મોટી ખેડોઇ પાસે કંપનીમાં ઘૂસી જઇ ચાર જણે કરી ધાકધમકી

ગાંધીધામ, તા. 5 : અંજાર તાલુકાના મોટી ખેડોઇ નજીક એક ખાનગી કંપનીમાં ઘૂસી ધાકધમકી કરતા ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. બીજી બાજુ ગાંધીધામનાં નવી સુંદરપુરીમાં એક શખ્સે પોતાની પત્ની અને દીકરા ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો. ખેડોઇ નજીક આવેલી માન કંપનીમાં ગત તા. 29-7ના આ બનાવ બન્યો હતો. કંપનીના સુરક્ષા અધિકારી બલકારસિંઘ દિલીપસિંઘ નાંગરા ગેટ ઉપર હતા ત્યારે ગામના અશ્વિનસિંહ વીરસિંહ જાડેજા, રવિરાજસિંહ સુરૂભા જાડેજા, રવીન્દ્રસિંહ લગધીરસિંહ ઝાલા અને મયૂરસિંહ ઝાલા ત્યાં આવ્યા હતા. તેઓ કંપનીની બાજુમાં અમારું ખેતર છે. અમારે માપણી કરવાની છે તેમ કહી કંપનીમાં ઘૂસી ગયા હતા. આ લોકોએ કંપની બંધ કરવાની ધમકી આપી કુલિંગ ટાવર બંધ કરી કંપનીમાં થાંભલા ખોડી બાઉન્ડ્રી બનાવી નાખી હતી. આ બનાવમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બીજી બાજુ ગાંધીધામ નવી સુંદરપુરી શંકર વસ્તુ ભંડાર પાસે મારામારીનો બનાવ બન્યો હતો. લીલાબેન મણકા (સંઘાર) પોતાના ઘરે આવતા ત્યારે તેમનો પતિ રાજેશ દેવા મણકા ત્યાં આવ્યો હતો. આ શખ્સે પોતાના દીકરા પ્રિન્સ (ઉ.વ. 13)ને ફોન કર્યો હતો ત્યારે બન્ને પિતા -પુત્ર વચ્ચે બોલાચાલી થઇ હતી. તે વાતનું મન દુ:ખ રાખી આ શખ્સ પોતાના દીકરા પ્રિન્સને ધોકાથી માર મારવા લાગ્યો હતો. દરમ્યાન લીલાબેન વચ્ચે પડતાં આ શખ્સે તેમને પણ માર માર્યો હતો. મારામારીના આ બનાવમાં મહિલાને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer