અબડાસા વિધાનસભાની ચૂંટણી દિવાળી પછી ?

ભુજ, તા.7 :અબડાસાના ચાલુ ધારાસભ્યપદેથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામું આપ્યા પછી કોરોનાને પગલે લોકડાઉન લાગી જતાં હવે ચૂંટણી ક્યારે યોજાશે તેવી ચર્ચા ચાલી રહી છે ત્યારે પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણી નવેમ્બર પહેલાં યોજાય તેવી કોઇ શક્યતા નથી. મળેલી માહિતી પ્રમાણે રાજ્યના ચૂંટણીપંચે 9 સપ્ટેમ્બર સુધી રાજ્યની તમામ એટલે કે, આઠેઆઠ પેટા ચૂંટણીઓ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. નવી તારીખ કે આ અંગેનો નિર્ણય પણ 9 સપ્ટેમ્બર પછી જ આવી શકે છે. 9મી સુધી મોકૂફ હોવાની વાતને કચ્છના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રજાપતિએ પણ સમર્થન આપ્યું હતું. આ પેટા ચૂંટણીઓ અંગે સૂત્રોએ નવેમ્બરની શક્યતા વ્યકત કરી હતી. કારણ કે, બિહાર વિધાનસભાની મુદ્દત પણ એ જ સમયગાળામાં  એટલે કે નવેમ્બરમાં પૂરી થતી હોવાથી બિહારની સાથે દેશની અન્ય પેટા ચૂંટણી યોજવાની ચૂંટણીપંચની વિચારણા હોઇ શકે છે. 2.34 લાખની મતદારોની સંખ્યા?ધરાવતી જેમાં ત્રણ તાલુકાનો સમાવેશ થાય છે, એવી ગુજરાતની નંબર વનની  અબડાસા વિધાનસભામાં  અત્યારે કોરોનાની મહામારીને ધ્યાને લઇ 50 નવા મતદાન મથક બનાવવામાં આવ્યા છે. આમ 376 બૂથ હોય છે, પરંતુ જ્યાં 800થી વધુ મતો છે, ત્યાં વધારાનું બૂથ આપવાની આ વખતે જોગવાઇ કરવામાં આવેલી હોવાથી મતદાતાઓમાં  સામાજિક અંતર રહી શકે તેવા હેતુથી 50 નવા બૂથ બનાવવામાં આવ્યા છે. જેને ચૂંટણી અધિકારી શ્રી પ્રજાપતિએ પણ સમર્થન આપ્યું હતું. આવનારી ચૂંટણી માટે કેટલા સ્ટાફની જરૂર પડવાની છે એ સવાલ સામે ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ચારસોથી વધુ મતદાન મથકને ધ્યાને લઇ ચાર હજારના સ્ટાફની જરૂર પડવાની છે, જેના માટે તમામ તૈયારીઓ થઇ ચૂકી છે. પોલિંગ સ્ટાફથી માંડી ઝોનલ ઓફિસર વગેરેની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. 2.34 લાખ મતદારોમાંથી મત વિસ્તારમાં 1322 વિકલાંગ મતદારો છે, જ્યારે આ વખતે લોકસભા પ્રમાણે અગાઉ 2423 મતદાતા હતા, જે હવે વધીને 6041 દિવ્યાંગ મતદાતા છે એવું પણ તેમણે જણાવ્યું હતું. જો કે, હવે ચૂંટણી ક્યારે થશે એ બાબતે તેમણે જણાવ્યું કે, હજુ કોઇ સૂચના મળી નથી પણ 9 સપ્ટેમ્બર પછી નિર્ણય લેવાશે એ જાણકારી છે. જો કે, મળેલી જાણકારી પ્રમાણે નવેમ્બરના મધ્યમાં દિવાળીના તહેવારો હોવાથી દિવાળી પહેલા અથવા દિવાળી પછી જ ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. ભાજપે તો પોતાના ઉમેદવારની ઘોષણા કરી નાખી છે અને સંભવત: ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાનો લોકસંપર્ક પણ શરૂ થઇ ગયો છે, તો કોંગ્રેસે હજુ ઉમેદવાર જાહેર કર્યા નથી. ગઇકાલે પણ કોંગ્રેસે માતાના મઢ ખાતે બેઠક યોજી હતી, ત્યારે સ્થાનિક ઉમેદવાર હશે તેવું જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer