`શિવબાલક''ની શ્રાવણ માસમાં વિદાય

`શિવબાલક''ની શ્રાવણ માસમાં વિદાય
ભુજ, તા. 6 : સૌરાષ્ટ્ર-કચ્છના પ્રસિદ્ધ ભજનિક-લોકગાયક યોગેશપુરી ગોસ્વામીનું ટૂંકા ગાળાની ગંભીર બીમારી બાદ આજે અવસાન થતાં સંતવાણી ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. `શિવબાલક'ના નામે જાણીતા અને મૂળ જૂનાગઢના રહેવાસી યોગેશપુરી ગોસ્વામીના મોટાભાગે શિવના ભજનના આલ્બમ હતા અને ભારે ચાહના મેળવી હતી. આ શિવભક્ત ગાયકે શ્રાવણ મહિનામાં જ વિદાય લીધી હતી. પિતા તરફથી વારસામાં મળેલા લોકસંગીત તરફ 14 વર્ષની ઉંમરથી આગળ વધ્યા હતા. ચાર દાયકા દરમ્યાન ગુજરાતના લગભગ તમામ દિગ્ગજ ભજનિકો, સંતવાણી કલાકારો સાથે તેઓએ ભજનો રજૂ કર્યા હતા.સદગત ગોસ્વામી ભુજના જ જમાઇ હતા અને તેમનો કચ્છ સાથે ગાઢ?નાતો હતો. કચ્છના કલાકારો સાથે તેઓએ દેશ-વિદેશમાં કાર્યક્રમો રજૂ કર્યા હતા. જાણીતા ભજનિક ઓસમાણ મીર, કીર્તિદાન ગઢવી, દેવરાજ ગઢવી (નાનો ડેરો), કચ્છ લોકગાયિકા ગીતાબેન રબારી વિગેરેએ અંજલિ આપી લોક કલાજગતને મોટી ખોટ પડી હોવાનું કહ્યું હતું. કચ્છના જાણીતા નોબતવાદક શૈલેશ જાનીએ અંજલિ આપતાં તેમની સાથેનો અતૂટ નાતો યાદ કરી જણાવ્યું કે, ભૂતનાથ મંદિર સેવા અર્થે યોજાયેલા કાર્યક્રમોમાં તેઓ નિ:સ્વાર્થ રીતે જોડાયા હતા. સ્ટેજની-સંતવાણીની ગરિમા સાચવી રાખનારા આ કલાકાર લોકલાભાર્થે કાર્યક્રમોમાં જોડાવા સદા તત્પર રહેતા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer