જોધપુરમાં અડધા કરોડનો હાથ મારનારા બે ખૂંખાર તસ્કર પૂર્વ કચ્છમાં ઝડપાયા

જોધપુરમાં અડધા કરોડનો હાથ મારનારા બે ખૂંખાર તસ્કર પૂર્વ કચ્છમાં ઝડપાયા
ગાંધીધામ, તા. 7 : રાજસ્થાનના જોધપુરમાં એક વેપારીના ઘરમાંથી અડધા કરોડ ઉપરાંતની ચોરી કરનારા રાજસ્થાનના બે ખૂંખાર આરોપીઓને પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમે દબોચી લીધા હતા. આ બંને આરોપી પકડાતાં રાજસ્થાન પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. રાજસ્થાન, જોધપુરના મહામંદિરમાં આવેલા રાજીવનગર સી સેક્ટરમાં ચોરીનો બનાવ બન્યો હતો. આ વિસ્તારમાં રહેતા ડ્રાયફ્રૂટના એક વેપારીના બંધ મકાનનાં તાળાં તોડી તેમાંથી રોકડા રૂા. 20 લાખ અને 60 તોલા સોનાના દાગીનાની ચોરી થઇ હતી. ચોરીના આ બનાવને અંજામ આપનારા જોધપુરના બાબુરામ ધોકડરામ માલી અને પ્રેમરાજ ભિયારામ માલી નામના શખ્સો કચ્છમાં ઘૂસવાની ફિરાકમાં હોવાની પૂર્વ બાતમી પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ને મળી હતી. પરિણામે પોલીસની ટીમ આડેસર નજીક માખેલ ટોલનાકા પાસે પહોંચી ગઇ હતી. વોચમાં રહેલી પોલીસને જોઇને ત્યાં આવી રહેલી એક આલ્ટો કાર નંબર જી. જે. 1 એચ.જે. 4202વાળીમાં સવાર બે શખ્સો નાસવા જતાં પોલીસે તેમનો જીવના જોખમે પીછો કરી તેમને દબોચી લીધા હતા. પકડાયેલા આ  બંને આરોપીઓ ખૂંખાર અને રાજસ્થાન પોલીસમાં માથાભારેની છાપ ધરાવે છે. કુખ્યાત એવા આ શખ્સોએ 26 જુલાઇના મહામંદિરમાં એક વેપારીના ઘરમાંથી અડધા કરોડ ઉપરાંતનો હાથ માર્યો હોવાની કેફિયત આપી હતી. આ શખ્સો રાજસ્થાનમાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ચારી, લૂંટના બનાવોને અંજામ આપી રાજસ્થાન પોલીસથી નાસતા-ફરતા હતા. પકડાયેલા શખ્સો અંગે રાજસ્થાન પોલીસને  જાણ કરાતાં આ બંનેનો કબ્જો લેવા રાજસ્થાન પોલીસ અહિંયા આવી પહોંચી હતી. આ કામગીરીમાં એસ.ઓ.જી. પીઆઇ વી.પી. જાડેજા,, પીએસઆઇ વી. જી. લાંબરિયા તથા સ્ટાફના  ભૂપેન્દ્રસિંહ, દેવાનંદ બારોટ, જગદીશસિંહ, તખતસિંહ સિંધવ, રવિરાજ પરમાર, લાલજી તેરવાડિયા, પીરમામદ નારેજા વગેરે જોડાયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer