માંગને ફરી સક્રિય બનાવવા તૈયારી કરાઇ રહી હોવાનો અંદેશો આપતા ખાલિસ્તાનના આ કહેવાતા નકશાની પાછળ પાકિસ્તાનની કુખ્યાત એજન્સીઓનો હાથ હોવાનું તારણ ભારતીય એજન્સીઓ આપી રહી  છે. પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ દ્વારા તાજેતરના સમયમાં ખાલિસ્તાની નેતાઓને મહત્ત્વ આપવાનું શરૂ કરાયું છે.  એવામાં નકશો બહાર પાડવા પાછળ આવો કારસો કામ કરી રહ્યો છે. કેનેડા અને જર્મનીના અલગતાવાદી ખાલિસ્તાની સંગઠનોના જોરે પાકિસ્તાન ભારતમાં ફરી હિંસાને જગાવવા માગતું હોવાનો અંદેશો ભારતીય ગુપ્તચર એજન્સીઓ વ્યક્ત કરી રહી છે.તાજેતરમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગુરુ નાનકદેવના જન્મસ્થળ નાનકાના સાહિબના ખાસ કોરિડોરનું ઇમરાન ખાન સરકારે ગાઇ વગાડીને ઉદ્ઘાટન કર્યું તે સમયે અમુક ખાલિસ્તાની નેતાઓની હાજરી સપાટી પર આવી હતી.  આ કાર્યક્રમ પૂર્વે પાકિસ્તાન સરકારે જે ગીત બહાર પાડયું હતું તેમાં જરનેલાસિંહ ભીંદરાણવાલે સહિતના ત્રણ ખાલિસ્તાની નેતાઓની તસવીરો અને ખાસ તો ખાલિસ્તાનના મામલે 2020માં કહેવાતો લોકમત લેવાની તારીખ દર્શાવાયા હતા.પાકિસ્તાનના આ નાપાક ઇરાદા સામે ભારતે તે સમયે સખત વાંધો પણ નોંધાવ્યો હતો. ગુજરાતને સંબંધ છે ત્યાં સુધી ખાલિસ્તાનના નવા નક્શામાં સમગ્ર કચ્છની સાથોસાથ બનાસકાંઠા અને પાટણનો અમુક હિસ્સો દર્શાવાયો છે. જર્મની અને કેનેડાથી સંચાલિત થતી બબર ખાલસા સહિતના વિવિધ શીખ ઉગ્રવાદી સંગઠનોની વેબસાઇટોમાં હવે આ નકશાને મહત્ત્વનું સ્થાન અપાઇ રહ્યંy હોવાનું એક ઉચ્ચ વર્તુળે કહ્યંy હતું.વળી આ સંગઠનો આશ્ચર્યજનક રીતે ગુજરાતના કચ્છ સહિતના આ વિસ્તારોમાં શીખ સમુદાયની નોંધપાત્ર હાજરી હોવાનો અને પકડ હોવાનો દાવો પણ કરી રહ્યા છે.  આવા સંજોગોમાં અપપ્રચારના માધ્યમો આવા ઊંબાડિયાને સ્થાન  આપે એવી ભીતી વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.  ખરેખર તો મુખ્યધારામાં મહત્ત્વની ભૂમિકા ધરાવાતા શીખ સમુદાયને ફરી ઉશ્કેરવાનો કારસો વિફળ બને તે માટે સમાજ અને સરકારે સાથે મળીને સક્રિય બનવાની જરૂરત વર્તાઇ રહી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer