મોટા અંગિયામાં અનોખા જોડિયા મહાદેવ

મોટા અંગિયામાં અનોખા જોડિયા મહાદેવ
નખત્રાણા, તા. 6 : ભુજ -નખત્રાણા હાઈવે પર મોટા અંગિયા ગામના બસ સ્ટેશન પાસે ભીડભંજન તેમજ નર્મદેચી મહાદેવ એમ બે જોડિયા મંદિર આવેલા છે. આવા જોડિયા મંદિરો 500 વર્ષથી પણ વધારે જૂના છે. બંને પ્રાચીન શિવાલયો જોડિયા મહાદેવ તરીકે જાણીતા છે. આ મંદિરની સેવાપૂજા વર્ષોથી કાપડી પરિવાર કરતું આવે છે પણ છેલ્લા વર્ષથી તેમણે સેવા છોડી દેતાં હાલે જતિનનાથ નાથજી સેવાપૂજા કરે છે. સને 2001ની સાલના વિનાશક ભૂકંપથી આ બંને મંદિરોને મોટાપાયે નુકસાન થતાં ગુજરાત સરકારના પુરાતત્ત્વ વિભાગ તેમજ ગામલોકોના સહકારથી આ મંદિરોને નવો ઓપ આપવામાં આવ્યો છે. મંદિરના પટાંગણમાં આશાપુરા માતાનું નાનકડું સ્થાન હતું ત્યાં આશાપુરા માતાજી પદયાત્રીઓ માટે ગામની બાજુમાં પેટ્રોલપંપ પાસે કોલકાતા નિવાસી દાતા પરિવાર દર વર્ષે કેમ્પ યોજે છે. તેમના સહયોગ તેમજ ગામલોકોના સહકારથી મંદિર બનાવેલું છે તેમજ બાજુમાં દાતા તેમજ લોક સહકારથી કોટાપાળ (ગોગા) દાદાનું નાનું મંદિર પણ બન્યું છે તેમજ શીતલા માતાજીનું પણ મંદિર છે. આ જગ્યા પંચતીર્થ તરીકે વિકાસ પામી છે.મંદિરના પ્રાંગણમાં સાધુસંતો તેમજ આશાપુરા માતાને દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે તેમજ સંતવાણી જેવા કાર્યક્રમ કરવા માટે છાપરાવાળી ચાલી પણ બનાવાઈ છે તેમજ ભાવિકો માટે દાતાઓના સહયોગથી બેસવા માટે પ્રાંગણમાં બાંકડા પણ મૂકવામાં આવ્યા છે.નારાયણ સરોવર-કોટેશ્વર તેમજ માતાના મઢ તરફ જતા યાત્રાળુઓ તથા શાળા પ્રવાસીઓ પણ અહીં રોકાઈ ચા-પાણી, રસોઈ બનાવી આરામ પણ કરતા જોવા મળે છે. વર્ષોથી પરંપરા મુજબ દર વર્ષે શ્રાવણ માસમાં અહીંના પૂજારી મહાદેવને જળ-દૂધનો અભિષેક કરી તેમજ પુષ્પ-બીલીપત્ર ચડાવી દરરોજ સેવા આપે છે. હાલમાં પણ રામજી મંદિરના પૂજારી પરેશ મહારાજે આ પરંપરા જાળવી રાખી છે. શ્રાવણ માસના દર સોમવારે તેમજ અમાસના અને મહાશિવરાત્રિની રાતે દર વર્ષે ચાર પ્રહરની પૂજા કરવામાં આવે છે. સંતવાણી તેમજ આરાધી ભજનોની રમઝટ જામે છે. શ્રાવણ માસ, શિવરાત્રિ તેમજ અન્ય તહેવારોમાં દર્શનાર્થે ભીડ ઊમટે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer