વિશ્વાસઘાતનો અબડાસાવાસી ચોક્કસ બદલો લેશે

વિશ્વાસઘાતનો અબડાસાવાસી ચોક્કસ બદલો લેશે
માતાના મઢ, તા. 6 : અબડાસા વિધાનસભાની પેટાચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ચૂંટણીમાં  કોંગ્રેસ પક્ષને જ્વલંત વિજય અપાવવા તથા કોંગ્રેસી આગેવાનો-કાર્યકરોમાં જોમ જુસ્સાનો સંચાર કરવા કચ્છ જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી માતાના મઢ ખાતે મળી હતી, જેમાં પક્ષ સાથે વિશ્વાસઘાત કરનારાને જંગી મતોથી હરાવવા વિશ્વાસ વ્યકત કરાયો હતો. પ્રમુખસ્થાનેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડાએ અબડાસાની ધરાને વંદન કરી અબડાસાની પ્રજા પર ચૂંટણી કેમ આવી ? મતદારો સાથે વિશ્વાસઘાત શા માટે ? તેવા સવાલો સાથે કહ્યું કે, આ બાબત વિચારવાની છે. કચ્છના નખત્રાણા, અબડાસા, લખપતના પ્રશ્નો માટે કોંગ્રેસના તમામ ધારાસભ્યો એક થઇ પ્રશ્નોના ઉકેલ માટે લડયા હતા, જેથી વિશ્વાસઘાતીને પાઠ ભણાવવાનો સમય પાકી ગયો છે. જેથી આઠ પેટાચૂંટણીઓના વિજયની શરૂઆત અબડાસાથી કરવા કાર્યકરોને આહ્વાન કર્યું હતું. તેમણે ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્યને આડે હાથ લેતાં કહ્યું કે, મૃત્યુ પામતા મોર, પવનચક્કીના ગેરકાયદે ચાલતા કામો તેમને કેમ નથી દેખાતા વિધાનસભા વિપક્ષી નેતા પરેશભાઇ ધાનાણીએ ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિની ઝાટકણી કાઢી હતી અને મતદાન જેવી પવિત્ર વ્યવસ્થાને બદનામ કરી ભાજપમાં ભળી ગયેલા માજી ધારાસભ્યને પ્રજા બોધપાઠ ભણાવશે તેમ કહી અસત્ય સામેની લડાઇમાં પ્રત્યેક કોંગ્રેસીને સત્યની જેમ અડગ રહેવા અનુરોધ કર્યો હતો.વાંકાનેર ધારાસભ્ય પીર જાવેદ પીરજાદાએ કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનોને સંગઠિત સ્વરૂપે લડાઇ લડી અને પક્ષના વિજયની શરૂઆત અબડાસાના વિજયથી આપી રાજ્યમાં સંદેશો ફેલાય તે રીતે રાત-દિવસ જોયા વિના કામે લાગી જવા અપીલ કરી હતી.ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ભાજપની સામ-દામ-દંડ-ભેદની નીતિને નિષ્ફળ બનાવી ગામે ગામ મજબૂત ટીમ બનાવી  ભાજપને પરાસ્ત કરી વધુમાં વધુ સરસાઇથી જીત મેળવવા આહ્વાન કર્યું હતું. હીરાભાઇ જોટવા, નૌશાદ સોલંકી, કિશોરસિંહ જાડેજા વિ.એ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ સૌ મહેમાનો-આગેવાનોને આવકાર કચ્છ ધણિયાણી આઇ આશાપુરાની પવિત્ર ભૂમિમાં આપ્યો હતો, ઉપરાંત સૌ આગેવાનોએ પેટાચૂંટણીમાં કામે લાગી જવા અનુરોધ કરી પક્ષનું સંગઠન મજબૂત બનાવવા અપીલ કરી હતી.આ કારોબારીમાં નર્મદા યોજનામાં અન્યાય, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના મૃત્યુઘંટ, શિક્ષિત બેરોજગારોને થતા અન્યાય, નાની-મોટી મધ્યમ સિંચાઇની કેનાલોનું રિપેરિંગ, ભુજોડી ઓવરબ્રિજમાં વિલંબ, એપ્રેન્ટિસ ભરતી, જિલ્લાની એકમાત્ર?સરકારી હોસ્પિટલનો દરજ્જોઁ મળે, રેલવે સેવા ચાલુ કરવા, ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19ની સારવારમાં રાહત વિ. બાબતે ઠરાવોનું વાંચન કરાયું હતું.આ બેઠક સભામાં ફેરવાઇ હતી. જેમાં લખપત, અબડાસા તેમજ નખત્રાણાના પાંચસો જેટલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં ટિકિટના 28 જેટલા દાવેદારોએ હાજરી આપી હતી.ત્રણ તાલુકાના આ ટિકિટના દાવેદારોને પરેશ ધાનાણીએ ટકોર કરતાં જણાવ્યું હતું કે, ટિકિટ એકને મળશે  બાકીના 27એ સાથે રહેવાનું છે.પક્ષના  સૂત્રોના જણાવ્યા પ્રમાણે  આ વખતે પ્રખર કોંગ્રેસી વિચારાધારાથી વરાયેલા ઉમેદવારી કરાવશે. અત્યારે આ મતવિસ્તારના ચાર નામ હાઇકમાન્ડમાં વિચારણા હેઠળ છે, જેમાં ત્રણ પુરુષ તેમજ એક મહિલા દાવેદાર ટોચ પર છે.આ મિટિંગ કમ સભામાં કચ્છના વી. કે. હુંબલ, કિશોરસિંહ જાડેજા, ઇબ્રાહીમ મંધરા, ઇકબાલ મંધરા, પી. સી. ગઢવી, અશ્વિન રૂપારેલ, રાજેશ આહીર, નૈતિક પાંચાણી, જસવંતભાઇ પટેલ, હાસમભાઇ નોતિયાર, સામજીભાઇ આહીર, ભચાભાઇ આહીર, રમેશ દેસાઇ, દીપક ડાંગર, ધીરજ રૂપાણી, સલમાબેન ગંઢ, આઇસુબેન સમા, રસિકબા જાડેજા, અંજલિ ગોર સહિતના કાર્યકર હાજર રહ્યા હતા.આ પહેલાં પક્ષ અગ્રણીઓએ ભુજમાં ઉમેદ ભુવન ખાતે પત્રકારો સાથે ચર્ચા-વિચારણા કરી હતી. આ ઉપરાંત પક્ષના સભ્યોને મળી વિચારો-ફરિયાદો જાણી હતી.આ તકે અમિતભાઇ ચાવડાએ  રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરતાં જણાવ્યું કે, રાજ્યની પ્રજા ભગવાન ભરોસે છે. દર્દીઓને ખાનગી હોસ્પિટલોનો સહારો લેવો પડે છે અને ત્યાં પણ સુરક્ષિત નથી. સુરતની ઘટનાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, એ ગંભીર ઘટના છતાં સરકાર ગંભીર ન બનતાં ફરી શ્રેય હોસ્પિટલની ઘટના ઘટી તેમ કહી સરકાર પર ચાબખાં ઁિવીંઝ્યા હતા.હાર્દિક પટેલે શ્રેય હોસ્પિટલમાં મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારને સરકાર આર્થિક સહયોગ આપે તેવી માંગ કરી હતી. કચ્છની વાત કરતાં જણાવ્યું કે, બેરોજગારી, સ્વાસ્થ્ય, શિક્ષણ અને નર્મદા નીર સહિતના મુદ્દે પૂરી સુવિધા મળે તે માટે  પક્ષ કચ્છનો અવાજ બનશે.  સ્થાનિક નેતૃત્વ હશે તો લોકોને વધુ ફાયદો થશે. પક્ષપલટો કરનારાને લોકો જ જવાબ આપશે. કચ્છમાં છેવાડાના ગામ સુધી નર્મદા નીર પહોંચે તે માટે વિપક્ષ અવાજ ઉઠાવી રહ્યો છે.તો, પરેશ ધાનાણીએ અબડાસા સહિત આઠે વિધાનસભાની પરાણે આવેલી પેટાચૂંટણીમાં જનતા લોકશાહીને બચાવવા, પોતાના મત મૂલ્યોને બચાવવા ચોક્કસ મતદાન કરશે. પક્ષ અઢારે વર્ણને સાથે રાખી ચાલનારો છે. ઉમેદવારીની પસંદગી મુદ્દે જણાવ્યું કે, એ પાર્ટીની આંતરિક પ્રક્રિયા છે, પણ કોંગ્રેસનો ગઢ અબડાસા ફરીથી જીતવા સૌ સહિયારા પ્રયાસો કરશે તેમ ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer