માંડવી વિસ્તારના છાત્રો માટે સ્પર્ધાત્મક પરીક્ષાનાં પુસ્તકો વાંચન માટે ઉપલબ્ધ

માંડવી, તા. 6 : 21મી સદીના આધુનિક, ડિજિટલ અને ઝડપી ટેકનોલોજીના યુગમાં તેમજ સ્પર્ધાત્મક હરીફાઈના સમયમાં વિદ્યાર્થીઓ /વિદ્યાર્થિનીઓ અને વાલીગણએ કઈ?દિશામાં કારકિર્દી આગળ પસંદ કરવી  એ ખૂબ જ મહત્ત્વનો, સૌથી ગંભીર, તત્કાળ નિર્ણયશક્તિનો પ્રશ્ન બની ગયો છે. ત્યારે માંડવી શહેર અને તાલુકાના વિદ્યાર્થીઓ / વિદ્યાર્થિનીઓ માટે માંડવી નગરપાલિકા દ્વારા પુસ્તકાલયમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાનાં પુસ્તકો ઉપલબ્ધ કરાવી વાંચન માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. માંડવી નગરપાલિકા વાંચનાલયમાં છેલ્લા ઘણા સમયથી કારકિર્દી ઘડતર માટે સારી એવી સંખ્યામાં વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓનો વર્ગ આવતાં નગરપાલિકાની ગત કારોબારી સમિતિની બેઠકમાં માંડવી શહેર અને તાલુકાના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓ કારકિર્દી ક્ષેત્રે રુચિ ધરાવતાં વિદ્યાર્થીઓનાં ભાવિ હિતને ધ્યાનમાં રાખી તજજ્ઞ કમિટી બનાવાઈ હતી. જેમાં ડો. મહેશભાઈ બારડ (પ્રિન્સિપાલ, શેઠ સૂરજી વલ્લભદાસ આટર્સ એન્ડ કોમર્સ કોલેજ), ગોરધનભાઈ પટેલ (વિવેકાનંદ રિસર્ચ ટ્રેઈનિંગ ઈન્સ્ટિયૂટ માંડવી), કિશોરભાઈ કાથરોટિયા (આચાર્ય, શેઠ ગોકલદાસ તેજપાલ હાઈસ્કૂલ), દિનેશભાઈ હીરાણી, પ્રવીણ સુથાર (એકાઉન્ટન્ટ, માંડવી નગરપાલિકા)ની નિમણૂક થઈ હતી અને તેઓનાં માર્ગદર્શન હેઠળ સમયાંતરે સ્પર્ધાત્મક પરીક્ષાનાં પુસ્તકો ઉપલબ્ધ કરાયાં છે. નગરપાલિકાના સહિયારા પ્રયાસમાં ભુજના હરેશભાઈ ધોળકિયાએ અંદાજે રૂા. 20,000નાં સ્પર્ધાત્મક પરીક્ષાનાં પુસ્તકો માંડવી નગરપાલિકાને ભેટ આપેલા છે. જે પુસ્તકો હાલે માંડવી નગરપાલિકા વાંચનાલયમાં ઉપલબ્ધ છે. આ પુસ્તકો આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓ માટે આશીર્વાદરૂપ બનશે તેવું જણાવાયું છે.નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈએ પોતાની ઉજ્જવળ ભાવિ કારકિર્દી ઘડતર માટે શહેર અને તાલુકાના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓ વધુ સંખ્યામાં અત્રે આવી સ્પર્ધાત્મક પરીક્ષાનાં પુસ્તકોનો લાભ લે તેવી અપીલ સાથે અન્ય દાતાઓને વિદ્યાર્થીઓના ભાવિ હિતને ધ્યાનમાં રાખી જનભાગીદારીથી પુસ્તકો ખરીદવા આગળ આવવા અપીલ કરી હતી.આ બેઠકમાં દિનેશભાઈ હીરાણી, વૈશાલીબેન જુવડ, હેડકલાર્ક કાનજીભાઈ શિરોખા, એકાઉન્ટન્ટ પ્રવીણભાઈ સુથાર તેમજ ગોરધનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer