અબડાસામાં શ્રીકાર મેઘમહેર થકી ઠેરઠેર સર્જાયાં આંખ ઠારતાં દૃશ્યો

અબડાસામાં શ્રીકાર મેઘમહેર થકી ઠેરઠેર સર્જાયાં આંખ ઠારતાં દૃશ્યો
નલિયા, તા. 3 : અબડાસામાં બુધવારે મેઘરાજાએ પોરો ખાધો હતો. મંગળવારના સચરાચર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના તળાવ, તળાવડી અને નાની સિંચાઈ યોજનાના ડેમો છલકાઈ ગયા છે. તાલુકાના હેરિટેઝ વિલેઝ એવા તેરા ગામના ત્રણ તળાવો પૈકી બે તળાવો છલકાઈ ગયા છે. ત્રીજા તળાવમાં જોશભેર પાણીની આવક થઈ ગઈ છે. કોઠારાના ત્રણેય તળાવો છલકાઈ ગયા છે. તો ભવાનીપર, વાડાપદ્ધર સહિતના ગામોના તળાવો પણ છલકાઈ ગયા છે. ગામલોકોએ મેઘોત્સવની તૈયારી આરંભી છે. ગરડા વિસ્તારના નાની સિંચાઈ યોજનાના ત્રણ ડેમો બુરખાણ, રાખડી, વિઝોડા ડેમ છલકાઈ ગયા છે. સિંધોડી પાસેનો બંધારો છલકાઈ ગયો છે. સિંધોડી ગામના રોડ પર કોઝવે (પાપડી) પર પાણી ફરી વળતાં ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. તો તેરા ગામના તળાવની આવનું પાણી ગામમાં પ્રવેશ્યું હતું. નુંધાતડ, હાજાપર વગેરે ગામોમાં ભારે વરસાદના કારણે એકાદ હજાર એકર જમીનમાં કપાસ અને અન્ય પાકોને નુકસાન થયું છે. સચરાચર વરસાદના કારણે તાલુકાભરમાં ઘણા ગામોમાં તળાવ, તળાવડીઓ ઓવરફલો થઈ રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer