બન્નીનું સીમાંકન મોટા વહીવટી બદલાવ તરફ દોરી જશે

બન્નીનું સીમાંકન મોટા વહીવટી બદલાવ તરફ દોરી જશે
રમેશ ભટ્ટી દ્વારા-  ભુજ, તા. 3 : 19પપમાં બન્નીને રક્ષિત જંગલનો દરજ્જોઁ મળ્યા પછી, આખરે સીત્તેર વરસ પછી બન્નીની હદોની આકારણી એટલે કે સીમાંકન કરવામાં આવ્યું છે. બન્ની માલધારી સંગઠન દ્વારા બન્નીમાં બેફામ રીતે ફૂટી નીકળેલાં ગેરકાયદેસર દબાણોને હટાવવા માટેની દાદ માગતી અરજી નેશનલ ગ્રિન ટ્રિબ્યુનલમાં કરાતાં દબાણો માટેની વિવાદિત જગ્યાનું ક્ષેત્રફળ અને હદો નક્કી કરવાનું અનિવાર્ય લાગ્યું અને રાજ્ય સરકારને ચાર મહિનાના સમયમાં સીમાંકન પૂરું કરી પાકાં હદ-નિશાન (પિલર) લગાવવાનો ટ્રિબ્યુનલે આદેશ કરતાં છેવટે હવે બન્નીની હદો અને સીમાછેડાઓ જમીન પર લાગી ચૂક્યા છે. સીમાંકનનો અહેવાલ રાજ્ય સરકાર દ્વારા ટ્રિબ્યુનલમાં રજૂ કરી દેવામાં આવ્યો છે. આ સમગ્ર સીમાંકન પ્રક્રિયા ભવિષ્યમાં મોટા વહીવટી બદલાવો તરફ દોરી જશે, જે સ્થાનિક લોકો માટે હકારાત્મક અને નકારાત્મક બન્ને પ્રકારની દુરોગામી અસરો ઊભી કરશે. આ સીમાંકનની અસર જોઇએ તો પહેલાં, બન્નીનો સર્વે થયો ન હોવાથી અને તેની હદો અને સીમાઓ નક્કી ન હોવાથી બન્નીની ઓનરશિપ લેવા માટે કે કાયદેસરનો કબ્જો પોતાના હસ્તક લેવા માટે વન વિભાગ દ્વારા આનાકાની કરવામાં આવતી હતી. ઉપરાંત બન્નીના 47 ગામ દ્વારા રજૂ કરાયેલા સામુદાયિક વન અધિકારના દાવાઓ કાયદાકીય રીતે મંજૂર થઈ જવા છતાં તેના ટાઈટલ આપવા માટે અધિકાર પત્રમાં સહી કરવા માટે બન્નીનો કબ્જો તેમની પાસે નથી તેવાં કારણસર વન વિભાગે પ્રક્રિયાને અટકાવી રાખી છે. હવે સીમાંકન થઈ જતાં વન વિભાગે બન્નીનો વિધિવત કબ્જો પોતાના હસ્તક લેવો પડશે અને વિલંબિત 47 દાવાઓના ટાઈટલ આપવા અધિકારપત્રમાં સહી કરવા માટે પણ જવાબદાર બનશે. ડીમાર્કેશનના હુકમથી ટ્રિબ્યુનલ વાસ્તવમાં એ જાણવા માગતી હતી કે, ખેતીના દબાણો કે જે નોન ફોરેસ્ટ એક્ટિવિટી થઈ છે, એ ખરેખર રક્ષિત વન ક્ષેત્રની હદની અંદર થઈ છે, કે પછી હદની બહાર થઈ છે. રાજ્ય સરકાર ડી.આઈ.એલ.આર. દ્વારા લગાવયેલ પિલરોથી હવે હદો નક્કી થઈ ગઈ છે. બન્નીમાં કુલ 7ર3 થાંભલા લગાવવામાં આવ્યા છે, દરેક પિલર વચ્ચે પ00 મીટરનું અંતર રાખવામાં આવેલું છે, આમ આ થાંભલાની અંદરની તરફ જે પણ જમીનનો ભાગ આવ્યો તે રક્ષિત જંગલનો ભાગ બની ગયો અને તેની અંદર જે પણ ખેતી કે દબાણો થયાં છે, તે હવે સ્પષ્ટ રીતે રક્ષિત જંગલની અંદર થયેલું અતિક્રમણ કે નોનફોરેસ્ટ એક્ટિવિટી તરીકે સાબિત કરી શકાશે. આમ ડિસ્ટ્રીક્ટ લેન્ડ રેકોર્ડ ડીપાર્ટમેન્ટ દ્વારા આકારણીથી થયેલા બન્નીના કુલ ર754 ચો.કિ.મી. ક્ષેત્રફળમાં આવેલાં ખેતીના દબાણો ગેરકાયદેસર અને નોન ફોરેસ્ટ એક્ટિવિટી તરીકે અલગ તરી આવતાં તે તમામ દબાણોને દૂર કરવા માટે ટ્રિબ્યુનલ આદેશ આપી શકે, જેથી આ તમામ દબાણો દૂર કરવા વહીવટીતંત્રે બહુ મોટી કાર્યવાહી કરવી પડે તેવી સંભાવના ઊભી થશે. જો આમ થશે તો એ બન્નીને એક બહુ જ મોટા બદલાવ તરફ લઈ જશે. આ ઉપરાંત બન્નીની નવી સીમાંકનની પ્રક્રિયામાં બે થી ત્રણ જગ્યાએ બહુ મહત્ત્વનો અને ભવિષ્યના દૃષ્ટિકોણથી આર્થિક મહત્ત્વ ધરાવતી જમીનનો ભાગ બન્નીમાંથી કપાત કરી નાખવામાં આવેલો છે. 19પપમાં બન્નીને રક્ષિત જંગલ જાહેર કરવા માટે જે નોટિફિકેશન બહાર પડવામાં આવ્યું હતું અને તેમાં જે ચતુર્દિશાઓ આપવામાં આવી હતી, જે ચતુર્દિશા મુજબના નકશાને જ અત્યાર સુધી બન્નીનો કાયદેસરનો નકશો ગણવામાં આવતો હતો, તે મૂળ નકશા પૈકીની આશરે 1પ1 ચોરસ કિલોમીટર જમીન કપાત કરી નાખવામાં આવી છે. સૌથી મહત્ત્વની કપાત ધોરડો પંચાયતની મૂળ હદમાં આવેલી ઉત્તરાદી સીમની જમીનમાં કરવામાં આવી છે. બન્ની સીમાંકનના પિલર નંબર 49પથી પ18 વચ્ચેની આશરે ર400 (બે હજાર ચારસો) હેક્ટર જેટલી જમીન બન્ની અને વાસ્તવમાં ધોરડો પંચાયતની હદમાંથી કપાત કરી નાખવામાં આવી છે. આમ, એક અગત્યનું ઉદ્યોગગૃહ, રણોત્સવ, રજવાડી ભૂંગાં, તોરણ રિસોર્ટ હવે ધોરડો (બન્ની) ની હદથી બહાર થઈ ગયેલાં છે. જેની ઘણી મહત્ત્વની વહીવટી અસરો ભવિષ્યમાં થઈ શકે તેમ છે. સૌથી મહત્ત્વની અસર રણોત્સવ જ્યાં થાય છે એ ધોરડો પંચાયતની હદમાં થઈ છે, રણોત્સવ જ્યાં ઉજવાય છે એ આખો વિસ્તાર હવે બે ભાગમાં વહેંચાઈ ગયો છે, ગેટવે, ટેન્ટસિટી અને હસ્તકળા બજાર ધોરડો પંચાયત એટલે કે બન્નીની હદમાં રહેલાં છે, જ્યારે  અત્યાર સુધી ધોરડો પંચાયતની હદમાં આવતાં રજવાડી રિસોર્ટ, તોરલ રિસોર્ટ અને તેનાથી પણ આગળ બે કિ.મી. જેટલી જમીન ધોરડો પંચાયતની હદમાં સમાવેશ થયેલી હતી, જે હવે પિલરો લાગતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે, આ વિસ્તાર હવે બન્ની અને ધોરડો પંચાયતની હદમાંથી બાદ કરી નાખવામાં આવેલો છે. આ ખૂબ જ અગત્યની અને કદાચ સ્થાનિક લોકોના ધ્યાન બહાર રહી ગઈ હોય એવી બાબત છે. આ બાબતે બન્ની સ્થાનિક લોકો અને ધોરડો પંચાયતના આગેવાનોએ વન અને મહેસૂલી કાયદાના નિષ્ણાતોની કાનૂની સલાહ અને માર્ગદર્શન લેવાં જોઈએ.માહિતગાર સાધનોના જણાવ્યા અનુસાર ખાસ કરીને બન્નીના ઉત્તર ભાગે જ્યાં બન્ની અને રણ ભેગાં થાય છે, એવાં રણને અડીને આવેલો હાજીપીરથી ખાવડા સુધીનો ભાગ રણ આધારિત ઔદ્યોગિક એકમો માટે ખૂબ આર્થિક મહત્ત્વનો જમીની ભાગ ગણાય છે. આ વિસ્તારમાં કેટલાક ઔદ્યોગિક એકમો પણ સ્થપાયા છે, જેમાં ભૂતકાળમાં કાયદાકીય દાવાઓ પણ થયા છે. 19પપના નકશા મુજબ બન્નીની હદમાં આવેલો મૂળ બન્નીનો કેટલોક મહત્ત્વનો ભાગ કાયદાકીય વિવાદો ખતમ કરવા માટે ખૂબ જ સાવકાઈ પૂર્વક બન્નીની હદમાંથી બાકાત કરી નાખવામાં આવેલો છે અને વહીવટી તંત્ર દ્વારા ડીમાર્કેશનની પ્રક્રિયા દ્વારા જાણે એક જ તીરથી બે નિશાન સાધ્યાં છે અને બે અલગ અલગ ઉદ્શ્યેને પાર પાડવામાં આવેલા છે. આ વિસ્તાર પર્યાવરણીય દૃષ્ટિએ અગત્યનો કોરિડોર હોઈ ખરેખર આ વિસ્તારને રણ અને બન્ની વચ્ચે બફરઝોન તરીકે રાખવો જોઈએ, પરંતુ ભવિષ્યમાં આ આખા વિસ્તારમાં પવનચક્કીના પાંખડાં લહેરાતાં જોવા મળે તો નવાઈ નહીં. બન્નીની દક્ષિણે ડીમાર્કેશનની કાર્યવાહીથી એક ખૂબ જ મહત્ત્વનું કહી શકાય તેવું પરિણામ જોવા મળ્યું છે. બન્નીના દક્ષિણ છેડે, છેક ભચાઉ તાલુકાના બાનિયારી ગામથી લઈને લખપતના નરા સુધીના વિસ્તારમાં આવતાં મહત્ત્વના ગામો જેવાં કે ઢોરી, સુમરાસર, નિરોણા, બિબ્બર, વંગ, ખારડિયા, ડાડોર, ફુલાય વિગેરે ગામના સ્થાનિક લોકો ઘણા વરસોથી બન્નીમાં એ ગામોની હદથી અંદર બન્નીના સીમાછેડા લાગેલા ન હોવાથી `સબ ભૂમિ ગોપાલ કી' સમજીને બન્નીની હદમાં બે થી ત્રણ કિ.મી. સુધી અંદર તરફ જમીનો વાળીને ખેતી કરતા હતા. હવે બન્નીનું ડીમાર્કેશન થઈ જતાં અને પાકા હદબાણ (ખુંટા)ઓ લાગી જતાં આવા ખુંટાઓની અંદર તરફ આવેલાં તમામ દબાણો ગેર-કાયદેસર ઠરશે અને તેમાં ખેતી કરતા દબાણકારોએ આવી રક્ષિત જંગલની જમીન પર પોતાની જમીન સમજીને જે કબ્જો જમાવેલો હતો તે છોડી દેવો પડશે અને આ રીતે બન્ની જેવા ખૂબ અગત્યના ઘાસિયા પ્રદેશની ખૂબ જ મોટી જમીન દબાણોમાંથી મુક્ત થશે અને પુન: ઘાસિયા જમીન તરીકે વિકસિત કરવા અવસર મળશે.બન્ની લાખાબો ગામ નજીક આવેલા ઝીમરીવાંઢવાળા ઠઠથી કરીને છેક છારી-ઢંઢ સુધીના વિસ્તારમાં આવેલા વેકરીયો ઠઠ, શેરવા ઠઠ, હંજતલ, કુંજતલ જેવા આશરે રર  જેટલા કુદરતી જળ પ્લાવિત વિસ્તારો જે વાસ્તવમાં મૂળ બન્નીનો જ ભાગ છે અને ખૂબ જ જૈવિક વૈવિધ્યતા ધરાવે છે, વિવિધ જાતના જળચર પક્ષીઓ, જંગલી જનાવરો વિહરે છે, એવાં ક્ષેત્રને આ ડીમાર્કેશનની પ્રક્રિયામાં સુકાં રણ તરીકે અલગ નિર્દિષ્ટ કરવામાં આવેલા છે. બન્ની વર્કિંગ પ્લાન મુજબ આખી બન્નીનું કુલ ક્ષેત્રફળ ર497 (બે હજાર ચારસો સત્તાણું) ચોરસ કિ.મી. દર્શાવેલું છે. જ્યારે નવા ડીમાર્કેશનની પ્રક્રિયા અને ગ્રીન ટ્રિબ્યુનલમાં સરકાર દ્વારા રજૂ કરાવાયેલા અહેવાલમાં તે બે ભાગમાં વિભાજિત કરી બન્નીનું ક્ષેત્રફળ 19763 ચો. કિ.મી. જ્યારે સુકાં રણના વિસ્તાર તરીકે 4887 ચો. કિ.મી.નો વિસ્તાર અલગથી દર્શાવેલો છે. આમ બન્નીના આવા મહત્ત્વના ભાગને સુકાં રણના ભાગ તરીકે અલગ દર્શાવવાનો વહીવટી તંત્રનો શું ઉદ્શ્યે હોઈ શકે તે સમજી શકાય તેમ નથી. ખાસ નોંધ : આ હેવાલ લખવાનો ઉદેશ્ય બન્નીની ડીમાર્કેશન પ્રક્રિયા સ્થાનિક નાગરિકો અને માલધારીઓના મૂળભૂત અધિકારોને અસરકર્તા હોઈ તેમની અને જાહેર જનતાની જાગૃતિ માટેનો છે. ભવિષ્યમાં વહીવટી બદલાવોની જે બાબતો લખવામાં આવેલી છે, તે ફક્ત અનુમાનો છે, એમ જ થશે તેમ માની લેવું નહીં. ઉપરાંત સ્થાનિક લોકો હાલમાં થયેલી ડીમાર્કેશનની પ્રક્રિયામાં જો કોઈ ફેરફાર કરાવવા ઈચ્છતા હોય તો હજુ પણ સમય છે અને પોતાના મુદ્દાઓ રજૂ કરી શકે છે, પરંતુ એક વખત આ ડીમાર્કેશનના નકશાને ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા સ્વીકૃત કરવામાં આવશે પછી ફેરફાર કરવાનું કામ ખૂબ જ કઠિન સાબિત થશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer