ક્ચ્છ યુવક સંઘે કચ્છ-લદ્દાખ સરહદે જવાનોને રાખડી બાંધી

ક્ચ્છ યુવક સંઘે કચ્છ-લદ્દાખ સરહદે જવાનોને રાખડી બાંધી
મુંબઈ, તા. 3 (અમારા પ્રતિનિધિ તરફથી) : કચ્છ યુવક સંઘ દરવર્ષે દેશની સરહદે જાનના જોખમે કપરી ફરજ બજાવતા જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વ ઊજવે છે. આ વખતે કોરોના મહામારીના કાળમાં સરહદે પહોંચવું શક્ય ન હોવા છતાં મહિલાઓને આહ્વાન કરીને 15,200 રાખડી રક્ષાબંધન પૂર્વે જવાનોને પહોંચી જાય એવી સફળ વ્યવસ્થા ગોઠવીને પર્વની ઉજવણી કરી હતી. કચ્છ યુવક સંઘના ઋષભભાઈ મારૂ અને તેમની ટીમ ભારત-પાક બોર્ડર પર દર વર્ષે જાય છે. આ વખતે પ્રચાર-માધ્યમો દ્વારા બહેનોને આહ્વાન કર્યું કે `એક રાખી ફૌજીભાઈ કે નામ' નિમિત્તે એક રાખડી અને અજાણ્યા ભાઈને આશિષનો પત્ર લખી કવરમાં બંધ કરીને  કલેકશન સેન્ટરો પર 20મી જુલાઈ સુધી મોકલી આપવી). કુલ 15,209 રાખડી એકઠી થઈ હતી. આ રાખડીઓ અલગ અલગ સરહદે જવાનોને રક્ષાબંધન પહેલાં મળી જાય એ માટે ખાસ વ્યવસ્થા કરી. મેજર રાજીવકુમાર પોટે 10,550 રાખડી ગુજરાત અને રાજસ્થાનનની તમામ બીએસએફ બટાલિયન અને બીએસએફ વૉટરવિંગને પહોંચાડવાની જવાબદારી માથે લીધી હતી, તો એક હજાર રાખડી પંજાબના ફોજી જગદીશ પ્રસાદે પહોંચાડી. કર્નલ સંતોક જખમોલાએ 1000 રાખડી લદ્દાખ સરહદે પહોંચતી કરી. લેફટનન્ટ કર્નલ મુકેશકુમાર ટાંકે આસામના મિસામારી-સોનીતપુર ખાતે 1500 રાખડીઓ મોકલાવી. 400 રાખડી અંધેરી સ્થિત એનએસજી કમાન્ડોના હેડક્વાર્ટર અને 200 રાખડી એનસીસી હેડક્વાર્ટર મુંબઈ ખાતે આપી. 1500 રાખડી મુંબઈ પોલીસ, ડૉક્ટરો અને સફાઈકર્મીઓને રૂબરૂ જઈને કાર્યકર્તાઓએ બાંધી હતી. આ માહિતી આપતાં ઋષભભાઈ મારૂએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, શ્રીમદ્ વિજયરત્નસુંદરસૂરિશ્વરજી મહારાજ સાહેબ, શ્રીમદ્ પદ્મસુંદરસૂરિશ્વરજી, બાપ્સ સ્વામિનારાયણ સંસ્થાના મહંત સ્વામીએ શુભેચ્છા આપી હતી. આર્મી ચીફ એમ. એમ. નરવણેએ આ કાર્યને બિરદાવ્યું છે. રાખડી વિતરણના કાર્યમાં સાથે અરવિંદ હરિયા અને પરાગ છેડાએ જહેમત ઉઠાવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer