કોરોનાના ઉચાટ વચ્ચે પરીક્ષા આપવાનો ઉત્સાહ જળવાયેલો રહ્યો

ભુજ, તા. 7 : કચ્છ યુનિવર્સિટીની 5મી તારીખથી શરૂ થયેલી પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે. આ વખતે કોરોનાના કારણે પરીક્ષા યોજવાનું એકથી વધુ વખત ઠેલાયા બાદ અંતે આ પરીક્ષા યોજવાનું મુહૂર્ત નીકળતાં પરીક્ષાર્થીઓમાં સહેજ ઉચાટ વચ્ચે પરીક્ષા આપવાનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. કચ્છ યુનિ.ના પરીક્ષા વિભાગમાંથી મળેલી સત્તાવાર વિગતો અનુસાર ત્રણ દિવસથી આરંભાયેલી અનુસ્નાતક અભ્યાસક્રમની પરીક્ષામાં ગેરહાજર રહેનારા છાત્રોની સંખ્યા લગભગ 700થી 800ની વચ્ચે નોંધાઈ રહી છે. એટલે કે કુલ નોંધાયેલા ત્રણ હજાર પરીક્ષાર્થેઓની ટકાવારી 70થી 72 ટકા જેટલી નોંધાઈ રહી છે. પરીક્ષા ઓનલાઈન યોજવા, રદ કરવા સહિતની માગણીઓ અવારનવાર કરાતી હતી. આવી રજૂઆતોના પગલે જ યુનિવર્સિટીએ કોરોનાગ્રસ્ત વિસ્તારમાંથી આવતો છાત્ર અનિવાર્ય કારણોસર પરીક્ષા ન આપી શકે તો તેની પરીક્ષા પાછળથી લેવાનો નિર્ણય લેવાયો હતો. જોકે યુનિ.એ એવી અપીલ કરી હતી કે અતિ અનિવાર્ય કારણ હોય તો જ છાત્રો પરીક્ષા ન આપે અન્યથા આપી જ દે છે. ત્યારે ત્રણ દિવસથી શરૂ થયેલી પરીક્ષામાં હાજર રહેલા પરીક્ષાર્થીઓની ટકાવારી ઘણી જ પ્રોત્સાહક રહેતાં કોરોના સંક્રમણના વધતા વ્યાપની ઉચાટભરી સ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓ શાંત ચિત્તે એકાગ્ર મનથી પરીક્ષા આપવાનો ઉત્સાહ દેખાડી રહ્યા છે તેને એક સારી બાબત ગણી જ શકાય. નોંધનીય છે કે છાત્રોની માગણી અનુસંધાને આ વખતે પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવા સહિતના નિર્ણયો કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને લીધા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer