અપૂરતા પગારથી ખાનગી શાળાના શિક્ષકો પરેશાન

અંબર અંજારિયા અને ઉદય અંતાણી દ્વારા-  ભુજ, તા. 5 : આરોગ્યથી માંડીને અર્થવ્યવસ્થા સુધી અનેક ક્ષેત્રો પર અસર કરનાર કોરોના વાયરસના પ્રકોપે શિક્ષણના ક્ષેત્રનેય સંક્રમિત કરી નાખ્યું છે. ખાસ કરીને ખાનગી શાળાઓના શિક્ષકોની અર્થવ્યવસ્થાનું આરોગ્ય બગડયું છે. વાલીઓને ફી ભરવામાં મળી ગયેલી છૂટછાટના કારણે પૂરતાં ભંડોળની અછત વેઠતી સ્વનિર્ભર શાળાઓ પૂરતા પગાર ચૂકવી શકતી નથી. પરિણામે નવું શિક્ષણ સત્ર શરૂ થયું છે ત્યારથી ખાનગી શાળાના શિક્ષકોને આર્થિક મોરચે ભીષણ ભીંસનો સામનો કરવો પડી રહ્યો છે. શાળાઓમાં બાળકોએ ભણવા જવાનું નથી. બાકી ઓનલાઈન ભણાવવાથી માંડીને પ્રવેશ સુધીની પ્રક્રિયાઓ ચાલુ થઈ જ ગઈ છે. સતત વણસી રહેલા કોરોના સંકટને નજર સામે રાખતાં શાળાઓ ફરી ધમધમતી ક્યારે થશે, એ સવાલનો જવાબ તો ભલભલા શિક્ષણવિદ્થી માંડીને સરકાર સુધી કોઈ પાસે આજની તારીખે તો નથી જ. આમ ખાનગી શાળાના શિક્ષકોને હજુ કેટલો સમય આર્થિક સંકડામણ ભોગવવી પડશે, તે સવાલનો જવાબ મળવો પણ મુશ્કેલ દેખાય છે. કોરોનાના કપરાકાળ વચ્ચેય `ઓનલાઈન ભણતર'ની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ત્યારે સમજુ અને સદ્ધર વાલી સમુદાયે સમજવું પડશે કે `શાળાઓ બંધ છે, શિક્ષણ નહીં'. તમારું બાળક સામાન્ય દિવસોમાં શાળાના બાંકડા પર બેસીને ભણતું હતું, જ્યારે આજે ઘરના પલંગ કે ખુરશી પર બેસીને ભણે છે. બેસવાનું બદલ્યું છે, ભણવાનું નહીં. અનેક ખાનગી શાળાઓ એવી છે, જેમાં પૂરતાં ફંડના અભાવે અપૂરતો, અધૂરો, અડધો પગાર શિક્ષકોને ચૂકવાય છે. તો કેટલીક આર્થિક સંઘર્ષ કરતી નાની ખાનગી શિક્ષણ સંસ્થાઓ ઈચ્છાશક્તિ  હોવા છતાં આર્થિક શક્તિ નહીં હોવાથી આખે આખો પગાર ચૂકવી જ નથી શકતી, તો કેટલીક શાળાઓએ શિક્ષકોને છુટા કરી નાખ્યા હોવાના કિસ્સા પણ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. કાળઝાળ મોંઘવારીના સમયમાં પહેલાંથી જ સામાન્ય પગારમાં ગુજરાન ચલાવતા મધ્યમવર્ગના શિક્ષકને અડધો પગાર મળે તેવી વિકટ સ્થિતિમાં ઘરમાં રાશન ભરવું, લાઈટબિલ ભરવું કે ભાડું ભરવું તેની વિડંબણા વ્યથિત કરી દેનારી હોય છે. ભુજની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના આચાર્ય ફાધર જોબી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ફી પૂરી આવતી નહીં હોવાથી અત્યારે તો શિક્ષકોને અડધો, પ0 ટકા પગાર આપી શકાય છે.ભુજની સંસ્કાર સ્કૂલના સૂત્રધાર તેમજ પ્રયોગશીલ કેળવણીકાર કિરીટ કારિયા કહે છે કે, ખાનગી શાળાઓ આર્થિક ભીંસમાં છે. સામાન્ય દિવસોમાં શિક્ષણસત્ર શરૂ થયા પછી આવવા માંડતો હોય છે, તે ફીના પ્રવાહમાં મોટી ઓટ આવી છે. અમે ફી વધારો પણ નથી કર્યો અને ખાસ `કોવિડ-19 ફ્રી સ્ટ્રકચર' એટલે કે કોરોનાકાળની કપરી સ્થિતિ ધ્યાને લેતાં સરળ ફીના માળખાં હેઠળ સમાન માસિક હપ્તાની સુવિધા પણ કરી આપી છે, છતાં માંડ 2પ ટકા જેટલી જ ફી આવી શકી છે. આમ ફી પૂરતા પ્રમાણમાં આવી ન હોવાથી આર્થિક અવરોધોના કારણે અત્યારે શિક્ષકોને પ0 ટકા પગાર જ આપી શકાય છે, છતાં શિક્ષકો સહકાર આપી રહ્યા છે. જો કે, હાઇકોર્ટના નિરીક્ષણ પછી રાજ્ય સરકારે પરિપત્ર?જારી કરીને ખાનગી શાળાઓને ફી લેવા  મનાઇ?ફરમાવી છે. આ મામલો હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. અલબત્ત, શાળાઓએ ફી માગી હતી ત્યારે આર્થિક સક્ષમ વાલીઓ પણ?આગળ આવ્યા નહોતા. શિક્ષણવિદો્ એવો મત વ્યક્ત કરે છે કે, સરકારે અન્ય ક્ષેત્રોની જેમ જ શિક્ષણનાં ક્ષેત્ર માટે પણ બહારથી આવીને કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ધમધમતા ધીકતા ઉદ્યોગગૃહોની મદદ મેળવીનેય ખાસ પેકેજ આપવું જોઈએ, જેથી શાળાઓ બંધ રખાઈ હોવા છતાં શિક્ષણ ચાલુ રાખનાર શિક્ષકોને આર્થિક પીઠબળ પૂરું પાડી શકાય તેવાં સૂચનો પણ શિક્ષણવિદ્ જગત કરી રહ્યું છે. ઘણી શાળાઓ તો એવી છે કે, વાલીઓ વીતેલાં શિક્ષણસત્રની ફી પણ નથી ભરી ગયા. ઉપરાંત કોરોના, લોકડાઉન અને હવે તો અનલોકમાંયે શાળાઓને તાળાંના બહાના તળે ખાનગી શાળાઓમાં પ્રવેશની ટકાવારી ઘટી ગઈ છે. કોરોનાનો છેડો હજુ ક્યારે આવશે તે પ્રશ્નનો જવાબ મેળવવો મુશ્કેલ છે, ત્યારે વાલીઓના વલણમાં બદલાવ નહીં આવે તો ખાનગી શાળાઓના શિક્ષકોના અર્થતંત્રની સાથોસાથ વિદ્યાર્થીઓના અભ્યાસનું આરોગ્ય પણ બગડી જાય તેવી ભીતિ નકારી શકાય નહીં. ગાંધીધામ આદિપુરમાં સીબીએસઈ અને ગુજરાત બોર્ડ સાથે સંકળાયેલી 45થી વધુ ખાનગી શાળાઓ આવેલી છે. પ્રત્યેક શાળામાં ઓછામાં ઓછા 80 કે તેથી વધુ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તેમનો પગારનો ખર્ચ લાખોમાં પહોંચે છે. હાલ જૂન મહિનાથી સત્ર તો ચાલુ જ છે, જેથી શિક્ષકોનું ઓનલાઈન અભ્યાસ કરાવવાનું તો ચાલુ છે. ગાંધીધામની અનેક ખાનગી શાળાઓએ પગારમાં  કાપ મૂકયો છે. સંચાલકો પગાર ચૂકવવામાં અને શિક્ષકો ઘર ચલાવવામાં કફોડી સ્થિતિમાં મુકાયા છે. ગાંધીધામની ડીએવી સ્કૂલના સંચાલક વાચોનિધિ આર્યના જણાવ્યા પ્રમાણે સરકારે મનાઇ ફરમાવી તે પૂર્વે શાળામાં અભ્યાસ કરતા કુલ વિદ્યાર્થીઓ પૈકી 10થી 15 ટકા વિદ્યાર્થીઓની જ ફી આવી હતી. હાલ શિક્ષકોને ટ્રસ્ટના ફંડમાંથી 50 ટકા પગાર ચૂકવતા હોવાનું જણાવી જ્યારે ફી આવશે ત્યારે બાકીનો પગાર ચૂકવવામાં આવશે. ગાંધીધામની પી. એન. અમરશી સ્કૂલના ગુલશન ભટ્ટનાગર અને પુર્ણેન્દુ બી. અંતાણીએ પ્રાથમિક શાળાના 1200માંથી 110 વિદ્યાર્થીઓની અને માધ્યમિકના 550 પૈકી 150 વિદ્યાર્થીઓની જ ફી આવી છે. પરંતુ શાળાના 68 શિક્ષકો  સહિત 97 જેટલા કર્મચારીઓનો પગાર હજુ સુધી કાપવામાં આવ્યો નથી. 100 ટકા પગાર ચૂકવવામાં આવ્યો છે.  વાયરસ સાથે જ જીવવાની આદત રાખવી પડશે. ફી ન આવવાની સમસ્યા નિવારવા શાળાઓ ચાલુ કરવી એ એક માત્ર ઉપાય હોવાનું કહ્યું હતું. સરકારે 33 ટકા વિદ્યાર્થીઓ સાથે ત્રણ પાળીમાં શિક્ષણકાર્ય શરૂ કરવાની મંજૂરી આપવી જોઈએ તેવું કહ્યું હતું. હાલ શાળાઓ બંધ હોવાથી વિદ્યાર્થીઓના માનસ ઉપર પણ નકારાત્મક અસર થાય છે તે  સમસ્યા પણ નિવારી શકાશે.ગાંધીધામની એકેડેમિક હાઈટ્સ સ્કૂલના સંચાલક લલિત વિધાણીએ પણ ફી ભરાતી ન હોવાના કારણે હાલ શિક્ષકોને 50 ટકા પગાર આપતા હોવાનું અને જ્યારે ફી આવશે ત્યારે  બાકીની રકમ ચૂકવવા ખાતરી આપી હોવાનું કહ્યું હતું. પરંતુ  જો આમ જ ચાલ્યું તો હવે પછીના દિવસો કપરા હશે તેવી ભીતિ વ્યક્ત કરી હતી. આદિપુરમાં 130 વિદ્યાર્થીને નિ:શુલ્ક અભ્યાસ કરાવતી લર્નર્સ એકેડેમીના કનૈયાલાલ ભાવનાનીએ ગત વર્ષની પણ  અને આ વર્ષની માત્ર એક ટકો જ ફી આવી હોવાનું હ્યું હતું. લોકડાઉનના સમયગાળામાં મે મહિના સુધી પૂરો પગાર આપ્યો હોવાનું, આ વખતે પ0 ટકા પગાર આપ્યો હોવાનું તેમણે કહ્યું હતું. જ્યારે ગાંધીધામની સાધુ વાસવાણી સ્કૂલના ટ્રસ્ટી રાજુ ચંદનાનીએ સંકટ સમયે ફંડ ઊભું કરવા માત્ર શિક્ષકોનો એક દિવસનો પગાર કાપ્યો હોવાનું  કહ્યંy હતું. બાકી પૂરો પગાર આપવામાં આવ્યો છે. શાળાના અગાઉના સેમેસ્ટરની પણ ફી બાકી હોવાનું તેમણે કહ્યું હતું. અંજાર એજ્યુકેશન સોસાયટીના ડો. શિલ્પા ભટ્ટે 2600 વિદ્યાર્થી પૈકી માત્ર 57 વિદ્યાર્થીની ફી આવી હોવાનું જણાવી શિક્ષકોની સહમતીથી જ પગાર કાપ્યો હોવાનું કહ્યું હતું. જો કે નાના કર્મચારીઓને પૂરો પગાર ચૂકવાયો હોવાનું કહ્યંy હતું.  મંડળ દ્વારા વાલીઓને ફી ભરવા માટે કહેવામાં જ ન આવ્યું  હોવાનું અને નવાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓના વાલીને માત્ર એક હજાર ભરવા કહેવામાં આવ્યું છે.  ફી આવ્યે બાકી પગાર પણ ચૂકવી દેવાશે. હાલ હોટલો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે ચાલુ છે ત્યારે શાળાઓ શું કામ ચાલુ ન કરાય તેવો સવાલ ઉઠાવી  ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળા ખોલવાની મંજૂરી આપવી  જોઈએ. અભ્યાસક્રમ રૂબરૂમાં પણ પૂરો કરવામાં તકલીફ પડે છે. ગણિત જેવા વિષયો ઓનલાઈન ભણાવવામાં અનેક મુશ્કેલીઓ હોવાનું તેમણે કહ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer