આગાહીના આડંગ વચ્ચે કચ્છમાં મહદ્અંશે વરાપ

આગાહીના આડંગ વચ્ચે કચ્છમાં મહદ્અંશે વરાપ
ભુજ, તા. 7 : બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોન સર્ક્યુલેશન થકી ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કચ્છમાં માત્ર ઝરમર-ઝાપટાં પૂરતી જ સાચી પડી રહી છે. શુક્રવારે તો મુંદરા-રાપર-અબડાસાને બાદ કરતાં આખા જિલ્લામાં સચરાચર વરાપ નીકળ્યો હતો. ભુજની આશ આજેય ઠગારી નીવડી હતી અને મોટો બંધ વહેવાને બદલે તડકાએ દેખા દીધી હતી. ગઇકાલે જિલ્લાભરમાં ગાજવીજ-પવનની પાંખે રુમઝુમ કરતા આવેલા મેઘરાજા બીજા જ દિવસે ક્યાંક સંતાયા હતા અને ભાદરવાના ભુસાકાથી પણ ઊતરતી કક્ષાનાં ઝાપટાં વરસાવીને નિરાશા ફેલાવી હતી.જિલ્લા મથક ભુજમાં વહેલી સવારે વરસેલાં ઝાપટાંએ પાણી વહાવ્યાં હતાં, પણ પછી એ સુકાયા હતા અને આખો દિવસ પસાર થઇ ગયો હતો. મુંદરામાં પરોઢે ચાર વાગ્યે એક ઇંચ મહેર વરસતાં મૌસમનો વરસાદ 573 મિ.મી. થયો છે. આ વરસાદ થકી ખેંગારસાગર ડેમમાં 19 ફૂટ પાણી આવ્યાના વાવડ ગુલાબસિંહ જાડેજાએ આપ્યા હતા. અબડાસા તાલુકાના ગરડા પંથક વાયોર, વાગોઠ, ઉકીર, જેઠમલપર, ભુવા, ફુલાય, વાઘાપદ્ધર, સારંગવાડા, વલસરા, ઐડા, ગોયલા, મોખરા, ચરોપડી નાની-મોટી, છસરા, વડસર, સુખપર, કેરવાંઢ, કોષા, મોહાડી, ભારાવાંઢ, નીમણીવાંઢ, મંધરાવાંઢ, કરમટા, અકરી, રામવાડા, એ.બી.જી., થુમડી, નવાવાસ, બેર મોટી-નાની, સાંઘી કંપની, રોહારો, હોથિયાય, ગોલાય, અલ્ટ્રાટેક કંપની વગેરે ગામોમાં બપોર બાદ પૂર્વ દિશામાંથી ગાજવીજ અને જોરદાર પવન સાથે અડધા કલાકમાં 1 ઇંચ વરસાદ થતાં ઊભેલા પાકોને જીવતદાન મળ્યું હોવાનું વાયોરથી કિશોરસિંહ જાડેજાએ જણાવ્યું હતું. દરમ્યાન ગઇ મોડીરાત્રે પચ્છમમાં ઝરમર વરસાદ થયો હતો. મુખ્ય મથક ખાવડામાં અડધો ઇંચ (14 મિ.મી.) ઉત્તર તરફના ધ્રોબાણા, કુરન, સુમરાપોરમાં એકથી દોઢ ઇંચ મેઘમહેરના સમાચાર મુશા સુમરાએ આપ્યા હતા. પૂર્વ તરફના ગામડા તુગા, જુણા, કુનેરિયા વિ.માં પણ એકથી દોઢ ઇંચ પાણી, પાસી વિસ્તારના ખારી, ગોડપરમાં પણ એકથી દોઢ ઇંચ, કાળા ડુંગર પર દોઢથી બે ઇંચ વરસાદના વાવડ મળ્યા છે. ખાવડા ડેમમાં 6 ફૂટ પાણી આવ્યા છે. જામ કુનરિયા ડેમ ઓવર ફલો થયાનું ભુજ સ્થિત સિંચાઇ વિભાગની કચેરીમાંથી જાણવા મળ્યું છે. ડેમના ચોકીદાર નિવૃત્ત થઇ જતાં નવી નિમણૂક થઇ નથી તેથી ડેમની માહિતી સ્થાનિકે મળતી નથી. આ વખતનો વરસાદ બિલકુલ સૌમ્ય અને શાંત હોતાં પાણી સીધા જમીનમાં ઊતર્યા હતા જે સોના જેવા ગણી શકાય. મોલ અને ઘાસચારાને મોટું જીવતદાન મળી ગયું છે. રાપરમાં પણ સાંજે છ વાગ્યા બાદ ઝાપટાંરૂપે અડધો ઇંચ વરસાદ થયો હતો. રાપર ઉપરાંત આજુબાજુના કલ્યાણપર, નંદાસર, નીલપર, રવ, ચિત્રોડ, પ્રાગપર સહિત હાઇવે પટ્ટી, પ્રાંથળ, ખડીર સહિતના વિસ્તારમાં વરસાદનાં ઝાપટાં પડયાં હતાં. ભચાઉમાં દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ નાનાં ઝાપટાં, ભચાઉ, નંદગામ, ચીરઇ સાંજે 7.30 કલાકે રામદેવપીર વોંધ વચ્ચે મોટાં ઝાપટાંથી પાણી વહ્યાં હતાં. આ વરસાદ પાક માટે ખૂબ ઉપયોગી બનશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer