ટપ્પરને પુરતું પાણી ન અપાતા કચ્છ તરસ્યુ રહેશે ?

ગાંધીધામ, તા. 7 : અંજાર તાલુકાના ટપ્પર ગામની પાણીસમસ્યા છેલ્લા કેટલાક સમયથી પરાકાષ્ટાએ  પહોંચી  છે. કચ્છના જીવાદોરી સમાન ટપ્પર ડેમમાંથી ટપ્પર ગામને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળતાં રોષે ભરાયેલા ગ્રામજનોએ ડેમ ઉપર જેટવેલ બંધ કરાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. અંદાજિત 6 કલાક સુધી પમ્પિંગ  સ્ટેશન બંધ થતાં પશ્ચિમ કચ્છની પાણી વિતરણ વ્યવસ્થાને અસર થઈ હતી.અંજાર તાલુકાના ટપ્પર ગામના લોકો છેલ્લા લાંબા સમયથી પાણીસમસ્યાનો સામનો કરી રહ્યા હતા. પેયજળની રોજબરોજની પળોજણથી ત્રાહિમામ પોકારી ઊઠેલા  લોકોએ ટપ્પર ડેમ ઉપર ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ ડેમ ઉપર આવેલો જેટવેલ બંધ કરાવી દીધો હતો અને ગામને પૂરતા પ્રમાણમાં પાણી આપવાની માંગ કરી હતી. આ વેળાએ લોકોએ પાણી તંત્રના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ડેમમાંથી ગાંધીધામ સહિતનાં સ્થળોએ પાણી વિતરણ કરવામાં આવે છે. પરંતુ જે ગામમાં ડેમ છે તે ગામને ડેમમાંથી પાણી અપાતું નથી. પાણી પુરવઠા વિભાગ દ્વારા અપાતો પાણીનો જથ્થો અપૂરતો હોવાની ફરિયાદ સંબંધિતો સમક્ષ રજૂ થઈ હતી.ગ્રામજનોએ સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી પમ્પિંગ સ્ટેશન બંધ કરાવ્યું હતું. જેના કારણે પશ્ચિમ કચ્છમાં જતી પાણી વ્યવસ્થાને અસર થઈ હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.ટપ્પર ગ્રામજનોના વિરોધ અંગે પાણી  પુરવઠા વિભાગના  અશોક લદ્ધરનો સંપર્ક કરતાં તેમણે આ વાતને સમર્થન આપ્યું હતું. ગ્રામજનોની સમસ્યા ઉકેલવાની ખાતરી અપાયા બાદ  જેટવેલ પુન: ચાલુ  થયા હોવાનું તેમણે ઉમેર્યું હતું. ગામના ઉપસરપંચ શ્રી રબારીએ જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ દિવસથી ગામને પાણી મળ્યું નથી. જેને કારણે આ સ્થિતિ નિર્માણ થઈ છે.નોંધપાત્ર છે કે, પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાની ટપ્પર ડેમની મુલાકાત દરમ્યાન ટપ્પર ડેમના પેયજળ સંલગ્ન પ્રશ્નો રજૂ થયા હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer