જો જો, કંડલા બીજું બૈરુત ન બની જાય

જો જો, કંડલા બીજું બૈરુત ન બની જાય
અદ્વૈત અંજારિયા દ્વારા-  ગાંધીધામ, તા. 7 : લેબનાનના બંદરીય શહેર બૈરુતમાં અચાનક થયેલા વિસ્ફોટોએ દોઢસોથી વધુ લોકોના જીવ લીધા. બંદરના ગોદામોમાં સંગ્રહાયેલા વિસ્ફોટક સામાનને લઇને આવું થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અહીંના મહાબંદર કંડલા ખાતે ભૂતકાળમાં જ્વલનશીલ તથા જોખમી રસાયણ, પ્રવાહી સંગ્રહતા ટેન્ક ફાર્મમાં આગના જોખમી બનાવો બની ચૂક્યા છે. દર વખતે ટેન્ક ફોર્મમાં થતી નિમયોની અનદેખીના મુદ્દા ચર્ચાતા રહ્યા છે. આ અંગે તાજેતરમાં જ જિલ્લા પ્રશાસને દીનદયાળ પોર્ટ ટ્રસ્ટને કડક સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે, જેથી કંડલા બીજું બૈરુત ન બની જાય. અત્યંત વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કંડલા સંકુલમાં ઠેર ઠેર રસાયણ, પેટ્રોલિયમ પેદાશોના સંગ્રહ અર્થે થોકબંધ ટાંકા ખડા થયેલા છે. જેની સંગ્રહ ક્ષમતા 26.41 લાખ કિલોલિટરની છે. આટલા વિશાળ સંગ્રહને લઇને કંડલા બારુદના ઢેર ઉપર બેઠું છે તેવું અનેક વખત લખાયું છે. ટેન્ક ફાર્મમાં આગની નાની-મોટી ઘટનાઓ બનતી રહી છે અને દરેક વખતે અગ્નિશમન તથા સુરક્ષાના પ્રશ્નો ખડા થતા રહ્યા છે. જિલ્લા પ્રશાસનના વિશ્વાસપાત્ર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ટેન્ક ફાર્મમાં બનેલી ટાંકીઓનું મોટાભાગની પેઢીઓએ કમ્પલીશન સર્ટિફિકેટ લીધું નથી. આ ઉપરાંત ટેન્ક ફાર્મમાં જોઇએ તેવી અગ્નિશમન વ્યવસ્થા નથી. વારંવાર બનતી આગની ઘટના વેળા ખાસ તો કેસર ટર્મિનલમાં લાગેલી આગ વખતે જિલ્લા પ્રશાસને આ અંગે તાકીદ કરી હતી, પરંતુ હજુ સુધી તેનું અમલીકરણ થયું નથી. વર્ષોથી ઊભેલી આ સંગ્રહ ટાંકીઓને પહોંચતો ઘસારો, તેની અંદરની હાલત વગેરે માટે એનડીટી ટેસ્ટિંગ થવું જોઇએ, પરંતુ તેવું ટેસ્ટિંગ અહીં નહીં થતું હોવાનો તથા સ્થાનિકના ખાનગી ઇજનેર પાસેથી પ્રમાણપત્ર મેળવી લઇને ગાડું ગબડાવ્યે રખાતું હોવાનો સરકારી સૂત્રો આક્ષેપ કરી રહ્યા છે. દીનદયાળ પોર્ટ ટ્રસ્ટે અગ્નિશમન સહિતની વ્યવસ્થા ઊભી કરવા દબાણ લાવવુંજોઇએ તેવું જણાવીને આ સૂત્રોએ આ અંગે જિલ્લા પ્રશાસને ડીપીટીને કડક પત્ર લખ્યો હોવાની જાણકારી પણ આપી હતી. દરમ્યાન સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ (સી.બી.આઇ.સી.) દ્વારા બૈરુતની દુર્ઘટનાને પગલે કસ્ટમને એવો તાકીદનો નિર્દેશ આપ્યો છે કે, ભારતના બંદરો ઉપર ગોડાઉનો કે ટાંકાઓમાં પડેલા ભયજનક કે વિસ્ફોટક માલ-સામાનની સુરક્ષા તથા અગ્નિશમનની વ્યવસ્થા અંગે 48 કલાકમાં બોર્ડને અહેવાલ આપવો. આ અંગે ડીપીટીના સૂત્રોને પૂછતાં ત્યાં કોઇ વિગતો પ્રાપ્ત ન હોવાનું જાણવા મળ્યું હતું. વર્ષ 2005માં હેવી મેટલ ક્રેપની આયાતમાં આવી ગયેલા યુદ્ધ સામગ્રીના ભંગાર પૈકી એકાદ બોમ્બ ગાઝિયાબાદમાં ફાટતાં 10 જણનાં મોત થયાં હતાં. આ ઘટના બાદથી કંડલા બંદરે આવતા ભંગારના જથ્થામાંથી વીણી વીણીને અલગ તારવેલી યુદ્ધ સામગ્રીનો વિશાળ?જથ્થો આજે પણ કંડલાના ગોડાઉન નં. 12માં પડયો છે. તેમાંથી જીવંત હોય તેવો બે ટકા જથ્થો ભૂતકાળમાં સેનાના જવાનોએ ખસેડયો હતો, પરંતુ તે સિવાય આ ભંગારને બહાર લાવવાની દિશામાં કોઇ જ કાર્યવાહી કરાતી નથી. આ બાબત પણ જોખમી હોવાનું જાણકારોમાં ચર્ચાઇ રહ્યું છે. દરમ્યાન ડીપીટીના ડેપ્યુટી કન્ઝર્વેટર ટી. શ્રીનિવાસે કંડલા બંદરમાં રહેલા યુદ્ધ સામગ્રીના જથ્થા અંગે કહ્યું હતું કે, આ ભંગારને ગોડાઉનમાંથી બહાર ખુલ્લામાં લઇ લેવાયો છે અને તેનો નિકાલ કરવાની તૈયારી એક એજન્સીએ બતાવી છે. આ માટે જરૂરી મંજૂરીની પ્રક્રિયા ચાલે છે. વચ્ચે લોકડાઉનને લઇને વિલંબ થયો હતો. હવે પ્રશાસન તેને ગતિ આપવા પ્રયત્નશીલ છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer