ગુજરાતમાં ભુજ સૌથી ગરમ

ગુજરાતમાં ભુજ સૌથી ગરમ
ભુજ, તા. 3 : અડધો અડધ શ્રાવણ વીતી ગયા પછી પણ વરસાદી વહાલ નહીં વરસતાં વ્યથિત કચ્છ ઉલટું અસહ્ય ઉકળાટમાં અકળાઇ રહ્યું છે. લાંબા સમય બાદ ઉષ્ણતામાપક પારો 38.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતાં જિલ્લા મથક ભુજ ભઠ્ઠીમાં ફેરવાયું હોય તેમ સોમવારે સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ તપ્યું હતું. ભરશ્રાવણે જેઠ જેવા જલદ તાપથી ત્રાહિમામ કચ્છીમાડુની સાથોસાથ ખેડુ મેઘમહેરને તલસી રહ્યો છે. કલાકના માંડ છ કિ.મી.ની ગતિવાળા પવનોને પછડાટ આપનારા સૂર્યના સામ્રાજ્યમાં શહેર શેકાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 77 ટકા અને દિવસ દરમ્યાન 64 ટકા જેટલું ઊંચું રહ્યું હતું. આમ, તીવ્ર તાપ સાથે ભેજ ભળતાં કચ્છી જનજીવન રક્ષાબંધનની બપોરે બફારાથી બેહાલ બન્યું હતું. બીજીતરફ ખાનગી ધોરણે મપાતાં તાપમાન મુજબ સીમાવર્તી પંથકના મુખ્ય મથક ખાવડામાં સોમવારે ઉષ્ણતામાપક પારો 39 ડિગ્રીએ પહોંચી જતાં રણકાંધીના ગામો દિવસભર દાઝયાં હતાં. કંડલા પોર્ટ પર પણ 37.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કાંઠાળ પટ તપ્યો હતો અને પૂર્વ કચ્છ પરસેવે રેબઝેબ થઇ ગયું હતું. આગ ઓકતા રસ્તા અને આભેથી વરસતી અગન વચ્ચે પીસાતા શ્રમજીવી વર્ગની દશા દયનીય બની રહી છે. વાલીડો વરસી પડે તો ઉકળાટમાં રાહત મળવા સાથે ચોપાંને ચારો મળે, ખેડૂતની આંખમાં ચમક આવે તેવી પ્રાર્થના કચ્છ કરી રહ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer