વાગડમાં ગરીબો અને જરૂરતમંદ લોકોને રાશનની કિટ વિતરિત કરાઇ

રાપર, તા. 5 : ભચાઉ અને રાપર તાલુકાના ગામોને સમાવતા પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં રોજનું કમાઇને રોજનું ખાનારા અને અતિજરૂરતમંદ એવા લોકોને અત્રેના જીવદયા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાશનની કિટનું વિતરણ કરાયું હતું, તો કોરોના મહામારી સામેની લડત માટેના પ્રથમ શત્ર એવા માસ્ક પણ વિતરિત કરાયા હતા. ટ્રસ્ટની એક યાદી મુજબ લોકડાઉન અને કોરોના મહામારી થકી સર્જાયેલી સ્થિતિમાં અનેક લોકોના ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે. વાગડ વિસ્તારમાં ઘણા પરિવારો એવા છે કે જેઓ રોજનું કમાય છે અને રોજનું ખાય છે. આવા લોકોની સ્થિતિને કેન્દ્રમાં રાખીને તેમને મદદ કરવા સાથે ઉપયોગી બનવાની ભાવના સાથે ટ્રસ્ટે આ સેવાકાર્ય હાથ ધર્યું હતું. ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ મામલતદાર પાસેથી પાસ મેળવી રાશનકિટ વિતરણ કાર્ય કર્યું હતું. પાંચ વ્યકિતના પરિવારને 15થી 17 દિવસ ચાલે તેટલા રાશનની 150 કિટ લાભાર્થીના ઘરોઘર જઇને વિતરિત કરાઇ હતી. રાપર નગરના છેવાડાના વિસ્તારો ઉપરાંત નંદાસર, રવ નાની, રવ મોટી, રવેચીનગર, દેશલપર, બાલાસર, જાટાવાડા, બેલા, શિવગઢ, ફતેગઢ, ખાંડેક, મોમાયમોરા, હમીરપર, આડેસર સહિતના ગામોના લાભાર્થીઓને આ સેવાકાર્ય તળે આવરી લેવાયા હતા. દરમ્યાન બેન્કના કામકાજ માટે રાપર આવેલા લોકોને 200 માસ્કનું પણ વિતરણ કરાયું હતું. તો ટ્રસ્ટે જે-જે ગામમાં કિટ વિતરણ કરી તે ગામોમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ દ્વારા અશોકભાઇ ચૈહાણની રાહબરી તળે પણ કિટ પહોંચી હતી. કિટ વિતરણના સમયે ગ્રામ્ય વિસ્તારના લોકોએ માજી ધારાસભ્ય પંકજભાઇ મહેતાની સેવાઓ પણ યાદ કરી હતી, તો વાગડમાં હજુયે રાશનકિટની જરૂરત હોઇ સંસ્થાઓ અને દાતાઓને આ માટે આગળ આવવા ટ્રસ્ટે અપીલ કરી હતી. વિતરણ સહિતનાં કાર્યમાં  ટ્રસ્ટના પ્રમુખ હરેશકુમાર રાઠોડ, ઉપપ્રમુખ રાજાભાઇ સોલંકી, મહામંત્રી સુનીલગિરિ ગુંસાઇ, આંબાભાઇ મકવાણા, દિનેશભાઇ એન. ચૈહાણ, દિનેશભાઇ એન. મકવાણા વગેરે જોડાયા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer