ખારૂઆના જમીનના કેસમાં આગોતરા : અંજાર દુષ્કર્મ કેસમાં જામીન અપાયા

ભુજ, તા. 7 : અબડાસાના ખારૂઆ ગામે એક વ્યક્તિને વેંચાયેલી જમીન નામે ન ચડવાની સ્થિતિ વચ્ચે આ જ જમીન અન્યને વેંચી નાખી ઉચાપત અને વિશ્વાસઘાત કરવાના અબડાસાના ખારૂઆ ગામના મામલાના ફોજદારી કેસમાં આરોપી હાજાપરના જગતાસિંહ હવાઇસિંહ ચૌધરીને આગોતરા જામીન અપાયા હતા. તો અંજારના વાડી વિસ્તારમાં બનેલા સગીર વયની કન્યા સાથેના દુષ્કર્મના કેસમાં પકડાયેલા અરાવિંદ ગુલાબ પણદાને જામીન અપાયા હતા. ખારૂઆ ગામની જમીનને સંલગ્ન ફોજદારી કેસમાં મૂળ હરિયાણાના વતની અને હાલે ભુજ રહેતા અનિલકુમાર ભીમાસિંહ જાટએ ફરિયાદ લખાવી હતી. આ કેસમાં ફરિયાદીને વેંચાતી અપાયેલી જમીન તેઓ સ્થાનિકના ખેડૂત ખાતેદાર ન હોવાથી તેમના નામે ચડી ન હતી. આ દરમ્યાન આ જમીન અન્યને વેંચી નખાતાં આ કેસ કરાયો હતો. કેસનાઆરોપી  જગતાસિંહ ચૌધરી માટે જિલ્લા અદાલત સમક્ષ આગોતરા જામીનની માગણી કરાઇ હતી. ભુજ સ્થિત અધિક સેશન્સ જજની અદાલતે સુનાવણીના અંતે આગોતરા મંજૂર કરતો આદેશ કર્યો  હતો. આ કેસમાં જગતાસિંહના વકીલ તરીકે લાલજી કટુઆ રહયા હતાબીજીબાજુ અંજારના વાડી વિસ્તારના સગીરાના અપહરણ અને બળાત્કાર સંબંધી કેસમાં આરોપી અરાવિંદ પણદાને અંજાર સ્થિત સેશન્સ જજની અદાલતે જામીન આપ્યા હતા. ડિસેમ્બર 2019માં આ ગુનો અંજાર પોલીસ મથકમાં નોંધાયો હતો. આ પછી ભાગેડુ રહેલા આરોપીને છ મહિને પોલીસ દ્વારા પકડી પડાયો હતો. - આપઘાત કેસમાં પતિને જામીન  : દરમ્યાન માંડવી પોલીસ મથકમાં નોંધાયેલા પતિના ત્રાસના લીધે પત્નીની આત્મહત્યાના કિસ્સામાં મરનારના પતિ રોહન ખીમજી મોતાને ભુજ સેશન્સ કોર્ટ દ્વારા જામીન અપાયા હતા. ગત જૂન મહિનામાં આ કેસ નોંધાયો હતો. કોર્ટએ શરતોને આધીન જામીન આપતો આદેશ કર્યો હતો. આ બન્ને કેસમાં આરોપીના વકીલ તરીકે વિપુલ ડી. કનૈયા, હેમાલી ટી. પરમાર, મહેશ એસ. સીજુ અને સઇદબીન આરબ રહયા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer