આદિપુરમાં મેડિકલ વેસ્ટ-પીપીઇ કિટ જાહેરમાં ફેંકી દેવાતાં સંકુલમાં પ્રસરેલો ભયનો માહોલ

આદિપુરમાં મેડિકલ વેસ્ટ-પીપીઇ કિટ જાહેરમાં ફેંકી દેવાતાં સંકુલમાં પ્રસરેલો ભયનો માહોલ
ગાંધીધામ, તા. 5 : જિલ્લાના આર્થિક પાટનગર એવા આ સંકુલમાં દિવસે ને દિવસે કોરોનાના પોઝિટિવ કેસ બહાર આવી રહ્યા છે તેવામાં આદિપુરના મૈત્રી રોડ નજીક ટાગોર માર્ગ પાસે કોઇએ પીપીઇ કિટ જાહેરમાં ફેંકી દેતાં ભારે ચકચાર પ્રસરી છે. કોરોનાએ આ સંકુલમાં પોલીસ સહિતના લોકોને હડફેટમાં લઇ લીધા છે અને હજુ પણ કેસ બહાર આવી રહ્યા છે. લોકો કોરોનાના કારણે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આવામાં ખાનગી તબીબો પોતે અને સ્ટાફને પીપીઇ?કિટ પહેરાવીને કામ હાથ ધરી રહ્યા છે તો ખાનગી લેબોરેટરીઓમાં પણ આવી કિટ પહેરી પોતાનો બચાવ કરાતો હોય છે. યુઝ એન્ડ થ્રોવાળી આવી કિટનો યોગ્ય નિકાલ કરવાનો હોય છે, જેના કારણે આવી કિટ ઉપર કોરોના વાયરસ હોય તો તેનો ચેપ અન્ય લોકોને ન લાગે, પરંતુ આદિપુરના મૈત્રી રોડ નજીક ટાગોર માર્ગ પાસે કોઇ જાહેરમાં આવી પીપીઇ કિટ ફેંકી ગયું છે. કચરામાં રહેલી આવી કિટમાં ગૌવંશ પણ મોઢું નાખતું હોય છે. આવાં દૃશ્યો જોઇને લોકોમાં ભારે ચકચાર પ્રસરી છે. આ સંકુલમાં અગાઉ પણ ઓપરેશન દરમ્યાન લોકોના કપાયેલાં અંગ ઉપાંગ જાહેરમાં ફેંકી દેવાયાના બનાવો બની ચૂક્યા છે, તેવામાં હજુ પણ અમુક ખાનગી હોસ્પિટલ અને લેબોરેટરીવાળા પોતાનો મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકતા હોવાની ફરિયાદો ઉઠી હતી. પરંતુ ગુજરાત પ્રદૂષણ બોર્ડ કે નગરપાલિકા આવા લોકો વિરુદ્ધ ખાસ કાંઇ?કરતાં ન હોવાનું સમજાય છે. જો આવી જ રીતે વપરાયેલી પીપીઇ કિટ જાહેરમાં ફેંકી દેવાતી રહેશે તો આ સંકુલમાં કોરોનાના કેસ હજુ વધવાની શક્યતા જોવાઇ રહી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer