કચ્છમાં કોરોનાના વિક્રમી 27 કેસ : વધુ બે મોત

કચ્છમાં કોરોનાના વિક્રમી 27 કેસ : વધુ બે મોત
ભુજ, તા. 5 : જુલાઇમાં વિક્રમી 366 કેસ નોંધાયા બાદ ઓગસ્ટ માસમાં પણ કોરોનાનો ફૂંફાડો અસ્ખલિત જારી રહ્યો હોય તેમ આજે વિક્રમી 27 કેસ નોંધાતાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે. વધુ બે લોકોનો કોરોનાએ ભોગ પણ લીધો છે. અંજાર શહેર-તાલુકામાં તો કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું હોય તેમ આજે એક જ દિવસમાં શહેરમાં 13 અને તાલુકામાં 2 મળી 15 પોઝિટિવ કેસ નોંધાતાં અંજાર વિસ્તાર કચ્છનો કોરોના હોટસ્પોટ બનતાં ચિંતાજનક સ્થિતિ નિર્માણ પામી છે. સુખપરમાં રહેતા 73 વર્ષીય વિશ્રામભાઇ રાબડિયાનું આજે મોત નીપજ્યું છે. ત્રીજી તારીખે દાખલ થયેલા આ દર્દીને વેન્ટિલેટર બાયપેપ સપોર્ટથી સારવાર અપાઇ હતી. ડાયાબિટીસ, હાઇપર ટેન્શન તેમજ હૃદયરોગ સંબંધી બીમારીથી પીડાતા વિશ્રામભાઇનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યાનું આરોગ્ય તંત્રની યાદીમાં જણાવાયું હતું. તો લખપત તાલુકાના ઘડુલીમાં રહેતા સામજીભાઇ?નારણ પટેલનું આજે બપોરે 2.10 કલાકે મોત નીપજ્યું હતું. 23 જુલાઇના મુંદરાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા સામજીભાઇ વેન્ટિલેટર પર સારવાર હેઠળ હતા. તેઓ ડાયાબિટીસ ઉપરાંત મોરબીડ ઓબેસીટી જેવી અન્ય બીમારીથી પણ પીડાતા હતા.કોરાનાથી રક્ષણ મેળવવા માટે લોકોની જાગૃતિના અભાવ અને બેદરકારીને કારણે કોરોનાથી સંક્રમિતોનો આંક ડરામણી સ્થિતિએ પહોંચ્યો છે. ચોપડે ગાંધીધામ અને અંજાર તાલુકામાં આજે વધુ 24 કેસો  કોરોનાના નોંધાયા છે. જેમાં ગાંધીધામમાં ડીપીટીના બે કર્મચારી સાથે 9 અને  અંજાર શહેરમાં 13 તથા ગ્રામ્ય વિસ્તારમાં બે કેસ સાથે કુલ 15 કેસોનો સમાવેશ થયો હતો.અંજાર શહેરના હોથી ફળીયામાં  યાસ્મીન અભુભકર થેબા (ઉ.23), સાજીદ અભુભકર થેબા (ઉ.17), આઈશા અભુભકર થેબા (ઉ.25), રામનગરમાં રહેતા હિરેન હસમુખભાઈ સોની (ઉ.35) અને જ્યોતિ હસમુખભાઈ સોની, મહાપ્રભુજી નગરમાં મુકેશભાઈ ભરતભાઈ પટેલ (ઉ.33), કિંજલ એમ. પટેલ (ઉ.29), રઘુવીરનગરમાં  નિરાલી પ્રજ્જ્વલ સોરઠિયા (ઉ.23), મરિતિ  ગ્રાઉન્ડ પાસે  દમયંતીબેન નવીચંન્દ્ર દવે (ઉ.79), એકતાનગરમાં  સફીભાઈ આમદ ખત્રી, યોગેશ્વર ચોકડી પાસે રહેતા  ધર્મિષ્ઠાબેન પ્રેમભાઈ  (ઉ.37)  તથા  શિવશક્તિ સોસાયટીમાં રહેતા ફાતમા સાલેમામદ ખત્રી, રૂબીના ખત્રીનો  કોરોનાપોઝિટિવ આવ્યો હતો.અંજાર તાલુકાના  સાપેડામાં શ્યામગિરિ ગુંસાઈ અને  વરસામેડીના  બાગેશ્રી સોસાયટીમાં રહેતા અજિતભાઈ નીલકંઠભાઈ રાવ કોરોનાની ઝપટે આવ્યા હતા. અજિતભાઈ   રત્નમણિ  કંપનીમાં કામ કરતા હોવાનું સંબંધિતોએ જણાવ્યું હતું. આ એકમમાં  વધુ  અન્ય કર્મચારીઓ પણ કોરોના  વાયરસનો શિકાર બનશે તેવી આશંકા જાણકારો દ્વારા વ્યકત કરાઈ હતી. ગાંધીધામમાં ડીપીટીના એ.ઓ બિલ્ડિંગમાં ફરજ બજાવતા અનિલ પિલ્લઈ (ઉ.64) (રહે.સપનાનગર), નીરજ મહેન્દ્રભાઈ અડવાણી (ઉ.43) (રહે શક્તિનગર) , ગુરુકુલ  વિસ્તારમાં 7બીમાં આવેલી અમરચંદ સંઘવી સ્કૂલ પાસે રહેતા અને વડોદરાનો પ્રવાસ ઈતિહાસ ધરાવતા પ્રદીપકુમાર યદુનાથ પાંડે (ઉ.પપ),  સુભાષનગરમાં યેશુદાસ રેડીચિકારમેલ્લી (ઉ.60), ગણેશનગરના મેઘભાઈ રામજી ચૌહાણ (ઉ.50),  સેકટર -7માં રહેતા દયાબેન રવજી  વાધા (ઉ.65), ભારતનગરની ઓધવરામ સોસાયટીમાં રહેતા સુનીલ મૂળજી મકવાણા (ઉ.38), નવી સુંદરપુરીના તલાવડી  વિસ્તારમાં રહેતા અને  હિન્દુસ્તાન લીવરમાં  નોકરી કરતા આશુબેન પરમાર (ઉ.37), પ્રવીણભાઈ પરમાર  કોરોનાગ્રસ્ત થયા હતા.માંડવીના રામપર વેકરા શાળાના શિક્ષકના પિતા કોરોના સંક્રમિત થતાં ગામમાં ઉચાટ ફેલાયો છે. 62 વર્ષીય અનિલભાઇ મણિલાલ ભાવસાર અમદાવાદથી પોતાના પુત્રને ઘેર આવ્યા બાદ શંકાસ્પદ લક્ષણો દેખાતાં કોરોના પરીક્ષણ કરાવ્યું જેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હતો. શિક્ષકના પિતા કોરોના સંક્રમિત થતાં તેમના સંપર્કમાં આવેલાઓની શોધખોળ આરંભાઇ છે. ભુજના સુખપરમાં લક્ષ્મીબેન રાબડિયા તેમના પતિના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા હતા, જ્યારે માધાપરમાં રહેતા જયકુમાર ઘનશ્યામ સોનીનો ખાનગી લેબમાં કરાવેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાપરમાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે. ચામુંડા મંદિર પાસે રહેતા ઇશ્વરલાલ અમૃત સોની અને પદ્માભવન કોમ્પલેક્સમાં રહેતા મણિલાલ રાઠોડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુલ પોઝિટિવ કેસનો આંકડો હવે 633 થયો છે. એક્ટિવ કેસ 184 છે અને મોતનો આંકડો 28 પર પહોંચ્યો છે. અંજાર તાલુકાના નવી દુધઇમાં રહેતા નિવૃત્ત શિક્ષક હરગોવિંદ નારાણ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રવિવારે તેમના વતન મહેસાણાની સાંઇકૃપાની હોસ્પિટલમાં કોરોના પરીક્ષણ કરાવતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કેસ પ્રકાશમાં આવતાં નવી દુધઇના 30 ઘરના 113 લોકોને કવોરેન્ટાઇન કરાયા હતા. પોલીસ -આરોગ્યના અધિકારીઓએ આવશ્યક તકેદારીનાં પગલાં ભર્યાં હતાં. આ દર્દીના સંપર્કમાં આવેલા છ લોકોને મહેસાણામાં પણ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું દુધઇ પ્રતિનિધિના અહેવાલમાં જણાવાયું હતું.    

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer