લાકડિયા પાસે વેંચાણવેરા તંત્રના કર્મચારીને માર મરાતાં ચકચાર

લાકડિયા પાસે વેંચાણવેરા તંત્રના કર્મચારીને માર મરાતાં ચકચાર
ગાંધીધામ, તા. 7 : ભચાઉ તાલુકાના લાકડિયા નજીક વાહનોની તપાસ કરતા રાજ્ય સરકારના સેલ્સટેક્સ વિભાગના એક કર્મચારીને માર મારતા એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.રાજ્યના ગૂડ્સ એન્ડ સર્વિસ ટેકસ ખાતાંમાં રાજ્ય વેરા અધિકારી તરીકે ફરજ બજાવતા સંજયકુમાર ખુશાલભાઈ ઠુમ્મરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અને અન્ય અધિકારી, કર્મચારીઓ ગઈકાલે સામખિયાળી-મોરબી ધોરી માર્ગ ઉપર પોતાની ફરજમાં હતા. દરમ્યાન જી.જે. 12 ઝેડ 0499વાળી ગાડી ઈ-વે બિલ વગરની સુરજબારીથી નીકળી ગઈ હોવાની તેમને બાતમી મળી હતી. દરમ્યાન આ સરકારી કર્મીઓએ ગંગોત્રી હોટેલ પાસે આ વાહનને પકડી પાડયું હતું. આ વાહનના ચાલક અઝીઝ ઉર રહેમાન અબ્દુલ સલામ પાસેથી ઈ-વે બિલ મંગાતાં તે ન આપી શકતાં કન્ટેનરમાં ભરેલી ટાઈલ્સના માલિક કાળુભાઈ પટેલને અહીં બોલાવાયો હતો.બોમ્બે પંજાબી હોટેલના કમ્પાઉન્ડમાં ઈ-વે બિલના વેરા તથા પેનલ્ટી અંગે ટાઈલ્સના માલિક સાથે ચર્ચા કરાતી હતી ત્યારે સામખિયાળીનો રાયધણ ડાંગર નામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને તમે લોકો પાસેથી પૈસા પડાવો છો તેમ કહી ફોટા પાડી લીધા હતો. તમારું પાર્ટી સાથે સેટ ન થયું એટલે પૈસા પડાવો છો. થોડીવાર બાદ ટાઈલ્સના માલિકની ઓનલાઈન પેનલ્ટી ભરાતી હતી તે વેળાએ આ શખ્સ પરત આવ્યો હતો અને ફરિયાદી સાથે બોલાચાલી કરી તેનો વીડિયો ઉતારી તેમને માર માર્યો હતો. સરકારી કર્મચારી ઉપર હુમલો અને ફરજમાં રૂકાવતના આ બનાવમાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer