મોદી ભલે વખાણે, સરકાર ડ્રેગન ફ્રૂટને ફળ માનતી નથી

મોદી ભલે વખાણે, સરકાર ડ્રેગન ફ્રૂટને ફળ માનતી નથી
પ્રશાંત પટેલ દ્વારા-  ભુજ, તા. 6 : કચ્છના કર્મઠ અને પ્રયોગશીલ સાહસિક કિસાનોએ ડ્રેગન ફ્રૂટનાં વાવેતરમાં મળેલી સફળતાને ખુદ દેશના વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ મન કી બાતમાં વખાણી અને કચ્છમાં ભાજપે તેને `કમલમ્' નામનું બ્રાન્ડિંગ કરી નાખ્યું, પરંતુ ભારોભાર અચરજ તો એ વાતનું છે કે ડ્રેગન ફ્રૂટને સરકાર હજુ ફળ માનતી જ નથી. ડ્રેગન ફ્રૂટના નામે હજુ સરકારના ચોપડા સાવ કોરા છે. બાગાયતી પાક ગણતી જ નથી. આ હકીકતની કોઈને જ ખબર નહીં હોય, પરંતુ વાત સાવ સાચી છે. અમેરિકન મૂળનાં આ વિદેશી ફળનાં વાવેતરમાં સફળતા મેળવીને કચ્છના પ્રયોગશીલ કિસાનોએ સાબિત કરી આપ્યું છે કે, ડ્રેગન ફળ કચ્છની જમીન પર પાકી શકે છે. ખનિજ, વિટામિન, લોહતત્ત્વ સહિત માનવ આરોગ્ય માટે જડીબુટી જેવી ઔષધીય સંપત્તિ ધરાવતું ડ્રેગન ફ્રૂટ સરકાર તરફથી ફળ તરીકે માન્યતા મેળવે તો આ ફળની આયાતનું પ્રમાણ ઘટાડી શકાય અને ડ્રેગન ફ્રૂટનાં ક્ષેત્રે પણ કચ્છ આત્મનિર્ભર બને. કિસાનો માટે આવકનાં નવાં દ્વાર ખૂલે અને લોકોને ઘરઆંગણે આ ફળનો સ્વાદ ચાખવા મળે એમ બાગાયતના નિષ્ણાતો કહે છે. છેલ્લા છ-સાત વર્ષથી રણપ્રદેશના પ્રયોગશીલ ખેડૂતો સતત પરિશ્રમ કરીને આ મીઠાં- મધુરાં ફળનું વાવેતર કરે છે અને સારો એવો ફાલ પણ મેળવી રહ્યા છે. કચ્છમાં ડ્રેગન ફ્રૂટનું કયા કયા વિસ્તારોમાં, કયારે, કેટલું વાવેતર, ઉત્પાદન થયું છે તેવા સવાલોના જવાબમાં સરકારના બાગાયત તંત્રએ અજાણતા વ્યક્ત કરીને કહ્યું હતું કે, આવા કોઈ જ પ્રકારના આંકડાની નોંધ અમારી પાસે નથી. તંત્રના આ જવાબ પરથી એ તથ્ય સ્પષ્ટ પણે પુરવાર થાય છે કે, આપણી સરકારે ડ્રેગન ફ્રૂટને માન્યતા આપી જ નથી.  આ હકીકત જાણ્યા પછી આશ્ચર્ય સાથે કચ્છના કૃષિજગતે એકી અવાજે એવી માંગ કરવા માંડી છે કે ડ્રેગન ફ્રૂટને ફળ તરીકે માન્યતા આપવા સાથે સરકાર આ વિદેશી ફળનાં વાવેતર માટે સબસિડી જેવા લાભો આપીને કચ્છના કિસાનોને પ્રોત્સાહક બળ પૂરું પાડે. આ મહત્ત્વના મુદ્દે સંપર્ક સાધીને સવાલો કરતાં કચ્છના બાગાયત તંત્રના કાર્યવાહક અધિકારી કુલદીપ સોજિત્રાએ કચ્છમિત્રને જણાવ્યું હતું કે, આપણી સરકારે હજુ ડ્રેગન ફ્રૂટને ફળપાક તરીકે માન્યતા નથી આપી. આવું શા માટે, તેવું પૂછતાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, કૃષિ યુનિવર્સિટી તરફથી ભલામણ કરાઈ નથી. ડ્રેગન ફ્રૂટ ફળ છે તેવું અધિકારીઓ સ્વીકારે છે, પરંતુ માન્યતા ન મળે ત્યાં સુધી તંત્ર આ ફળનાં કચ્છમાં વાવેતર, ઉત્પાદન વગેરેની આંકડાકીય વિગતો એકત્ર કરવી કે સબસિડી આપવા જેવી પ્રવૃત્તિઓ કરતું નથી.અત્યાર સુધી તો કિસાનોએ જાતમહેનત કરીને પોતાની કોઠાસૂઝ કામે લગાડી સ્વખર્ચે જ અલગ અલગ પ્રયોગ કર્યા છે અને તેમાં ઉચ્ચ ગુણોવાળા રોપા તૈયાર કરીને સફળતા પણ મેળવી છે. કચ્છના જાણીતા સંશોધન વૈજ્ઞાનિક ડો. મુરલીધરનનો આ સંદર્ભે સંપર્ક સાધતાં તેમણે કચ્છમિત્રને જણાવ્યું હતું કે, આ વિદેશી ફળનાં વાવેતરની આપણા પ્રદેશમાં સંભાવનાઓ અંગે સંશોધનની શરૂઆત પહેલાં થવી જોઈએ. કૃષિ વિભાગ, બાગાયત વિભાગ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરતા કચ્છના પ્રયોગશીલ કિસાનોના અભિપ્રાયો મેળવી કૃષિ યુનિવર્સિટીને આ ફળ પર સંશોધન કરવાની ભલામણ કરે તો કામ આગળ વધી શકે તેવો મત તેમણે વ્યકત કર્યો હતો.કૃષિ યુનિવર્સિટીએ અગાઉથી જ આ ફળનાં વાવેતરનો અભ્યાસ અને અનુભવ ધરાવતા કચ્છી કિસાનોની મદદથી કચ્છના જ વાડી, ખેતરમાં ક્ષેત્રિય પ્રયોગો, પરીક્ષણ કરીને સંશોધન કરવું જોઈએ. જેથી સમગ્ર પ્રક્રિયા ઝડપી બને અને ટૂંકા ગાળામાં પ્રયોગો, પરીક્ષણ, સંશોધનનાં તારણો મેળવીને તેના આધારે ડ્રેગન ફ્રૂટને માન્યતા આપી શકાય.  જ્યાં સુધી ફળપાક તરીકે માન્યતા નહીં મળે ત્યાં સુધી વાવેતર કરવા સરકાર તરફથી મળતી સહાયથી વંચિત રહેવું પડશે, એટલું જ નહીં, નિકાસ કરવા માટે મળતા લાભો કે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ સ્થાપવા માગતા સાહસિક ખેડૂતો માટે પણ પ્રશ્નો ઊભા થશે. ડ્રેગન ફળની ખેતી આમેય ખર્ચાળ છે, રોપાની કિંમત ઓછી છે પણ રોપાને સપોર્ટિંગ પોલ ઊભો કરવા માટેનો 1ર99થી 1પ99 જેટલો આવે છે, તેથી કોઈ ખેડૂતને ડ્રેગન ફળનું વાવેતર કરવું હોય તો એકર દીઠ ચાર લાખ આસપાસ ખર્ચ આવે છે. જે સામાન્ય, નાના ખેડૂતો માટે શરૂઆતનો આટલો ખર્ચ કરવો મુશ્કેલ છે.તેથી ઝડપથી ફળની માન્યતા આપીને આ ફળની ખેતીમાં સહાય જાહેર કરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઊઠી છે.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer