ગાંધીધામમાં ઝોનના પ્રવેશદ્વાર પાસે અકસ્માતમાં મહિલાનું મોત

ગાંધીધામમાં ઝોનના પ્રવેશદ્વાર પાસે અકસ્માતમાં મહિલાનું મોત
ગાંધીધામ, તા. 7 : શહેરના કાસેઝ નજીક વળાંક પાસે પાછળથી આવતાં ટેન્કરે બાઇકને હડફેટમાં લેતાં કાર્ગો એકતાનગરના અનિતાબેન જીતેન્દ્ર પરમાર (ઉ.વ. 27)નું બનાવ સ્થળે જ મોત થયું હતું. શહેરના કાર્ગો એકતાનગરમાં રહેતા અને કાસેઝની ખાનગી કંપનીમાં મજૂરી કરતાં અનિતાબેન નામના મહિલાનું આજે સવારે કમકમાટીભર્યું મોત થયું હતું. આ મહિલા તથા તેમના પતિ જીતેન્દ્ર પરમાર આજે સવારે બાઇક પર સવાર થઇ કામે આવી રહ્યાં હતાં. દરમ્યાન, કાસેઝના લાલ ગેઇટ નજીક વળાંક પાસે તેમને અકસ્માત નડયો હતો. પોલીસે વિગતો આપતાં કહ્યું હતું કે, પાછળથી આવનારાં ટેન્કરે આ બાઇકને ટક્કર મારતાં બાઇક નીચે પટકાયું હતું. વાહનના તોતિંગ પૈડાં મહિલા પર ફરી વળતાં મહિલાનું કચડાઇ જવાથી તત્કાળ મોત થયું હતું જ્યારે તેમના પતિને ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવ અંગે ફરિયાદ નોંધવા સહિતની કામગીરી પોલીસે હાથ ધરી હતી.કાસેઝના આ વળાંક નજીક તોતિંગ વાહનચાલકો, છકડાચાલકો મનફાવે તેમ વાહનો ચલાવતા હોય છે. અહીં અનેક વખત ગમખ્વાર અકસ્માતો સર્જાયા છે તેમ છતાં ગમે તે કારણે અહીં ટ્રાફિક પોલીસની વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી. હજુ કેટલાનો ભોગ લેવાશે, બાદમાં પોલીસ તંત્ર જાગશે તેવું લોકો પૂછી રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer