ધોનીએ શરૂ કરી આઈપીએલની તૈયારી : રાંચીમાં નેટ પ્રેક્ટિસ

રાંચી, તા. 7 : મહેન્દ્ર સિંહ ધોની ઘણા સમયથી ક્રિકેટના મેદાનમાંથી દૂર છે પણ હવે મેદાનમાં વાપસી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ધોની આઈપીએલ માટે તૈયારી કરી રહ્યો છે. ચૈન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીએ રાંચીમાં નેટ્સમાં અભ્યાસ શરૂ કરી દીધો છે. 19 સપ્ટેમ્બરમાં યુએઈમાં થનારા આઈપીએલ માટે ધોની કોઈ કસર છોડવા માગતો નથી. સુરેશ રૈનાએ એક દિવસ પહેલા જ કહ્યું હતું કે, ધોનીના હેલિકોપ્ટર શોટ્સ ટૂંક સમયમાં જોવા મળી શકે છે. એવું લાગે છે કે ધોનીએ રૈનાની સલાહને ગંભીરતાથી લીધી છે.રિપોર્ટસ મુજબ ધોનીએ આઈપીએલની તૈયારી માટે ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનની ઈન્ડોર ફેસિલિટીમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેન્સીંગને લઈને વર્તમાન સમયમાં રાંચીમાં વધુ બોલર નથી જેના કારણે ધોની મશીન મારફતે પ્રેક્ટિસ કરી રહ્યો છે. કહેવાય છે કે લોકડાઉન પહેલા પણ ધોની રાંચીમાં આઈપીએલની તૈયારી કરી રહ્યો હતો. એક અહેવાલ પ્રમાણે ચૈન્નઈ સુપર કિંગ્સની ટીમ 20 ઓગષ્ટના જમા થઈ શકે છે. ત્યારબાદ યુએઈ માટે રવાના થશે. તેવામાં ધોની પાસે હજી રાંચીમાં તાલિમ માટે બે અઠવાડિયાનો સમય છે.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer