રામમંદિર માટે કચ્છી આશ્રમે 25 લાખ આપ્યા

ભુજ, તા. 5 : આજે અયોધ્યામાં 500 વર્ષની પરિકલ્પના પૂર્ણ થઈ રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય રામમંદિરનો શિલાન્યાસ થતાં આજનો આનંદ ન માત્ર અવધનો પણ સમગ્ર ભારતનો છે. ત્યારે આ આનંદના અવસરમાં કચ્છ કેમ બાકાત રહે એવું જણાવીને કચ્છી સંત હરિદાસજી મહારાજે કચ્છી લાલ રામેશ્વર આશ્રમ હરિદ્વાર તરફથી રામ મંદિર નિર્માણ કાર્યમાં રૂા. 25 લાખ મોકલ્યા હતા. હરિદાસજી મહારાજના ગુરુ બ્રહ્મલીન સંત વાલરામજી મહારાજની ઈચ્છા હતી કે અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળે ભવ્ય રામમંદિર બને પરંતુ સ્થિતિ અનુકૂળ ન બનતાં તેમણે વાંઢાયમાં એ સમયે અયોધ્યા જેવાં જ રામંદિરની પ્રતિકૃતિનું નિર્માણ કર્યું હતું. 1993માં મંદિર નિર્માણ બાદ તેઓ બ્રહ્મલીન થતાં હવે જ્યારે આજે અયોધ્યામાં વાલરામજી મહારાજની ઈચ્છા પૂર્ણ થાય છે. ત્યારે તેમના તરફથી  કચ્છી આશ્રમ સંસ્થાએ યોગદાન આપી રૂા. 25 લાખ આર.ટી.જી.એસ.થી રામજન્મભૂમિ અયોધ્યા નિર્માણ ફંડમાં જમા કરાવવામાં  આવ્યા હતા.હરિદાસજી મહારાજે જણાવ્યું હતું કે, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું મંદિર બને તેવી સમગ્ર દેશવાસીઓની લાગણીનો આજે જ્યારે પડઘો પડયો છે. ત્યારે કચ્છી સંસ્થાએ પણ પોતાનો ફાળો આપીને રામમંદિર નિર્માણમાં ભાગીદાર બનવાનો પ્રયાસ કર્યો છે. તો વડાપ્રધાન શ્રી મોદીએ હિન્દુ ધર્મના ચારેય ધામને જોડતી સડક નિર્માણનું કામ શરૂ કર્યું છે. લાખો શ્રદ્ધાળુઓ આ માર્ગ પરથી પસાર થઈને ચારધામ જવાના છે.ત્યારે બદ્રીનાથ મંદિર ઉત્તરાખંડ નવ નિર્માણ માટે ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ  બોર્ડને રૂા. 25 લાખ કચ્છી આશ્રમ તરફથી અર્પણ કરવામાં આવ્યા હતા.આમ આજે કચ્છી લાલ રામેશ્વર આશ્રમ અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર તરફથી રૂા. 50 લાખનું દાન આપીને સંકલ્પ પૂર્ણ કરવામાં આવ્યો હોવાનું સંસ્થાના મોવડી પઠાઈભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer