કચ્છમાં નર્મદાનાં વધારાનાં પાણીનાં કામોની 14 વર્ષે બિલકુલ શરૂઆત પણ થઈ નથી

ભુજ, તા. 6 : કચ્છને નર્મદા નદીના ફાળવાયેલા વધારાના એક એમએએફ પાણીના કાર્યો બાબતે કચ્છ નર્મદા જળ અભિયાન સિંચાઈ વિભાગના અધીક્ષકને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કચ્છને વર્ષ 2006માં નર્મદા નદીના વધારાના એક એમએએફ પાણીમાંથી એક એમએએફ પાણી ફાળવાયા હતા. ગુજરાત સરકારની જાહેરાતને આજે 14 વર્ષ વીતી ગયા તેમ છતાં આ બાબતના કામની બિલકુલ શરૂઆત થઈ નથી. કામોની શરૂઆત આપની કચેરીએથી થવી જોઈએ અને ગુજરાત સરકાર પાસે કામોનું આયોજન મંજૂર કરાવી તબક્કાવાર અમલીકરણ કરાવવું જોઈએ. પરંતુ અમને કહેતાં અતિ ગ્લાનિ થાય છે કે, આપની કચેરી આ બાબતે ફરજ ચૂકી ગઈ છે અને તેથી કચ્છને પારાવાર નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં અમારી માગણી છે કે કચ્છને ફાળવાયેલા વધારાના પાણીની બધી જ લિંક કેનાલના કામો તાત્કાલિક ચાલુ કરાવી આવતા બે વર્ષમાં તેને પરિપૂર્ણ કરવા જોઈએ. આ કાર્યો પરિપૂર્ણ થયેથી કચ્છની 10 લાખ એકર જમીનમાં સિંચાઈ થઈ શકશે. અત્યારની પરિસ્થિતિમાં બધા જ પ્રકારના ખર્ચ?બાદ કરતાં એક એકરે ખેડૂતને ઓછામાં ઓછો 15000 રૂપિયાનો નફો થાય તેમ છે. આ હિસાબે કચ્છનો ખેડૂત દર વર્ષે 1500 કરોડની આવક ગુમાવી રહ્યો છે. આ રીતે કચ્છને પછાત રાખવા જવાબદાર ગણી રહ્યા છીએ. કારણ કે સિંચાઈ વિભાગના જવાબદારોએ લિંક કેનાલને પ્રાથમિકતા આપવાથી બહોળો લાભ મળે તેમ છે ને આ અંગે સરકારનું ધ્યાન પણ દોરવું જોઈએ. તેથી અમારી વિનંતી છે કે ગુજરાત સરકારના આ ખાતાના મંત્રી પાસેથી યોગ્ય રકમની મંજૂરી મેળવી ઝડપી પગલાં લેવામાં આવે તેવી માગણી કરી હતી. આવા કાર્યો બે વર્ષમાં પૂરા ન કરી શકતા હો તો તે ક્યારે પૂરા કરી શકાશે તેની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવે કે જે આપની ફરજનો એક ભાગ છે. કચ્છને ફાળવાયેલા વધારાના 1 એમએએફ પાણીનો ખર્ચ વર્ષ 2010માં 4800 કરોડ અંદાજવામાં આવ્યો હતો. જે આજની તારીખમાં 10,000 કરોડ પહોંચે તેવી શક્યતા છે. આપની કચેરી દ્વારા ગુજરાત સરકારે પોતાની બજેટકીય જોગવાઈમાં માત્ર 100 કરોડ ફાળવી કચ્છની જનતાની હાંસી ઉડાવી છે. એ તો એક વાત પરંતુ ચાલુ નાણાકીય વર્ષના 4 મહિના વીતી ગયા છતાં આ 100 કરોડના કામનો પ્રારંભ પણ નથી કરાયો. જેની અમે દુ:ખપૂર્વક નોંધ લઈએ છીએ. આ 100 કરોડના બજેટમાં વધારાના પાણીની કઈ કેનાલના શું કામ કરવા માગો છો તેની અમને વિગતવાર માહિતી તાત્કાલિક પૂરી પાડવાની પણ માગણી કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer