અબડાસાના રોયલ્ટી ચોરીના ત્રણ આરોપીને આગોતરા તથા અન્ય ત્રણને નિયમિત જામીન
નલિયા, તા. 5 : રોયલ્ટી ચોરીના અલગ-અલગ ત્રણ કેસમાં 3 આરોપીને આગોતરા જ્યારે 3 આરોપીઓને નિયમિત જામીન ભુજ સેસન્સ કોર્ટ મંજૂર કર્યા હતા.રાયધણઝરના બે સર્વે નંબરમાંથી 5519.34 મેટ્રીક ટન જેની કિંમત રૂા.29,37,432 બેન્ટોનાઇટની ખનિજ ચોરી તેમજ માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ એકટ તેમજ ગુજરાત ખનિજ અને સંગ્રહ નિવારણની કમલ હેઠલ ખેરૂનીસા હાજી હાલેપોત્રાનાં આગોતરા જામીન ભુજ સેસન્સ કોર્ટે મંજૂર કર્યા છે. અન્ય એક રોયલ્ટી ચોરીના કેસમાં રાયધણજર ગામની જમીનમાંથી 426.3 મેટ્રીક ટન તેમજ સર્વે નં. 100/1વાળી જમીનમાંથી 480.62 મેટ્રીક ટન બેન્ટોનાઇટના જથ્થાની કિંમત રૂા. 8,82,701નો સંગ્રહ કરી ખનિજ ચોરી કરેલી હોવાની હકીકત જણાઇ આવતાં ગફુર હુશેન હાજી પઢિયાર (રે.નુંધાતડ), હનીફ જાકબ પઢિયાર (રહે. નુંધાતડ) વિરુદ્ધ ગુના નોંધાયો હતો. તેમના માટે ભુજ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી દાખલ કરતા છઠ્ઠા અધિક સેશન્સ જજે આગોતરા જામીન અરજી મંજૂર કરી હતી. જ્યારે એ જ કેસમાં તારાચંદ મૂળજી મહેશ્વરી (રાયધણજર), ઇમરાન સિધિક બાફણ (નુંધાતડ અને અકબર સિધિક બાફણ (નુંધાતડ)ની પોલીસે અટક કરી નલિયા કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જામની નામંજૂર કર્યા હતા. અરજદારોએ ભુજ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતાં છઠ્ઠા સેસન્સ જજે ત્રણેય આરોપીઓનાં જામની મંજૂર કર્યા હતા. અરજદારો વતી એડવોકેટ લાલજી એલ. કટુઆ અને એસ.એમ. ખન્ના હાજર રહ્યા હતા.