ડીપીટીમાં ફરી બે કોરોના કેસ આવતાં કચેરીમાં વ્યાપ્યો હડકંપ

ગાંધીધામ, તા.5 :દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના પ્રશાસનિક ભવનમાં કાર્યરત વધુ બે કર્મચારીને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતાં હડકંપ વ્યાપ્યો છે. ખાસ તો અધ્યક્ષીય કાર્યાલયના બે કર્મચારી સંક્રમિત બનતાં આજે પુન: પ્રશાસનિક ભવનમાં બહારના લોકોને પ્રવેશબંધી કરાઈ હતી.વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અગાઉ માજી લેબર ટ્રસ્ટી સહિત ત્રણ પેન્શનર્સના કોરોનામાં મૃત્યુ થયાં હતા. ત્યારબાદ બે વરિષ્ઠ કર્મચારી સંક્રમિત જણાયા હતા. હવે વધુ બે કર્મચારી સંક્રમિત હોવાનું બહાર આવતાં કચેરીમાં ડરનો માહોલ સર્જાયો છે. જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીને પૂછતાં તેમણે કહ્યું હતું કે, કોરોના સંક્રમણને લઈને આજથી ફરી ડીપીટીના કર્મચારી-અધિકારી સિવાયના લોકોને ડીપીટી ભવનમાં પ્રવેશ અટકાવાયો છે. ગેટ ઉપર જ સેનિટાઈઝિંગ સહિતની પ્રક્રિયા વધુ સઘન બનાવાઈ છે. અલબત્ત તેમણે અધ્યક્ષીય વિભાગના એક કર્મચારી સંક્રમિત હોવાનું ઉમેર્યું હતું.અત્રે નોંધવું જરૂરી છે કે માજી લેબર ટ્રસ્ટી મનોહર બેલાણીનું કોરોનાને લઈને નિધન થયું ત્યારે અનેક ઉચ્ચાધિકારી, પત્રકારો સહિત 14થી 15 જણને હોમ ક્વોરેન્ટાઈન કરાયા હતા. તે વખતે પણ કચેરીમાં ડર પ્રસર્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer