ભુજમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે છેડછાડ કરનાર અસ્થિર મગજનો યુવાન

ભુજ, તા. 5 : શહેરના હમીરસર કિનારે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમા સાથે અવાર-નવાર થતી છેડછાડના પગલે નગરપાલિકાએ આ અંગે પોલીસ તંત્રનું ધ્યાન દોર્યું હતું. તે સમયે `કચ્છમિત્ર'એ પણ નેત્રમની ત્રીજી આંખના ઉપયોગથી આવા તત્ત્વોના મૂળ સુધી પહોંચવા દિશાનિર્દેશ આપ્યા બાદ અંતે નેત્રમના સીસીટીવી કેમેરામાં અસ્થિર મગજનો યુવાન ગાંધીજીની પ્રતિમા સાથે છેડછાડ કરતો હોવાનું દેખાયો છે. સેફ એન્ડ સિક્યોર ગુજરાત યોજના અંતર્ગત ભુજ શહેરમાં 19 જગ્યાએ 209 જેટલા સીસીટીવી કેમેરા વિવિધ માર્ગો પર ગોઠવાયા છે. જિલ્લા ટ્રાફિક પોલીસ સ્ટેશનના પટાંગણમાં આ સીસીટીવી કેમેરાના કન્ટ્રોલરૂમ નેત્રમ દ્વારા 24 કલાક નજર રખાઈ રહી છે. આ કેમેરાઓ મારફત ઈ-ચલણની કાર્યવાહી ઉપરાંત શહેરની સુરક્ષા વધુ શક્તિશાળી બનાવાઈ છે. થોડા દિવસો પૂર્વે રાત્રિના સમયે ઘરે જઈ રહેલા વેપારી પાસેથી રૂપિયા 10 લાખની રોકડ લૂંટના બનાવમાં આરોપી સુધી પહોંચવામાં તેમજ તાજેતરમાં પોલીસને ચકમો આપી જી.કે. જનરલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ નાસી ગયેલા દર્દીને ઝડપવામાં સીસીટીવી કેમેરાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હમીરસર કિનારે ગાંધીજીની પ્રતિમા સાથે અવારનવાર થતી છેડછાડ નુકસાનની પ્રવૃત્તિથી શહેરીજનો નારાજ હતા ત્યારે આ અંગે નગરપાલિકાએ પોલીસને તપાસ અંગે જણાવતાં અંતે `નેત્રમ'માં માનસિક રીતે અસ્થિર મગજનો યુવાન છેડછાડ કરતો દેખાયો હોવાનું સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer