જિલ્લા પંચાયતમાં માસ્ક ન પહેરનારા કર્મચારીઓને 500નો દંડ ફટકારાયો

ભુજ, તા. 7 : શુક્રવારે અહીંની જિલ્લા પંચાયત ખાતે મિટિંગ અર્થે આવેલા ડિઝાસ્ટર મામલતદારે માસ્ક ન પહેરનારા કર્મચારીઓને રૂા. 500નો દંડ ફટકાર્યો હતો. તો અધૂરું માસ્ક પહેરનારા અધિકારીને પણ ઠપકો આપ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારે મિટિંગ અર્થે જિલ્લા પંચાયત આવેલા ડિઝાસ્ટર મામલતદાર સી.આર.પ્રજાપતિએ વિવિધ શાખાની મુલાકાત લીધી હતી. જેમાં પ્રમુખની ચેમ્બર પાસે ફરજ બજાવતા પટ્ટાવાળા, આયુર્વેદ શાખાના કલાર્ક અને મહેકમ શાખાના નાયબ ચીટનીશને માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકાર્યો હતો.દરમ્યાન અધૂરું માસ્ક પહેરી પગથિયાં ઊતરી રહેલા વર્ગ-1ના અધિકારીને પણ ઠપકો આપી પૂરું માસ્ક પહેરવા સૂચના આપી ગંભીરતા દાખવવા જણાવ્યું હતું.  જ્યારે સંકુલના ગેટ પાસે આવેલી ચાની લારીવાળાને માસ્ક ન પહેરવા બદલ કડક સૂચના આપી માસ્ક પણ આપ્યા હતા. તો ચા પીવા આવેલા માસ્ક વિનાના ગ્રાહકને પણ ઠપકો આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે હાઈકોર્ટ દ્વારા પણ લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી માસ્ક ન પહેરનારા લોકોને એક હજારથી પાંચ હજાર સુધીનો દંડ કરવા સરકારને સલાહ આપી છે. કચ્છમાં પણ દિવસો-દિવસ કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે લોકોમાં જોવા મળતો જાગૃતિનો અભાવ સમસ્યા સર્જી રહ્યો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer