જ્યાં માનવી ત્યાં સુવિધાના આદર્શ સાથે સરકાર સક્રિય

જ્યાં માનવી ત્યાં સુવિધાના આદર્શ સાથે સરકાર સક્રિય
ભુજ, તા. 7 : ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ અને રાજ્ય સરકાર તરફથી રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓને સર્વાંગી શહેરી વિકાસના કામો માટે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રૂા. 1065 કરોડનો ઓનલાઈન ચેક અર્પણ કાર્યક્રમ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયો હતો. સમારોહમાં રૂપાણીએ રાજ્યના 33 જિલ્લાઓને સર્વાંગી શહેરી વિકાસ કામોની ગ્રાન્ટનો ઉપયોગ કરવા તાકીદ કરી જણાવ્યું હતું કે, નાણાનો ઉપયોગ કરો અને વિકાસ રોકાય નહીં તે માટે સરકાર સતત સક્રિય છે. સંપૂર્ણ અને સુવિધાયુક્ત આધુનિક શહેરી વિકાસ માટે સરકાર તત્પર છે. જ્યાં માનવી ત્યાં સુવિધાના આદર્શ સાથે જન જન સુધી સુવિધા પહોંચાડવા સરકાર સક્રિય છે. રાજ્યની 45 ટકાથી વધુ વસતી શહેરોમાં છે ત્યારે શહેરોનો સર્વાંગી વિકાસ વધુ વેગમાં રહેશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, શહેરોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે રૂા. 1065 કરોડની ફાળવણી કરી છે જે પૈકી 8 મહાનગરપાલિકાને રૂા. 877.50 કરોડ અને 155 નગરપાલિકાઓને રૂા. 188.50 કરોડની ફાળવણી કરવામાં આવી છે. કુલ 12500 કરોડ રૂપિયા સરકાર શહેરી વિકાસ માટે વાપરશે. કાર્યક્રમને અનુલક્ષીને ભુજમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની અધ્યક્ષતા હેઠળ કચ્છની છ નગરપાલિકાઓ ગાંધીધામ, ભુજ, અંજાર, માંડવી, ભચાઉ અને રાપરને સ્વર્ણિમ શહેરી મુખ્યમંત્રી વિકાસ યોજના હેઠળ સર્વાંગી શહેરી વિકાસ માટે રૂા. 10.25 કરોડના પ્રથમ હપ્તાની ગ્રાન્ટના ચેક વિતરણ કરાયા હતા. સમારોહમાં શિક્ષણમંત્રી શ્રી ચૂડાસમાએ નગરપાલિકાઓને પ્રથમ હપ્તાની ગ્રાન્ટના ચેક વિતરણ પૈકી ગાંધીધામ અને ભુજ પ્રત્યેકને રૂા. 2.5 કરોડ, અંજાર અને માંડવી પ્રત્યેકને રૂા. 1.5 કરોડ, ભચાઉ અને રાપર પ્રત્યેકને રૂા. 1.12 કરોડ ચેક રેપ્લિકા પ્રમુખ તથા ચીફ ઓફિસરને અર્પણ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, સર્વાંગી શહેરી વિકાસના આંતરમાળખાકીય કામો માટે વર્ષ 2020-21 માટે કચ્છની કુલ રૂા. 20.5 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે. રૂપાણી અને પટેલની રાજ્ય સરકારના પાંચમા વર્ષના મંગલ પ્રવેશે વિકાસ પ્રગતિશીલના પ્રયાણમાં રૂા. 1065 કરોડના શહેરી વિકાસ કામોથી લોકકલ્યાણ અને લોક સુવિધામાં વધારો થશે. વાયબ્રન્ટ ગુજરાત હેઠળ બહારના ઉદ્યોગકારો પણ મળતી પ્રાથમિક અને આધુનિક માળખાકીય સુવિધાઓના પગલે નાના શહેરોમાં પણ રોકાણ કરશે એવું શ્રી ચૂડાસમાએ જણાવ્યું હતું. આ અવસરે સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, વીરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે., અગ્રણી દિલીપભાઈ ત્રિવેદી, કે.સી. પટેલ, ભરતભાઈ સંઘવી, નગરપાલિકાના અધ્યક્ષા લતાબેન સોલંકી, ભચાઉ નગરપ્રમુખ કુલદીપસિંહ જાડેજા, માંડવી નગર પ્રમુખ મેહુલભાઈ શાહ, રાપર નગરઉપપ્રમુખ શ્રી સોઢા, ચીફ ઓફિસરો મેહુલ જોધપરા નીતિન બોડાત, દર્શનસિંહ ચાવડા, સંજય પટેલ, સંદીપસિંહ ઝાલા, કાનજીભાઈ ભર્યા ગાંધીધામ તેમજ નગરપાલિકાના પદાધિકારી, અધિકારી ભરતભાઈ રાણા, દિનેશ હીરાણી, જયંત લીંબાચિયા, બળવંત ઠક્કર, કાનજીભાઈ અને સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer