એક જ ઝાપટાંથી ગાંધીધામ સંકુલમાં વીજ વિક્ષેપ

ગાંધીધામ, તા. 6 : આ શહેર અને સંકુલમાં વરસાદના બે છાંટા પડે અને વીજળીની આવન-જાવન શરૂ થઇ જતી હોય છે. ગઇકાલે રાત્રે વરસેલા વરસાદને પગલે શહેરના ભારતનગર વિસ્તારમાં વીજળીના વોલ્ટેજ વધી જતાં લોકોના વીજ ઉપકરણો સળગી ગયા હતા.આ સંકુલમાં પ્રી-મોન્સૂનની કામગીરી કરાઇ હોવાની મોટી વાતો વીજતંત્ર દ્વારા કરાતી હોય છે, પરંતુ જ્યારે વરસાદના બે છાંટા પડે છે ત્યારે અનેક જગ્યાએ ક્ષતિ સર્જાય છે અને વીજવિક્ષેપ ઊભો થતો હોય છે. ગઇકાલના વરસાદમાં પણ આદિપુરના મણિનગર પાછળ મેઘપર કુંભારડીની સીમમાં આવેલી દેવનારાયણનગર, મેઘમાયા સોસાયટી, સિદ્ધેશ્વર સોસાયટી વગેરે અનેક સોસાયટીઓમાં અંધારપટ છવાઇ ગયો હતો. સમગ્ર રાત દરમ્યાન વીજળી ચાલુ ન થતાં નાના બાળકો અને વૃદ્ધો ગરમીમાં શેકાયા હતા, તો મધ્યમવર્ગીય લોકોને સમગ્ર દિવસ દરમ્યાન કામ કરીને પણ વીજળીના વાંકે રાતે જાગવાનો વારો આવ્યો હતો. ઓછામાં પૂરું વીજ કચેરીમાં ફરિયાદ કરવાના ફોન પણ બંધ કરી દેવામાં આવતા હોવાની ફરિયાદો લોકોએ કરી હતી.બીજી બાજુ ગાંધીધામ ભારતનગરની જય અંબે કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં પણ બે-ત્રણ દિવસથી હાઇ વોલ્ટેજના કારણે લોકોના વીજ ઉપકરણોમાં ખોટીપો સર્જાયો હતો. આવા મંદીના માહોલમાં લોકોને આર્થિક ધુમ્બો સહન કરવાનો વારો આવ્યો હતો. આ અંગે યોગ્ય કરવા અહીંના લોકોએ વીજ તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer