ભુજમાં રિંગરોડ પર દબાણ કરી ચાલતી ગેરેજ તોડી પડાઈ

ભુજ, તા. 7 : ભુજ શહેરમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે સરકારી જમીન કબજે કરીને ગેરકાયદે સર્વિસ સ્ટેશન ચાલતું હતું તેની સામે કાર્યવાહી કરવામાં આવતાં થોડીવારમાં જ દબાણ તોડી પાડીને જમીન ખાલી કરાવાઈ હતી. આ અંગેની વિગતો આપતાં ભુજ વિભાગના પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ જણાવ્યું હતું કે, શહેરના જિલ્લા ઉદ્યોગ પાસેથી પસાર થતા રિંગરોડ ઉપર શ્રીજી સર્વિસ સેન્ટરના નામે વાહનોની ગેરેજ ચાલતી હતી. સરકારી જમીન પર દબાણ કરીને 500 ચોરસ મીટર જમીન પર કબજો કરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે આ જમીન માટે સખી વન સ્ટોપ નામની સંસ્થાની માગણી ચાલે છે તેમ છતાં ગેરકાયદે ગેરેજ બનાવીને કરવામાં આવેલી  પેશકદમી સામે તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાકું બાંધકામ કરીને લાંબા સમયથી સર્વિસ સેન્ટરના નામે ચાલતી આ ગેરેજ તોડી પાડવા તેમની સાથે મામલતદાર શ્રી સુમરા, સર્કલ ઓફિસર શ્રી વાઘેલા, નગરપાલિકાના સાધનો સાથેની ટીમ, વીજતંત્રની ટીમ પોલીસ સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer