સિરક્રીકમાં હવે વધુ સાબદા રહેવું પડશે

નિખિલ પંડયા દ્વારા- ભુજ, તા. પ : કોઇપણ દેશ પોતાના પ્રદેશનો એક પણ ઇંચ વિસ્તાર જતો કરવાનો વિચાર સુદ્ધાં કરી શકે નહીં. તેમાં પણ પાકિસ્તાન અને ચીન જેવા દેશો તો પડોશીઓના વિસ્તાર પર પોતાનો કબ્જો કરવા માટે સતત કાવતરાં કરતા રહે છે.લદ્દાખ સરહદે નિયંત્રણરેખા પર ચીનની ઘૂસણખોરીને એક એક ફૂટ માટે પાછળ હટાવવા માટે સતત મરણિયા પ્રયાસ કરી રહેલા ભારતીય જવાનો અને અધિકારીઓ માટે હવે કચ્છની સિરક્રીક એક નવા પડકારનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. મંગળવારે પાકિસ્તાને દલા તરવાડીની જેમ એકપક્ષીય રીતે પોતાના નવા નકશા જાહેર કર્યા, જેમાં ભારત સાથેના વિવાદગ્રસ્ત સિરક્રીકના બન્ને કાંઠાને પોતાની સરહદની અંદર દર્શાવીને પોત પ્રકાશ્યું છે. પાકિસ્તાનનાં આ ઉંબાડિયાં પાછળ કિચડભરી આ ક્રીકના વધી રહેલાં વ્યૂહાત્મક અને વેપારી મહત્ત્વને અંકે કરવાની સાથોસાથ આ સીમાની સાથે આંતરરાષ્ટ્રીય દરિયાઇ સરહદના સેંકડો કિલોમીટરના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (ખંડીય છાજલી)ના વિસ્તાર પરના પોતાના દાવાને મજબૂત કરવાનું કારણ રહ્યંy હોવાનું છતું થઇ રહ્યંy છે. મંગળવારે પાકિસ્તાને જે નવા નકશા જાહેર કરીને સિરક્રીકની ઉપરનો પોતાનો હક્ક દર્શાવી દીધો છે, તેનાથી આ વિવાદ હવે વધુ ગંભીર સ્વરૂપમાં પહોંચ્યો છે.  આવનારા ગણતરીના દિવસોમાં પાકિસ્તાન તેના આ કહેવાતા એકતરફી નકશાને આધાર બનાવીને સિરક્રીકના ભારત તરફના કાંઠે આવીને બેસી જાય તો બીજું કારગિલ કે સિયાચીન બની જાય એવી તાકીદની ગણતરી મુકાઇ રહી છે. આ સંદર્ભમાં ક્રીક વિસ્તારની સલામતી  વ્યવસ્થા અને તેમાં પણ સિરક્રીકના ભારત તરફના કાંઠે કાયમી જાપ્તા માટે તાબડતોબ નવી વ્યૂહરચના ઘડીને અમલમાં મૂકવાની જરૂરત ઊભી થઇ ગઇ છે. જોકે અમુક વર્તુળો પાકિસ્તાનના આ એકપક્ષીય પગલાંનું મહત્ત્વ ન હોવાનું અને નકશાથી કોઇ ફર્ક નહીં પડે એવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.નવા નકશા જાહેર કરાયા બાદ પાકિસ્તાન તરફથી બુધવારે સત્તાવાર રીતે સંખ્યાબંધ નિવેદનો સામે આવ્યાં છે.  પાકિસ્તાની અખબાર ડોને એક ઉચ્ચ અધિકારીને ટાંકીને કહ્યંy છે કે ભારત સિરક્રીક પર ખોટો દાવો કરીને પાકિસ્તાનના સેંકડો કિલોમીટરના ઇકોનોમિક ઝોન પર પોતાનો દાવો ઊભો કરવા માંગે છે.  આ સંદર્ભમાં પાકિસ્તાને 1914માં સિંધ સરકાર અને કચ્છ રાજ વચ્ચેના ક્રીક સરહદ કરારને ટાંકીને સિરક્રીકના બન્ને કાંઠા તેના હોવાનો દાવો કર્યો છે. ઇકોનોમિક ઝોનના સરવાળા-બાદબાકી  આ વિવાદને અને પાકિસ્તાનના નવા નકશાના સંદર્ભમાં એકસાથે સંખ્યાબંધ સવાલ અને પાસાં જાગી રહ્યાં છે.  આમાં ઇકોનોમિક ઝોનનો મુદ્દો ભારે મહત્ત્વ ધરાવે છે. બે દેશો વચ્ચેની દરિયાઇ સરહદને આગળ સમુદ્રમાં લંબાવીને જે-તે દેશના ઇકોનોમિક ઝોન નક્કી થતા હોય છે.  સિરક્રીક આમ તો ચારેક કિલોમીટર જ પહોળી છે.  પણ જો બે કિલોમીટર ભારત તરફનો કાંઠો પણ પાકિસ્તાનના દાવા મુજબ તેની હકૂમતમાં આવે તો દરિયાઇ ઇકોનોમિક ઝોનમાં સેંકડો   કિલોમીટરનો સરવાળો કે બાદબાકી થઇ જાય. આમ તો સંયુક્ત રાષ્ટ્ર સંઘે 31મી મે 2009 સુધી બધા દેશો તેમની દરિયાઇ સીમા નક્કી કરીને ઇકોનોમિક ઝોન નિર્ધારિત કરી લે તે માટેની સમયમર્યાદા આપી હતી.  ભારત અને પાકિસ્તાને આ મુદ્દાને ઉકેલવા માટે સંયુક્ત સર્વે જેવી કાર્યવાહી પણ હાથ ધરી હતી અને વિવાદના ઉકેલ માટે બન્ને દેશો વચ્ચેની વાટાઘાટોના એજન્ડામાં તેનો સમાવેશ પણ કર્યો હતો. પરંતુ પાકિસ્તાનના આતંકી વલણને લીધે ભારતે દ્વિપક્ષીય વાટાઘાટો સ્થગિત કરી નાખી છે. અત્યાર સુધી એવી ચર્ચા હતી કે બન્ને દેશો સર્વેયર જનરલોના  સંયુક્ત સર્વેમાં ભારતનો દાવો સાચો ઠરી રહ્યો છે, એટલે પાકિસ્તાને આ મુદ્દાને તેને અનુકૂળ એવા 1914ની સંધિના નકશાના આધારે સિરક્રીકને પોતાની બતાવી આપી છે. શું જી પિલરનો વિસ્તાર પાકને માન્ય ?આમ તો સિરક્રીક વિવાદ બે હિસ્સામાં વહેંચાયેલો છે.  બોર્ડર પિલર 1175થી સિરક્રીકના મુખના વિસ્તાર સુધીના 50 કિમીમાં લાગેલા જી પિલરની સરહદ અને તે પછી 49 કિમી લાંબી સિરક્રીક.  નવા નકશાના સંદર્ભમાં પાકિસ્તાને આપેલાં નિવેદનમાં માત્ર સિરક્રીકનો ઉલ્લેખ છે એટલે શક્ય છે કે જી પિલરની સીમા કદાચ તેને માન્ય જણાઇ રહી છે. નકશા અંગેની વિગતો જેમ જેમ સ્પષ્ટ થતી જશે તેમ આ બધી બાબતોનો ફોડ પડશે એવી આશા રાખી શકાય. ચીનનો વધતો પ્રભાવ હજી એક દોઢ દાયકા પહેલાં સિરક્રીક અને તેને સંલગ્ન વિસ્તાર નિર્જન અને બિનઉપજાઉ કાદવભર્યો દરિયાઇ ભરતીથી તરબતર ગણાતો રહ્યો હતો.  પરંતુ પાકિસ્તાન તરફના વિસ્તારમાં ચીને તેલના ક્ષારકામ અને કાંઠાળ વિસ્તારોમાં કોલસાના ખનનના મસમોટા પ્રોજેક્ટ લગાવીને આખાં વ્યૂહાત્મક સમીકરણો પલટાવી નાખ્યાં છે.પાકિસ્તાને આ વિસ્તારના વેપારી અને વ્યૂહાત્મક મહત્ત્વને સમજીને ચીનના હિતોનાં રક્ષણ માટે ક્રીક વિસ્તારની સલામતી વ્યવસ્થા પર ભારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.  સિરક્રીકને સંલગ્ન ઇકબાલ બાજવા બંદર અને કેટી બંદરને દરિયાઇ સલામતીના મથકો તરીકે વિકસાવ્યાં છે, તેની સાથોસાથ મરિન સિક્યુરિટી એજન્સી, પાક મરિન્સ, કોસ્ટગાર્ડ અને રેન્જર્સને જોડીને કોસ્ટલ કમાન્ડની રચના કરી છે.  આમ કરીને વિવિધ દળો વચ્ચે સંકલન વધારવાની નેમ પાકિસ્તાન ધરાવે છે. ભારતીય સજ્જતા પણ વિશેષ 1990ના દાયકા સુધી ક્રીક વિસ્તારમાં કચ્છ પોલીસની સાગર પાંખની બે બોટ અને કસ્ટમની અમુક બોટ પહેરો ભરતી હતી.  પણ સાંવલાપીર સહિતના વિસ્તારોમાં પાકિસ્તાનીઓએ તેમની અવરજવરના નિશાન છોડવાં શરૂ કર્યાં તે પછી આ વિસ્તારની સલામતી વ્યવસ્થા પર ધ્યાન અપાવાનું શરૂ કરાયું હતું.  સીમા દળની સાગરપાંખને કોટેશ્વરમાં સક્રિય બનાવાઇ હતી.  તે સમયે તો શ્રીલંકાના એલટીટીઇ પાસેથી ભારતીય દળોએ કબ્જે લીધેલી ફાઇબરની બોટો સીમા  પેટ્રોલિંગ માટે અપાઇ હતી,  પણ જોતજોતામાં સીમા દળની વોટર વિંગ શક્તિશાળી ફોર્સ તરીકે આકાર પામી હતી.  આજે તરતી ચોકીઓ અને સ્પિડ બોટો ઉપરાંત ફાસ્ટ એટેક ક્રાફટ આ દળને જાપ્તામાં તાકાત આપે છે.  સાથોસાથ કાંઠાળ વિસ્તારમાં ક્રોકોડાઇલ કમાન્ડોના ચુનંદા દળને પણ તૈનાત કરીને કોઇપણ પડકારને પહોંચી વળવાની કમર સીમા દળે કસી છે. સિરક્રીકમાં જોખમ વધુ ભારતીય સીમા દળની સજ્જતા અને બહાદુરીભર્યા જાપ્તા છતાં વિવાદના કેન્દ્ર સમાન સિરક્રીકમાં સલામતીની વ્યવસ્થા જાળવવાનું ભારે પડકારભર્યું બની રહ્યંy છે.  ભૌગોલિક રીતે જોઇએ તો નાની નાની ક્રીકો વાટે સિરક્રીક સુધી પહોંચવા માટે નાની બોટો જ ચાલી શકે તેમ છે.  મધ્યમ કક્ષાના જહાજો કે તરતી ચોકીઓને સિરક્રીકની અંદર લઇ જવા માટે ક્રીકના મુખના ભાગેથી પ્રવેશ કરવો પડતો રહ્યો હોવાનું સામે આવી ચૂક્યું છે. તેમાં પણ સિરક્રીકના મુખના ભાગે પાણીની અંદરના એક મોટા ઢુવાને લીધે ભારતીય બોટોએ મોટો ફેરો લેવો પડતો હોવાનું જોખમ રહે છે.વળી ભારત સિરક્રીક તરફના પોતાના કાંઠે કોઇ કાયમી ચોકીની વ્યવસ્થા કરી શક્યું નથી.  આ માટે તરતી ચોકીનો ઉપયોગ કરાતો રહ્યો છે.  સામા પક્ષે સિરક્રીકની સામે પાકિસ્તાનની બાજુએ ઇકબાલ બાજવા બંદર સાવ નજીક છે, જેના વોચ ટાવર સુદ્ધાંને નરી આંખે જોઇ શકાય તેમ છે.  નવા સંજોગોમાં શું થઇ શકે ? પાકિસ્તાન દ્વારા નવા નકશા બહાર પાડયા બાદ આ વિવાદને ગંભીર સ્વરૂપ મળે એવી અટકળો જાગી રહી છે.  જાણકારોના મતે આ નકશાને આધાર બનાવીને પાકિસ્તાની દળો જો સિરક્રીકના ભારતના કાંઠે આવીને બેસી જાય તો સ્થિતિ ખરા અર્થમાં સ્ફોટક બની જાય તેમ છે.સ્થાનિક જાણકારો સીમા દળની તૈયારીને અને સજ્જતાને ધ્યાનમાં લઇને આવી કોઇ શક્યતા નજીકના ભવિષ્ય જાગે એમ માનતા નથી.  પરંતુ પાકિસ્તાનનું કોઇપણ ઉંબાડિયું આ વિસ્તારની શાંતિને હણી શકે તે શક્યતાને નકારી શકાય તેમ નથી.આવી સ્થિતિમાં ભારત સરકારે કચ્છની વ્યૂહાત્મક ક્રીક સલામતી પર તત્કાળ નવેસરથી મંથન શરૂ કરવાની જરૂરત રહેશે.  આમાં સિરક્રીક વિસ્તારમાં કાયમી થાણું ઊભું કરવા ઉપરાંત સીમા દળનવધુ આધુનિક નૌકાશક્તિ અને માનવશક્તિથી સજ્જ કરવાના પગલાં લેવાં પડશે.આવનારા દિવસોમાં પાકિસ્તાનના વલણની સાથોસાથ ભારતે વળતી કાર્યવાહી માટે સતત સાબદા રહેવું પડશે એ વાત નક્કી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer