ગુજરાતના ટીટી ખેલાડીઓ હરમીત, માનવ અને માનુષ ઓલિમ્પિક્સ પોડિયમ સ્કીમમાં પસંદ

ગાંધીધામ, તા. 7 : ટેબલ ટેનિસ ખેલાડીઓએ ફરી એકવાર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.ટાર્ગેટ ઓલિમ્પિક્સ પોડિયમ સ્કીમ (ટોપ્સ)માં પસંદ થયેલા ટોચના 4 પુરુષ ખેલાડીઓમાંથી 3 ગુજરાતી ખેલાડીઓ છે. ભારત સરકારના રમતગમત મંત્રાલયની યોજનામાં હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને માનુષ શાહનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષમાં સુરતના હરમીત અને માનવએ વિવિધ સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે. હરમીત અને માનવ જકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય ટીમનો ભાગ હતા. હરમીતે કોમનવેલ્થ ટીટી ચેમ્પિયનશિપમાં પણ ટીમ અને વ્યક્તિગત વિભાગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે માનવે વિશ્વ રેન્કિંગમાં અન્ડર-21 મેન્સમાં નંબર-1નું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.  વડોદરાના માનુષે પુણે ખાતેની ખેલો ઇન્ડિયા ગેમ્સમાં બેવડો ખિતાબ  જીત્યો હતો. તેણે ગુજરાતની સિનિયર અને જુનિયર ટીમનું રાષ્ટ્રીય ગેમ્સમાં પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ)ના પ્રમુખ વિપુલ મિત્રાએ સિદ્ધિઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા જીએસટીટીએના ચેરમેન મિલિન્દ તોરવાને, માનદ્મંત્રી હરેશ સંગતાની અને જીએસટીટીએના બધા પદાધિકારીઓએ પણ હરમીત, માનવ અને માનુષને અભિનંદન પાઠવ્યાં હતાં.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer