એકલા-અટૂલા રહેનારાને રક્ષાસૂત્ર બંધાયા

એકલા-અટૂલા રહેનારાને રક્ષાસૂત્ર બંધાયા
ભુજ, તા. 3 : ભાઇની રક્ષા માટે બહેન દ્વારા આશીવાર્દ સાથે બંધાતા રક્ષાસૂત્રના પર્વે વિવિધ સંસ્થાઓ દ્વારા અનોખી ઉજવણી કરાઇ હતી, જેમાં એકલા-અટૂલા રહેનારા, કેદી, માનસિક દિવ્યાંગો અને વૃક્ષોને રાખડી બંધાઇ હતી. ભુજની માનવજ્યોત સંસ્થા અને રામદેવ સેવાશ્રમ પાલારા તથા કોટિ વૃક્ષ અભિયાન-બિદડા દ્વારા હિતેન ધોળકિયા સ્કૂલથી માધાપર પોલીસ સ્ટેશન માર્ગે 300 વૃક્ષ વાવી વૃક્ષોને રક્ષા બાંધી વધુને વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રબોધ મુનવર, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની તથા કાર્યકરો જોડાયા હતા.  રક્ષાબંધનના દિવસે વધુ 300 છોડ વાવી રક્ષાબંધન દિવસની અનોખી ઉજવણી કરી હતી. વ્યવસ્થામાં સલીમ લોટા, વિક્રમ રાઠી, રસિક જોગીએ સહકાર આપ્યો હતો. ભુજની સત્યમ સંસ્થા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષોને રાખડી બાંધવા તેમજ બાળકોને અલ્પાહાર ઉપરાંત રાખડીઓ સાથે  માસ્ક વિતરણ ઉપરાંત અલગ અલગ જગ્યાએ એકલા- અટૂલા રહેનારા લોકોના કાંડે રાખડી બાંધી હતી. મીઠું મોં કરાવ્યું હતું. તાનારીરી મહિલા મંડળે સહયોગ આપ્યો હતો. દર્શક અંતાણી, મધુભાઇ ત્રિપાઠી, જટુભાઇ, નર્મદાબેન ગામોટ, જયશ્રીબેન ત્રિપાઠી, ઘનશ્યામભાઇ લાખાણી સહિતના લોકો જોડાયા હતા. કાર્યક્રમમાં વ્યવસ્થા વિનોદભાઇ રેલોન તેમજ ભુજ કો-ઓ. બેંકના એમ.ડી ધીરેનભાઇ?ઠક્કર દ્વારા કરી અપાઇ હતી. મંજુલાબેન જણસારી, રવજીભાઇ પટેલ અને શાંતાબેન પરમારે સહયોગ આપ્યો હતો. પાલારા (ભુજ) ખાસ જેલમાં કેદી ભાઇઓને સરકાર દ્વારા તેમની બહેનને આ દિવસે રક્ષા કવચ-મીઠાઇ સહિતની ભેટ આપવાની મંજૂરી મળતી હોય છે, પણ ચાલુ સાલે કોવિડ-19ના કારણે સરકાર દ્વારા મહામારીને લઇને તમામ ઉત્સવોને બ્રેક મારી છે, જેમાં રાખડીપૂનમનો પણ સમાવેશ થાય છે. ભુજ પાલારા ખાસ જેલ પ્રશાસન દ્વારા જેલના મુખ્ય પ્રવેશ ગેટ પાસે આવેલા ભજિયા હાઉસ ખાતે એક બોક્ષ મૂકવામાં આવ્યો હતો, જેમાં બહેનોએ પોતાના ભાઇનું નામ, કાચા-પાકામાં સજા ભોગવી રહ્યાની વિગત લખીને સવારથી રાખડીઓ પેટીમાં નાખી રહ્યાનાં દ્રશ્યો જોવાં મળ્યાં હતાં. જેલ અધીક્ષક ડી.એમ. ગોહેલના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા ગોઠવાઇ હતી. ભુજની ઇન્નરવ્હીલ કલબ દ્વારા માનવજ્યોત ભુજ સંચાલિત સંસ્થાના ચાર માનસિક દિવ્યાંગોનાં કાંડે રક્ષા બાંધી તેઓ જલ્દી સ્વસ્થ બને અને પરિવારજનો સાથે ફેરમિલન થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. કલબ પ્રમુખ હર્ષાબેન કોટક, ઉષાબેન ઠક્કર, બિન્દુબેન જોષી, કમળાબેન વ્યાસ તથા સ્મિતાબેન નાગડા ઉપસ્થિત રહ્યા હતા. માનસિક દિવ્યાંગોને અલ્પાહાર અપાયો હતો. સંસ્થાના પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોની, પંકજ કરૂવા, મહેશ ઠક્કરે આભાર માન્યો હતો. આદિપુરમાં પતંજલિ યોગ સમિતિ દ્વારા પાંચ વર્ષથી રોજ ચાલતા યોગ વર્ગમાં  કચ્છ પરિવારે રક્ષાબંધનનો તહેવાર ઊજવ્યો હતો. યોગી બહેનોએ બધા ભાઇને રાખડી બાંધીને લાંબા આયુષ્યની કામના કરી હતી. દરરોજ યોગ અને રોજ ચારથી પાંચ કિલોમીટર ચાલવાનું તેમજ બધાને યોગ કરાવવા નક્કી કર્યું હતું. જિલ્લા પ્રમુખ ભરતભાઇ ઠક્કર, કર્મઠ યોગ શિક્ષકો જયાબેન થાવાણી, લક્ષ્મણભાઇ, દાસભાઇ, ગિરધરભાઇ ટાંક, ચન્દ્રકાંતભાઇ સોની, નયનાબેન ઝાલા, મહિમાબેન, દીપાબેન, ભરતભાઇ ખત્રી, રોમાબેન, કવિતાબેને ભાગ લીધો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer