છ દિ''ના ક્વોરન્ટાઇન માટે ફ્રેન્ચાઇઝીઓ તૈયાર

નવી દિલ્હી, તા.6 : આઇપીએલની તમામ ટીમ યુએઇ પહોંચ્યા બાદ 6 દિવસના ક્વોરન્ટાઇન ગાળા માટે આખરે રાજી થઇ ગઇ છે. ફ્રેંચાઇઝી અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. એક ટીમના અધિકારીએ જણાવ્યું હતું કે અમે ખેલાડીઓના સ્વાસ્થ્ય સાથે જોખમ લેવા માગતા નથી. ટીમના સદસ્યો 6 દિવસના ક્વોરન્ટાઇનનું પાલન કરશે. દુબઇ સરકારના પ્રોટોકોલ મુજબ ત્યાં પહોંચ્યા બાદ 96 કલાકની અંદર એક પીસીઆર ટેસ્ટ થશે. જો કોઇ પોઝિટિવ આવશે તો તે 14 દિવસ માટે ક્વોરન્ટાઇન થશે અને તબીબી સારવાર લેવી પડશે. ખેલાડીઓના અને સપોર્ટ સ્ટાફના દર પાંચ દિવસે કોવિડ-19 ટેસ્ટ થશે. પીસીઆર ટેસ્ટ બાદ ખેલાડીઓને યુએઇમાં હરવા-ફરવાની છૂટ મળશે. દરેક ટીમ અલગ અલગ હોટેલમાં ઉતરશે. ખેલાડીઓ એક સાથે બેસીને ભોજન લઇ શકશે નહીં. આ ઉપરાંત યુએઇ જનારા તમામે તેમના મોબાઇલમાં એક ખાસ એપ ડાઉનલોડ કરવાની રહેશે. જે યુએઇ સરકારની સ્વાસ્થ્ય સંબંધી એપ છે. આ ઉપરાંત બધી ટીમો તા. 20 ઓગસ્ટ પછી યુએઇ રવાના થવા માટે પણ માની ગઇ છે. આ પહેલા બધી ટીમોએ 20 ઓગસ્ટ પહેલા ઉડાન ભરવા અને 6ના બદલે 3 દિવસના ક્વોરન્ટાઇન પીરિયડની માગ કરી હતી. દરેક ખેલાડીએ ભારતમાં પાંચ કોરોના ટેસ્ટમાંથી પસાર થવું પડશે. જેમાંના બે ટેસ્ટ તેમના શહેરમાં થશે. બીજી તરફ બીસીસીઆઇએ સ્પષ્ટ કર્યું છે કે ખેલાડીઓ સાથે તેમનો પરિવાર યુએઇની યાત્રા કરી શકે છે. જો કે તેમને ટીમ બસમાં સફરની છૂટ નહીં મળે. પરિવારને બાયો સિક્યોરીટી બબલમાંથી બહાર નીકળવાની પણ અનુમતિ મળશે નહીં. બીસીસીઆઇએ બધી ટીમોને એવી પણ સૂચના આપી છે કે ટોસ ઉછાળતી વખતે કેપ્ટન પ્લેઇંગ ઇલેવનની હાર્ડ કોપીના બદલે ઇલેકટ્રોનિક ટીમ શીટનો ઉપયોગ કરે. બોર્ડે મેચ દરમિયાન ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને ખાલી સ્ટેન્ડનો ઉપયોગ કરવાનું પણ સૂચન કર્યું છે. જેથી સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાઇ રહે. જો ખેલાડીની માલિશની જરૂર હોય તો છૂટ મળશે, પણ માલિશ કરનારે પીપીઇ કિટ પહેરવી ફરજિયાત રહેશે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer