24 પોઝિટિવ કેસ સાથે કોરોનાએ વધુ બેનો ભોગ લીધો

24 પોઝિટિવ કેસ સાથે કોરોનાએ વધુ બેનો ભોગ લીધો
ભુજ, તા. 7 : અનલોકના ત્રીજા ચરણમાં કચ્છમાં કોરોનાનો કહેર બેકાબૂ રહ્યો હોય તેમ આજે વધુ 24 પોઝિટિવ કેસ નોંધાવવા સાથે બે લોકોના આ મહામારીએ ભોગ લેતાં ઉચાટનું આવરણ ઘેરું બન્યું છે. આ સાથે જિલ્લામાં કુલ્લ પોઝિટિવ કેસનો આંક 684 પર પહોંચ્યો છે, તો તંત્રના ચોપડે સત્તાવાર મૃતકાંક 30 થયો છે. આજે સૌથી વધુ 10 કેસ ભુજ શહેર-તાલુકામાં નોંધાયા છે. ડીપીટીમાં ફરજ બજાવતા 56 વર્ષીય અનિલ બાલક્રિષ્ના પિલ્લાઇનું આજે બપોરે 12.52 કલાકે મોત નીપજ્યું હતું. 4થી તારીખે તાવ, ગળામાં દુ:ખાવાની ફરિયાદ સાથે દાખલ થયેલા સદ્ગત પિલ્લાઇનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાઈ લેવલ ઓક્સિજન સપોર્ટ અને વેન્ટિલેટર સપોર્ટ પર રહેતા આ દર્દી હૃદય અને કિડનીની બીમારીથી પીડાતા હતા. ડીપીટીમાં ફરજ બજાવતા આ કર્મચારીના નિધન સાથે અત્યાર સુધી ડીપીટી સંલગ્ન ત્રણ નિવૃત્ત સહિત આ ચોથા કર્મી મોત પામ્યા છે. તો જેષ્ઠાનગર ભુજમાં રહેતા સરલાબેન શ્યામલાલ રાજપૂતનું ગત મધરાત્રે પોણા વાગ્યે અવસાન નીપજ્યું છે. હૃદય સંબંધી બીમારી અને હાઇપર  ટેન્શનથી પીડાતા સરલાબેન 28 જુલાઇના ભુજમાં દાખલ કરાયા બાદ વેન્ટિલેટર પર સારવાર હેઠળ રખાયા હતા. આજે ભુજ વિસ્તારમાં કોરોનાનો રાફડો ફાટયો હોય તેમ એકસાથે 10 પોઝિટિવ કેસ નીકળ્યા છે. જેષ્ઠાનગરમાં રહેતા મમતા પરેશ કટારમલ, કૈલાસનગરમાં રહેતા દીપકકુમાર પ્રવીણકુમાર મારૂ, એકોર્ડ પાસે આવેલી પોલીસ લાઇનમાં રહેતા એમ. જે. ચૌધરી, નાગોર બસ સ્ટેશન પાસે રહેતા ગીતાબેન સોરઠિયા, સાવન રિસોર્ટમાં રહેતા અજિતકુમાર સિંઘ અને હરિશંકરકુમાર તેમજ કેમ્પ મસ્જિદ પાસે રહેતા અબુભખર કુંભાર, કજલીનગર ખારી નદી રોડ પાસે રહેતા આઇસુબાઇ ઉમર કુંભારના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અબડાસા તાલુકાના અલ્ટ્રાટેક ટાઉનશિપમાં રહેતા ઇન્દુદેવી તો માંડવી તાલુકાના ફરાદીમાં રહેતા દિલીપસિંહ બાબુભા તુંવર કોરોના સંક્રમિત થયા છે. મુંદરાના ફોફલ ફળિયામાં રહેતા શાંતિલાલ નાગજીભાઇ મહેતા પણ કોરોનાના સકંજામાં સપડાયા છે. 24 પોઝિટિવ કેસમાં 14 અદાણી લેબોરેટરી, 6 અમદાવાદની ખાનગી લેબોરેટરી તો 4 રેપિડ એન્ટિજન ટેસ્ટ મારફત કરાવાયેલા રિપોર્ટનો સમાવેશ થાય છે. આજના કેસ સાથે એક્ટિવ કેસની બેવડી સદી થઇ છે. 24 પોઝિટિવ કેસ સામે નવ દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. રજા અપાયેલા દર્દીઓમાં ગાંધીધામના મહેન્દ્રભાઇ પરમાર, જગદીશ?અગ્રવાલ, લીલાબેન હીરાલાલ ઠક્કર, ભુરાભાઇ મ્યાત્રા, નૂતન વિજયકુમાર ત્રિપાઠી, અંજારના અજિતકુમાર રજત, ડો. રાજેશ ચૌધરી, રાપરના મહેશભાઇ વરચંદ અને નખત્રાણાના મગનભાઇ પટેલનો સમાવેશ થાય છે. ગાંધીધામ બ્યૂરોના અહેવાલ અનુસાર આજે  અંજારમાં  વધુ છ કેસો  નોંધાયા છે.  અંજારની મહાલક્ષ્મી સોસાયટીમાં દમયંતીબેન જેન્તીલાલ મહેશ્વરી (ઉ.33), યોગેશ્વર નગરમાં  નીરવ પ્રવીણ રાણા (ઉ.30), ઈન્ડિયા  કોલોનીમાં  દુર્ગાભાઈ શુકલા (ઉ.42), ભાવેશ્વરનગરમાં જેન્તીલાલ  કે. ઠક્કર (ઉ. 65), તુષાર જે. ઠક્કર (ઉ. 34), અંજાર તાલુકાના વરસામેડીમાં આવેલા નિશાપાર્કમાં કલ્પના અજય તમનાકર (ઉ. 38)કોરોનાગ્રસ્ત થયા હતા. તો ગાંધીધામના લીલાશાહ નગરમાં મિતલ ચન્દ્રકાન્ત શાહ (ઉ. 38),  સાધુવાસવાણી હેમ કોલોનીમાં વિમલા સુભાષચન્દ્ર પુંજ (ઉ. 65), ઈફકો કોલોનીમાં વર્ષા હેમંત શેરાવત (ઉ. 25), હાઉસિંગ બોર્ડમાં કે પ્રસાદ રાવ (ઉ. 62), વોર્ડ-12/સી લીલાશાહનગરમાં  પ્રહલાદસિંગ (56) કોરોનાથી સંક્રમિત થયા હતા. ગાંધીધામમાં  કોરોનાના આજે પાંચ કેસો આરોગ્યતંત્રના ચોપડે નોંધાયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer