સ્વચ્છ કામગીરી, કડક નિગરાનીનો કોલ

સ્વચ્છ કામગીરી, કડક નિગરાનીનો કોલ
ભુજ, તા. 6 : પાકિસ્તાન જેવા દુશ્મન રાષ્ટ્રની સરહદ ઉપર આવેલા પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં નિમણૂક એ અગત્યની સાથે પડકારની બાબત ગણી શકાય. જલ્દીથી જલ્દી આ સમગ્ર સરહદી વિસ્તારની મહત્તમ જાણકારી મેળવી લોકોને કેન્દ્રમાં રાખીને સેવાભાવ સાથેની કામગીરી કરવાનું મારું ધ્યેય રહેશે. તેવું આજે જિલ્લાના નવા પોલીસ અધીક્ષક તરીકેનો પોતાનો નવો હોદ્દો અખત્યાર કર્યા બાદ આઇ.પી.એસ. અધિકારી સૌરભ સિંગએ જણાવ્યું હતું. આ પ્રસંગે તેમણે સરહદી અને કાંઠાળ વિસ્તારની સુરક્ષાને કાયદો અને વ્યવસ્થાની જાળવણી જેટલી જ અગ્રતા આપવાની વાત કરતાં સ્વચ્છ અને ભ્રષ્ટાચારથી મુકત પોલીસિંગની નેમ વ્યક્ત કરી હતી. સાથેસાથે અસામાજિક પ્રવૃત્તિઓ કોઇ કાળે ચલાવી નહીં લેવાય અને તેને ડામી દેવાશે તેવી તૈયારી પણ બતાવી હતી. જૂનાગઢ જિલ્લાના એસ.પી. પદેથી બદલી પામીને પશ્ચિમ કચ્છના 44મા એસ.પી. પદે નિયુક્ત થયેલા મૂળ હોશિયારપુર પંજાબના વતની એવા આઇ.પી.એસ. અધિકારી સૌરભ સિંગએ આજે તેમના પુરોગામી એસ.પી. સૌરભ તોલંબિયા પાસેથી પોતાના નવા હોદ્દાનોચાર્જ સંભાળ્યો હતો. આ પછી પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન તેમણે કાયદો અને વ્યવસ્થાની જાળવણી, સીમાવર્તી વિસ્તાર સંલગ્ન બાબતો પરત્વે ખાસ તકેદારી સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા સહિતની બાબતોની મોકળા મને વાત કરી હતી. આ અગાઉ આણંદ, સાબરકાંઠા અને જૂનાગઢ જિલ્લામાં જિલ્લા પોલીસવડા તરીકે સેવા આપી ચૂકેલા સૌરભ સિંગએ જણાવ્યું હતું કે, કચ્છ મહત્ત્વનો જિલ્લો છે અને આ સ્થળે નિમણૂક એ મહત્ત્વની અને પડકારજનક પોસ્ટિંગ છે. તેઓ જલ્દીથી જલ્દી આ લાંબા અને પહોળા વિસ્તારનો અભ્યાસ કરી તેમની કાર્યવાહીને આગળ ધપાવશે. સરહદી અને કાંઠાળ વિસ્તારની સલામતી અને સુરક્ષાને કાયદો અને વ્યવસ્થાની જાળવણી જેટલી જ અગ્રતા આપશે, તો કેફી દ્રવ્યોની હેરફેર સામે પણ પૂરજોશમાં કામગીરી અવિરત રખાશે. આ ઉપરાંત વર્તમાન કોરોના મહામારીના કાળમાં જરૂરી નિયમોનાં પાલન સહિતની કાર્યવાહી પરત્વે પણ ખાસ ધ્યાન આપીને લોકોને કેન્દ્રમાં રાખીને તેમને સેવાભાવનો અનુભવ થાય તેવી કામગીરીનો અભિગમ રખાશે તેવું તેમણે જણાવ્યું હતું. અરજદાર અને તેમની રજૂઆતને ટોપ પ્રાયોરિટી આપવાનો અભિગમ અખત્યાર કરવાની વાત કરતાં જિલ્લાના આ ઉચ્ચ પોલીસ અધિકારીએ સ્વચ્છ અને ભ્રષ્ટાચારથી મુક્ત પોલીસિંગ આપવાની નેમ પણ વ્યકત કરી હતી. સામાન્ય લોકોને સુંદર પોલીસિંગનો અનુભવ થાય તેવા પ્રયાસોની ખાતરી આપતાં તેમણે દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ કોઇ કાળે નહીં ચલાવી લેવાય અને આવી બાબતોને જડમૂળથી ડામી દેવા ઉમેર્યું હતું. જૂનાગઢ જિલ્લામાં અખત્યાર કરેલા દંડના બદલે માસ્ક આપવા સહિતનાં લોકોને ઉપયોગી પગલાંઓ બિનસરકારી સંગઠનોની સહાયથી અવિરત રાખવાનું કહેતાં પોલીસદળ સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવશે તેવી વાત કરી હતી. દરમ્યાન પોલીસદળમાં આઠ વર્ષની સેવાનો અનુભવ ધરાવતા સૌરભ સિંગ આજે સવારે ભુજ આવી પહેંચતાં એસ.પી. કચેરી ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. તેઓ તાબાના અધિકારીઓને મળ્યા હતા, તો કચેરીના વિવિધ વિભાગોમાં પરિભ્રમણ કરીને સ્ટાફ સાથે પણ ચર્ચા કરી હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer